World

ઑઈલ ટેન્કર્સની વાત છોડો : 1 લિટર પણ તેલ જવા નહીં દઈએ : ટ્રમ્પની ધમકી સામે ઈરાનની વળતી ધમકી

By GS TEAM
10 Mar 20262 mins read
ઑઈલ ટેન્કર્સની વાત છોડો : 1 લિટર પણ તેલ જવા નહીં દઈએ : ટ્રમ્પની ધમકી સામે ઈરાનની વળતી ધમકી

- હોર્મુઝ સ્ટ્રેઈટ્સમાંથી સઉદી અરબ, યુએઇ, કુવૈત, કતાર, ઇરાકનું તેલ દુનિયાભરમાં જાય છે : તેલના ભાવ ઉપરાંત વિશ્વ વ્યાપી મંદીના એંધાણ

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં તંગદિલી વધવા સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે શબ્દ યુદ્ધ પણ ચાલી રહ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન તેલનો સપ્લાય થંભાવી દેશે તો તેની ઉપર ભીષણ હૂમલો કરવામાં આવશે. તે સામે ઈરાનના ઇસ્લામિક, રિવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સે વળતી ધમકી ઉચ્ચારી છે કે, જો અમેરિકા હુમલા બંધ જ નહીં કરે તો, તે સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝમાંથી તેલ બહાર જવા નહીં દે. ઓઇલ કેરિયર ટેન્કર્સની તો વાત છોડો, એક લીટર પણ ઓઇલ હોર્મુઝની સમુદ્ર ધુનિ (સ્ટ્રેઇટસ)માંથી બહાર જવા નહીં દઈએ.

આમ ઈરાનની વળતી ધમકી દુનિયા ઉપરખતરાની ઘંટડી બની રહી છે.

જો આ સમુદ્રીય માર્ગ તદ્દન બંધ થઈ જાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આસમાને સ્પર્શી જાય. વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલ પાથલ થઈ જશે.

ઈરાન જો તે સ્ટ્રેઇટસ તદ્દન બંધ કરી દે તો સઉદી અરબ, યુએઇ, કુવૈત, કતાર અને ઇરાકનું તેલ પણ અટકી જાય. સાથે એક તરફ વૈશ્વિક મોંઘવારી ફાટી નીકળે. તેલના અસામાન્ય ઉંચા ભાવને લીધે ઉદ્યોગો ઉપર પણ અસર થાય જ, તેથી બેકારી પણ વધે.

બીજી તરફ ટ્રમ્પે પણ ફરી ધમકી ઉચ્ચારી છે કે તે અત્યાર કરતાં ૨૦ ગણી સખ્ત કારવાઈ કરશે.

હોર્મુઝની સમુદ્ર ધુનિ (સ્ટ્રેઇટસ) દુનિયાનો એક મહત્વનો જળ માર્ગ છે. ઈરાન પોતાની સલામતીના નામે અહીંથી પસાર થતાં જહાજો રોકવા શરૂ કરી દીધા છે.

આ અંગે ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડરે ફરીથી તેલવાહક જહાજોને પસાર થવા દેવા અંગે પૂછયું તો તેમણે કહ્યું : ઓઇલ કેરિયર ટેન્કર્સની વાત છોડો, એક લીટર પણ તેલ હોર્મુઝ (સમુદ્રધુનિ)માંથી પસાર થવા નહીં દઈએ.