World

LAC તણાવ ભૂલી ફરી નજીક આવશે ભારત-ચીન! બ્રિક્સ સમિટ પહેલાં NSA અજીત ડોભાલની બેઇજિંગમાં મંત્રણા

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સોમવારે 2 દિવસના ચીન પ્રવાસે બેઇજિંગ પહોંચ્યા છે. તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યીના આમંત્રણ પર ભારત-ચીન સરહદ વિવાદને લઈને 25મા તબક્કાની મંત્રણામાં ભાગ લેશે. આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને સરહદ પર શાંતિ-સ્થિરતા સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. ડોભાલ ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને પણ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LAC તણાવ ભૂલી ફરી નજીક આવશે ભારત-ચીન! બ્રિક્સ સમિટ પહેલાં NSA અજીત ડોભાલની બેઇજિંગમાં મંત્રણા

Ajit Doval Beijing Visit : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સોમવારે બે દિવસના ચીન પ્રવાસે બેઇજિંગ પહોંચ્યા છે. તેઓ ભારત-ચીન સરહદ વિવાદને લઈને વિશેષ પ્રતિનિધિઓની 25મા તબક્કાની મંત્રણામાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન સરહદ પર શાંતિ અને સ્થિરતા સાથે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. ડોભાલ ચીનના વિદેશ મંત્રી અને ભારત-ચીન સરહદ મુદ્દા પર ચીનના વિશેષ પ્રતિનિધિ વાંગ યીના આમંત્રણ પર બેઇજિંગ પહોંચ્યા છે.

ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી, ઉપરાષ્ટ્રપતિ વચ્ચે યોજાશે બેઠક

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અજિત ડોભાલ (Ajit Doval) અને વાંગ યી (Wang Yi) મંગળવારે સરહદ વિવાદ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો કરશે. પોતાના ચીન પ્રવાસ દરમિયાન ભારતીય સુરક્ષા સલાહકાર ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ (Han Zheng) સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતને ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સરહદ સાથે જોડાયેલા પેન્ડિંગ પ્રશ્નોને ઉકેલવા તરફ આગળ વધારવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અગાઉ ભારત-ચીન વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી

અગાઉ 6 ઓગસ્ટે નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે સરહદી બાબતો પર પરામર્શ અને સંકલન માટે રચાયેલા વર્કિંગ મિકેનિઝમ (WMCC)ની 36મી બેઠક યોજાઈ હતી. તેમાં સીમા નિર્ધારણ, સરહદ વ્યવસ્થાપન અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય મુજબ, આ બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સ્પષ્ટ કર્યું હતું કે, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ બંને દેશોના સંબંધોના સમગ્ર વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

ગેરસમજ ટાળવા માટે સંવાદ ચાલુ રાખવા બંને દેશો સંમત

બેઠક દરમિયાન બંને દેશોના અધિકારીઓએ બાકી રહેલા પ્રશ્નોના ઉકેલ માટે વર્તમાન રાજદ્વારી અને સૈન્ય સંવાદના માધ્યમોનો ઉપયોગ ચાલુ રાખવા પર સહમતિ દર્શાવી હતી. તેમાં WMCC, સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો અને પૂર્વ-સ્થાપિત વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. 24મા વિશેષ પ્રતિનિધિ તબક્કાની વાતચીત બાદ બંને પક્ષોએ સીમા નિર્ધારણ, સરહદ સંચાલન અને સરહદ પાર સહયોગ સાથે જોડાયેલા વિષયો પર વિગતવાર વિચાર-વિમર્શ કર્યો હતો.

સરહદ પાર વહેતી નદીઓ અંગે પણ થશે ચર્ચા

ભારતે બંને દેશો વચ્ચે વહેતી સરહદ પારની નદીઓ સાથે સંકળાયેલા એક્સપર્ટ લેવલ મિકેનિઝમની આગામી બેઠક ઝડપથી બોલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ સાથે જ ઉપલા વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ સંબંધિત ટેકનિકલ માહિતીનું આદાન-પ્રદાન કરવાના મહત્ત્વ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.