World

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી: 1200થી વધુ લોકોના મોત, 4000થી વધુ હજુ લાપતા

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળ અને તિબેટ સરહદે આવેલા વિનાશક પૂર-ભૂસ્ખલનને કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ હોનારતમાં 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 4000થી વધુ લાપતા છે. કાઠમંડુની હોસ્પિટલો બહાર લાપતા લોકોના ફોટોગ્રાફ્સ લગાડાયા છે. રોગચાળો અટકાવવા મૃતદેહોને અસ્થાયી રૂપે દફનાવાઈ રહ્યા છે. નેપાળે આંતરરાષ્ટ્રીય સ્તરે 'ક્લાઇમેટ જસ્ટિસ'ની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી: 1200થી વધુ લોકોના મોત, 4000થી વધુ હજુ લાપતા

Nepal Flash Flood : નેપાળ અને તિબેટ સરહદે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક હોનારતમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. કાટમાળ વચ્ચે સેના, પોલીસ અને સ્થાનિકો પોતાના ગુમ થયેલા સ્વજનોને શોધવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.

હોસ્પિટલો બહાર કરુણ દ્રશ્યો

રાજધાની કાઠમંડુની સૌથી મોટી ત્રિભુવન હોસ્પિટલ બહાર અત્યંત કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલની દીવાલો અને દોરડા પર લાપતા લોકોના ફોટોગ્રાફ્સ લગાડવામાં આવ્યા છે. પૂરના એક અઠવાડિયા પછી પણ સ્થિતિ એટલી વિકટ છે કે તબીબો માટે મૃતદેહોના ફિંગરપ્રિન્ટ્સ કે ઓળખચિહ્નો લેવા મુશ્કેલ બની રહ્યા છે. એકલી ત્રિભુવન હોસ્પિટલમાં જ 161થી વધુ એવા મૃતદેહો છે જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

Nepal Flash FLood.jpg

રોગચાળો અટકાવવા દફનવિધિ અને સાંકેતિક અંતિમ સંસ્કાર

નેપાળ મુખ્યત્વે હિંદુ બહુમતી ધરાવતો દેશ હોવાથી સામાન્ય રીતે અગ્નિસંસ્કારની પરંપરા છે, પરંતુ ચેપ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે કાઠમંડુના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં મૃતદેહોને અસ્થાયી રૂપે દફનાવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ડીએનએ (DNA) મેચિંગ માટે ચિતવન જેવા જિલ્લાઓમાં દોઢ મીટર ઊંડા ખાડા ખોદીને ચોક્કસ નંબર સાથે મૃતદેહો દફનાવાયા છે. બીજી તરફ, સ્વજનો પાછા ન આવવાની કડવી વાસ્તવિકતા સ્વીકારીને નુવાકોટ જેવા વિસ્તારોમાં ત્રિશૂલી નદીના કિનારે ઘાસના પૂતળા (કુશા) બનાવીને સાંકેતિક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

વૈશ્વિક મંચ પર 'ક્લાઇમેટ જસ્ટિસ'ની કડક માગ

આ ભયાનક હોનારત વચ્ચે નેપાળે આંતરરાષ્ટ્રીય સ્તરે અમીર દેશો પાસે 'ક્લાઇમેટ જસ્ટિસ' (આબોહવાકીય ન્યાય) ની માગણી તેજ કરી છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમનો દેશ એવા વૈશ્વિક સંકટ (ગ્લોબલ વોર્મિંગ) ની ભારે કિંમત ચૂકવી રહ્યો છે જે તેમણે પોતે સરજાવ્યું જ નથી. વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં નેપાળ હિસ્સો નગણ્ય છે, જ્યારે ચીન, અમેરિકા અને ભારત જેવા મોટા દેશો આ માટે મુખ્યત્વે જવાબદાર છે.

Nepal Flash Flood Images.jpg

2 અબજ લોકોના અસ્તિત્વ સામે ખતરો

નેપાળના નાણા મંત્રાલયે વૈશ્વિક ભાગીદારોને સત્તાવાર રીતે આબોહવા વળતર (Climate Compensation) માટેનો દાવો મોકલ્યો છે. સરકારે ચેતવણી આપી છે કે જો હિમાલયના ગ્લેશિયરો આ જ રીતે પીગળતા રહેશે, તો તેનાથી દક્ષિણ એશિયાઈ સભ્યતા અને નદીઓ પર નિર્ભર 2 અબજથી વધુ લોકોનું અસ્તિત્વ જળ સંકટને કારણે ભારે જોખમમાં મુકાઈ જશે.