World

તિબેટમાં વધુ એક તળાવ તૂટતાં બિહારમાં પૂરની એલર્ટ

By GS Team
30 Aug 20264 mins read
TukuTouch Logo
નેપાળમાં પૂરની તારાજી વચ્ચે હવામાન વિભાગે અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા છે અને 3000થી વધુ લાપતા છે. ભારતના કુશીનગરમાં ગંડક નદીમાંથી 7 મૃતદેહો મળ્યા છે. 15,000 સુરક્ષાકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. બિહારમાં પણ પૂરની એલર્ટ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તિબેટમાં વધુ એક તળાવ તૂટતાં બિહારમાં પૂરની એલર્ટ
  • નેપાળમાં પૂરની તારાજી વચ્ચે અતિ ભારે વરસાદની ચેતવણી, મૃત્યુઆંક ૭૦૦ને પાર
  • પૂર હોનારતમાં લાપતા લોકોની સંખ્યા વધીને ૩૦૦૦ થઈ, ૪૪૦૦થી વધુને બચાવાયા : ૧૫,૦૦૦ સુરક્ષા દળો, હેલિકોપ્ટર બચાવ કામ માટે તૈનાત
  • નેપાળના પૂરની ભારતમાં અસર : ગંડક નદીમાં સાત મૃતદેહો તણાઈ ઉત્તર પ્રદેશના કુશીનગર પહોંચ્યા

કાઠમંડુ/નવી દિલ્હી : નેપાળ-તિબેટ સરહદે સરોવર ફાટતા આવેલા પૂરની તારાજી વચ્ચે તિબેટમાં વધુ એક સરોવર ફાટતા બિહારમાં પૂરની એલર્ટ આપવામાં આવી છે અને તંત્રને સાબદું કરાયું છે. વધુમાં નેપાળમાં પૂરના પ્રવાહમાં તણાઈને સાત મૃતદેહો ગંડક નદીમાં ઉત્તર પ્રદેશના કુશીનગર પહોંચ્યા છે. બીજીબાજુ નેપાળમાં તારાજીથી શનિવારે મૃત્યુઆંક વધીને ૭૦૦ને પાર થઈ ગયો છે અને લાપતા લોકોની સંખ્યા પણ વધીને ૨૪૦૦થી વધુ થઈ ગઈ છે. વરસાદના કારણે ભોટેકોશી નદીમાં ફરીથી પાણીનું સ્તર વધતા લોકો ભયભીત થઈ ગયા છે. આ તારાજી વચ્ચે નેપાળના હવામાન વિભાગે શનિવારે અતિ ભારે વરસાદ અને તોફાનની આશંકાથી ફરી જળપ્રલયની ચેતવણી આપી છે.
નેપાળમાં પૂરની તારાજી વચ્ચે ફરીથી વરસાદ આવતા ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર વધતા સરકારી તંત્રે બચાવ અને રાહત કામગીરી અટકાવવી પડી હતી. નેપાળમાં હોનારતનો મૃત્યુઆંક વધવાની સાથે લાપતા લોકોની સંખ્યા પણ વધીને ૩૦૦૦થી વધુ થઈ ગઈ છે, જેમાં ૨૮૭થી વધુ ભારતીયો સહિત ૩૨૦થી વધુ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. બીજીબાજુ શનિવારે ૫૦૦ સહિત કુલ ૪,૪૦૦થી વધુ લોકોને બચાવાયા છે અથવા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નેપાળમાં રાહત અને બચાવ કામગીરી માટે ૧૫,૦૦૦થી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરાયા છે. જોકે, રસ્તાઓ અને પુલો તૂટી ગયા હોવાથી અંતરિયાળ વિસ્તારોમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન મુશ્કેલ બન્યું છે. હેલિકોપ્ટરો અનેક જગ્યાએ ફસાયેલા લોકોને ખસેડી રહ્યા છે અથવા રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે.
હિમાલયમાં નેપાળ-તિબેટ સરહદે હિમશિખર તૂટી પડવાથી આવેલા પૂરના પ્રવાહમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ, કાટમાળ ખડકાઈ ગયા છે. આ કાટમાળના કારણે પુલ, રસ્તા, ઈમારતો તૂટી પડયા છે. જેને સાફ કરવાનું કામ નેપાળના તંત્ર માટે પડકારજનક બની રહેશે. હવામાન વિભાગે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પૂરની ચેતવણી આપતા અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરાઈ છે.
દેશને તારાજીમાંથી ઉગારવા માટે નેપાળના પબ્લિક સેક્ટર, ખાનગી કંપનીઓ અને ઉદ્યોગપતિઓએ હોનારત રાહત ભંડોળમાં નાણાંનો ધોધ વરસાવ્યો છે. નેપાળમાં વિનાશક પૂરના કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ૮૭ વર્ષીય દાનવીર રાજિ રાણાએ નાણામંત્રી સ્વર્ણિમ વાગલેને રાહત કાર્યો માટે વ્યક્તિગતરીતે ૧.૦૯ કરોડ નેપાળી રૂપિયાનું દાન આપ્યું હતું. આ સિવાય સૂર્યા નેપાળ પ્રા. લિ.એ ૧૫ કરોડ, જ્યોતિ ગૂ્રપે પાંચ કરોડનું દાન કર્યું હોવાના અહેવાલ છે. આ સાથે નેપાળમાં બુધવારે પૂરે વિનાશ વેર્યા પછી વડાપ્રધાનના ડિઝાસ્ટર રહાત ભંડોળમાં અત્યાર સુધીમાં કુલ ૪.૦૯ અબજ નેપાળી રૂપિયાનું દાન મળ્યું છે.
નેપાળમાં બચાવ અને રાહત કાર્યોમાં મદદ કરવા તેમજ ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારતમાંથી નિષ્ણાતોની એક ટીમ શનિવારે નેપાળ પહોંચી હતી. તેઓ નેપાળના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં સ્થાનિક તંત્રને મદદરૂપ થશે.
દરમિયાન તિબેટ અને નેપાળ સરહદે બનેલું વધુ એક સરોવર ફાટયું છે, જેના કારણે નદીઓમાં પાણીનું જળસ્તર વધવા લાગ્યું છે. તેની અસર ભારતમાં છેક બિહાર સુધી થઈ છે. બિહારમાં રાજ્ય સકારે વાલ્મિકીનગર અને કોસી બરાજમાં પૂરની એલર્ટ આપી છે. વિશેષરૂપે ગંડક નદીનું જળસ્તર વધતા સારણ બંધ સહિત બધા જ મહત્વપૂર્ણ બંધો પર સતત નિરીક્ષણ રખાઈ રહ્યું છે.

