World

અમેરિકામાં 60 વર્ષ પછી દેખાયા માંસ ખાઉ કીડા, હવે તેમની સામે લડવા 60 કરોડ માખીનું સૈન્ય ઉતારાશે

By GS Team
8 Jun 20264 mins read
TukuTouch Logo
કુદરત અનેક પ્રકારના રહસ્યો અને અજાયબીથી ભરેલી છે, પરંતુ ક્યારેક આ જ કુદરત મનુષ્યો અને પ્રાણીઓ માટે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. સામાન્ય રીતે આપણે હોલિવુડની સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં જ એવા જીવો જોતા હોઈએ છીએ જે જીવતા શરીરનું માંસ ખાઈ જાય, પરંતુ હવે આ કાલ્પનિક ડર હકીકત બનીને અમેરિકાની ધરતી પર પાછો ફર્યો છે. આશરે 60 વર્ષ સુધી નામશેષ રહ્યા બાદ અમેરિકામાં સ્ક્રૂ વૉર્મ નામના કીડા ફરી દેખાયા છે, જે 'માંસ ખાઉ કીડા' (Flesh-eating worm) તરીકે પણ ઓળખાય છે. આ કીડાનું પુનરાગમન થતાં જ સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ખતરાને નાથવા માટે અમેરિકા હવે લાખો-કરોડો જંતુરહિત માખીઓ અને ખાસ તાલીમ પામેલા કૂતરાની મદદ લેવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં 60 વર્ષ પછી દેખાયા માંસ ખાઉ કીડા, હવે તેમની સામે લડવા 60 કરોડ માખીનું સૈન્ય ઉતારાશે

The Flesh-Eaters Are Back in America: કુદરત અનેક પ્રકારના રહસ્યો અને અજાયબીથી ભરેલી છે, પરંતુ ક્યારેક આ જ કુદરત મનુષ્યો અને પ્રાણીઓ માટે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. સામાન્ય રીતે આપણે હોલિવુડની સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં જ એવા જીવો જોતા હોઈએ છીએ જે જીવતા શરીરનું માંસ ખાઈ જાય, પરંતુ હવે આ કાલ્પનિક ડર હકીકત બનીને અમેરિકાની ધરતી પર પાછો ફર્યો છે. આશરે 60 વર્ષ સુધી નામશેષ રહ્યા બાદ અમેરિકામાં સ્ક્રૂ વૉર્મ નામના કીડા ફરી દેખાયા છે, જે 'માંસ ખાઉ કીડા' (Flesh-eating worm) તરીકે પણ ઓળખાય છે. આ કીડાનું પુનરાગમન થતાં જ સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ખતરાને નાથવા માટે અમેરિકા હવે લાખો-કરોડો જંતુરહિત માખીઓ અને ખાસ તાલીમ પામેલા કૂતરાની મદદ લેવાઈ રહી છે. 

શું છે 'સ્ક્રૂ વોર્મ' અને તે કેમ આટલો ખતરનાક છે?

અમેરિકામાં જે કીડાએ ચિંતા વધારી છે તેનું સત્તાવાર નામ 'સ્ક્રૂ વોર્મ' (Screw-worm) છે. તે વાસ્તવમાં એક પરોપજીવી માખી (Parasitic Fly) છે. સામાન્ય માખીઓ કરતાં એ ઘણી અલગ અને ઘાતક હોય છે. આ માખીની માદા પ્રજાતિ કોઈપણ જીવંત મનુષ્ય કે પ્રાણીના શરીર પરના ખુલ્લા ઘા, કાપ અથવા નાભિ જેવા ભેજવાળા ભાગોને શોધીને ત્યાં ઇંડા મૂકે છે. આ ઇંડામાંથી લાર્વા (Larvae) બહાર આવે છે, ત્યારે અસલી તબાહી શરૂ થાય છે. આ લાર્વાનો મોઢાનો ભાગ તીક્ષ્ણ હોય છે. તેઓ જીવંત માંસની અંદર સુધી ડ્રીલ કરીને (સ્ક્રૂની જેમ) પ્રવેશે છે અને અંદરથી માંસ ખાવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયાથી પ્રાણીઓ અસહ્ય પીડા અનુભવે છે અને જો સમયસર સારવાર ન મળે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.

તાજેતરમાં 3 જૂનના રોજ, અમેરિકાએ 60 વર્ષમાં પહેલીવાર તેનો સત્તાવાર કેસ નોંધ્યો છે. આ કેસ ટેક્સાસના લા પ્રાયર વિસ્તારમાં માત્ર 3 અઠવાડિયાના એક વાછરડામાં જોવા મળ્યો હતો, જ્યાં આ કીડા તેના નાભિના ભાગમાં માંસ ખાઈ રહ્યા હતા. આ ઘટનાએ પશુપાલન ઉદ્યોગમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે.

