USS Gerald R Ford Fire : અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના યુદ્ધ સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે.
લોન્ડ્રી રૂમમાં આગ લાગતા બે સૈનિકો દાઝ્યા
યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, 12 માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ પર આગ લાગી હતી. આગની શરૂઆત જહાજના મેઈન લોન્ડ્રી વિસ્તારમાંથી થઈ હતી. આ અકસ્માતમાં અમેરિકાના બે સૈનિકો સામાન્ય દાઝ્યા છે, જેમને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું અને ઈજાઓ જીવલેણ ન હોવાનું નેવી દ્વારા જણાવાયું છે.
On March 12, USS Gerald R. Ford (CVN 78) experienced a fire that originated in the ship’s main laundry spaces. The cause of the fire was not combat-related and is contained.
— U.S. Naval Forces Central Command/U.S. 5th Fleet (@US5thFleet) March 12, 2026
There is no damage to the ship’s propulsion plant, and the aircraft carrier remains fully operational.…
જહાજની કામગીરી પર કોઈ અસર નથી
અમેરિકાએ દાવો કર્યો છે કે, આ આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. આ એરક્રાફ્ટ કેરિયર અત્યારે સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં છે અને 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. આ યુદ્ધજહાજ સાથે અન્ય ત્રણ સહાયક જહાજો - USS મહાન, USS બેનબ્રિજ અને USS વિન્સ્ટન એસ. ચર્ચિલ પણ તૈનાત છે.
વિશ્વનું સૌથી મોટું અને મોંઘું એરક્રાફ્ટ કેરિયર
‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની સૌથી મોટું અને મોંઘુ એરક્રાફ્ટ કેરિયર છે. તેની લંબાઈ 333 મીટર છે અને તેનું વજન આશરે 1 લાખ ટન છે. તે ન્યુક્લિયર પાવર્ડ જહાજ છે, જેમાં બે A1B ન્યુક્લિયર રિએક્ટર લાગેલા છે. આ જહાજ 90થી વધુ ફાઈટર જેટ્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ બનાવવાનો ખર્ચ આશરે 13 અબજ ડોલર થયો છે, જે તેને દુનિયાનું સૌથી મોંઘું યુદ્ધજહાજ બનાવે છે.