નેપાળમાં તણાઈ આવેલી તિજોરી તોડી રૂ. ૯૨ લાખની ચોરી : ૨૯ની ધરપકડ
કાઠમંડુ : નેપાળમાં આવેલા પૂર અને બરબાદીને ત્યાંના ચોરોએ આફતમાં અવસર બનાવી દીધો છે. એકબાજુએ પૂરપીડિતોની ગણતરી કરવામાં આવી છે તો બીજી બાજુએ ચોર પૂરમાં વહીને આવેલા રૂપિયા લૂંટી ગયા છે.
પોલીસે ત્રિશુલી નદીના કિનારે આવેલા પૂરમાં વહીને આવેલી તિજોરી તોડીને લગભગ ૯૨.૬૮ લાખ રૂપિયા લૂંટવાના આરોપમાં ૨૯ની ધરપકડ કરી છે. ફક્ત એટલું જ નહીં નારાયણી નદીમાં વહીને આવેલી મૃતક મહિલાના મૃતદેહ પરથી સોનાની વાળીઓ ચોરાવવાનો વિડીયો વાઇરલ થયા પછી બે અન્ય લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
વાસ્તવમાં તિજોરી ભોટેકોશી વિસ્તારમાં આવેલા પૂરમાં વહી ગઈ હતી. પછી તે ગલછી ગ્રામીણ નગરપાલિકા-૪ના બેલખુખોલાની પાસે ત્રિશુલી નદીના કિનારે મળી. પોલીસને સૂચના મળી કે સ્થાનિકોએ તિજોરી તોડીને અંદર મૂકેલી રોકડ કાઢી લીધી છે.પોલીસે તરત જ ંએક ટીમને ઘટનાસ્થળે મોકલી અને તપાસ શરૂ કરી. પોલીસે પકડેલા ૨૯ લોકો પાસેથી રોકડ પણ જપ્ત કરી. જ્યારે મૃતક મહિલાની વાળી ચોરનારા બેની ધરપકડ કરવામાં આવી છે.