ચેપ ફેલાતો અટકાવવા ‘નિયંત્રણ ક્ષેત્ર’ની રચના 

આ કેસ મેક્સિકન સરહદથી આશરે 30 માઇલ દૂર મળી આવ્યો હોવાથી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. બીબીસીના અહેવાલ મુજબ, આ ચેપ વધુ ન ફેલાય તે માટે અધિકારીઓએ તે સ્થળની આસપાસનો 20 કિલોમીટરનો વિસ્તારને ‘ક્વોરેન્ટાઇન એરિયા’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં પશુઓની હેરફેર પર કડક પ્રતિબંધો મૂકાયા છે.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર, સ્ક્રૂ વોર્મના લાર્વા માખી બન્યા પછી ટૂંકા અંતર સુધી ઉડી શકે છે, પરંતુ તેના લાંબા અંતરના ફેલાવા પાછળ મુખ્યત્વે મનુષ્યો અને સંક્રમિત પશુઓની અવરજવર જવાબદાર હોય છે. સ્ક્રૂ વોર્મનું જોખમ મનુષ્યો માટે ઓછું હોય છે, પણ પ્રાણીઓ બોલી શકતા ન હોવાથી તેમને ચેપ લાગે તો પશુમાલિકોને ઝટ ખ્યાલ આવતો નથી. જો આ રોગચાળો પ્રાણીઓમાં ફેલાશે તો અમેરિકાના અબજો ડોલરના બીફ માર્કેટ અને પશુપાલન ઉદ્યોગને આર્થિક રીતે ફટકો પડી શકે છે.

આ પણ વાંચો: Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે ફાયદા

પ્રથમ યોજના: 'જંતુરહિત જંતુ તકનીક' 

માંસ ખાનારા કીડાઓને રોકવા માટે અમેરિકા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે, જેને 'જંતુરહિત જંતુ તકનીક' કહેવામાં આવે છે. આ યોજના પાછળનું વિજ્ઞાન રસપ્રદ છે. સ્ક્રૂ વોર્મની માદા માખી તેના સમગ્ર જીવનકાળમાં માત્ર એક જ વાર સંવનન કરે છે. જો તેને બિનફળદ્રુપ (Sterile) નર માખી સાથે સંવનન કરાવાય, તો તે જે ઇંડા મૂકશે તેમાંથી ક્યારેય લાર્વા બહાર આવી શકશે નહીં અને ધીમે-ધીમે તેમની વસ્તી નાબૂદ થઈ જશે. આ માટે લેબોરેટરીમાં માખીઓનો ઉછેર કરીને કિરણોત્સર્ગ (Radiation) દ્વારા તેમને વંધ્યીકૃત કરાય છે અને પછી જંગલોમાં છોડવામાં આવે છે. જો કે, આ યોજના સામે હાલમાં એક બહુ મોટો પડકાર છે.

- જરૂરી ક્ષમતા: આ રોગચાળાને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે દર અઠવાડિયે આશરે 60 કરોડ બિનફળદ્રુપ માખીઓ પ્રકૃતિમાં છોડવી પડે તેમ છે.

- વર્તમાન ઉત્પાદન ક્ષમતા: હાલમાં અમેરિકા અને મેક્સિકોની સંયુક્ત પ્રયોગશાળાઓ દર અઠવાડિયે માત્ર આશરે 10 કરોડ માખીઓ જ ઉત્પન્ન કરી શકે છે. આ તંગીને પહોંચી વળવા હાલ વિજ્ઞાનીઓ પ્રયોગશાળાની ક્ષમતા વધારવા રાત-દિવસ કામ કરી રહ્યા છે.

બીજી યોજના: સરહદ પર 'સ્નિફર ડૉગ્સ'ની તહેનાતી 

અમેરિકાએ માખીઓ ઉપરાંત સરહદ પર ઘૂસણખોરી રોકવા અને દેખરેખ રાખવા ખાસ સ્નિફર ડૉગને તહેનાત કર્યા છે, જેને ‘બીગલ બ્રિગેડ’ (Beagle Brigade) નામ અપાયું છે. આ કૂતરા ખાસ તાલીમ પામેલા છે અને તેઓ પ્રાણીઓના શરીરમાં રહેલી સ્ક્રૂ વોર્મ માખીઓ કે તેમના લાર્વાની ગંધ ખૂબ જ સરળતાથી સૂંઘી લે છે. મેક્સિકો સરહદેથી આવતા દરેક પશુનું આ કૂતરાઓ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે.

પશુપાલકો અને નાગરિકો માટે મહત્ત્વની સલાહ

સરકારે તકેદારીના ભાગરૂપે જાહેર કર્યું છે કે આ ખતરનાક માખીનો ચેપ અટકાવવા પશુમાલિકોએ તેમના જાનવરોના કોઈપણ નાના-મોટા ઘા ખુલ્લા ન રાખવા. કોઈ પણ પ્રકારની ઈજાઓ એન્ટિસેપ્ટિક દવાથી ઢાંકીને રાખવી તેમજ સમયાંતરે પોતાના અને પશુઓના શરીરની નિયમિત તપાસ કરાવવી. જો કોઈ શંકાસ્પદ કીડો કે લાર્વા દેખાય, તો તુરંત જ સ્થાનિક પશુચિકિત્સક અથવા સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો.