World

એચ-1બી વિઝા અંગે ફેડરલ કોર્ટના નિર્ણયથી અમેરિકાને ફટકો: ટ્રમ્પ

By GS Team
10 Jun 20262 mins read
એચ-1બી વિઝા અંગે ફેડરલ કોર્ટના નિર્ણયથી અમેરિકાને ફટકો: ટ્રમ્પ

- દેશની કોર્ટો અમારી બરોબરની પરીક્ષા લઈ રહી છે:  ટ્રમ્પ

- ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકનો સહિત ભારતીયોએ ફેડરલ કોર્ટના નિર્ણયને વધાવી લીધો

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફેડરલ કોર્ટના એચ-૧બી વિઝા ફી એક લાખ ડોલરને ગેરકાયદે ગણાવવાના નિર્ણયની ટીકા કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય દેશને ફટકો મારશે. ન્યૂયોર્કમાં મેડિસન સ્કવેર ગાર્ડન ખાતે એનબીએની ફાઇનલ જોતાં ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે આ જજો ખરેખર અમારી કસોટી કરી રહ્યા છે. તે ખરેખર ક્રેઝી છે. તેમના નિર્ણયો દેશ માટે નુકસાનકારક છે. 

ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એચ-૧બી વિઝા અરજી પર એક લાખ ડોલરની ફી લાદવાના વટહુકમ પર સહી કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ નિર્દેશ આપ્યો હતો કે આ આદેશને કોલ્ટમાં પડકારવામાં આવશે. તેમનું કહેવું હતું કે એચ-૧બી વિઝા કાર્યક્રમનો દાયકાઓથી દૂરુપયોગ થતો હતો અને પ્રમુખ ટ્રમ્પે છેવટે તેમા સુધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્રમ્પને કોર્ટે ટેરિફના મુદ્દે પણ મોટો ઝાટકો આપતા હવે ટેરિફ પેટે લીધેલી બધી રકમ પરત કરવાની આવી છે. હવે આ જ રીતે એચ-૧બી વિઝા પેટે લીધેલી રકમ પણ ટ્રમ્પ તંત્રએ પરત કરવી પડશે. 

કેટલાક રિપબ્લિકન સાંસદોએ જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદાના લીધે દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકો અને હેલ્થકેર વર્કરોની અછતને પહોંચી વળવામાં મદદ મળશે. રાજ્યોના ગ્રામીણ વિસ્તારોની અને અંતરિયાળ સ્થળોની કેટલીય સ્કૂલો તેમની કમ્યુનિટીઝ માટે ક્વોલિટી ટીચર મેળવવા એચ-૧બી વિઝા પર આધાર રાખે છે, એમ અલાસ્કાની રિપબ્લિકન સેનેટર લિસા મુર્કોવ્સ્કીએ જણાવ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે કોર્ટનો આદેશ નિર્ણાયક સમયે આવ્યો છે, કારણ કે આગામી પાનખરમાં સ્કૂલો શરુ થવાની છે અને તે પૂર્વે ભરતી થાય તે જરૂરી છે. નોર્થ વર્જિનિયાના ડેમોક્રેટ કોંગ્રેસમેન ડોન બેયરે જણાવ્યું હતું કે કોર્ટે પ્રમુખ ટ્રમ્પને એચ-૧બી વિઝા ફીને ગેરકાયદે ઠેરવતો આદેશ આપ્યો તે જોઈ મને આનંદ થયો, તેના કારણે આખા દેશમાં અંડરસ્ટાફ છે તેવા હેલ્થકેર સેક્ટર પર બિનજરૂરી બોજો વધતો હતો. રિપબ્લિકન કોંગ્રેસમેન માઇક લોલેરે ફડેરલ કોર્ટના આદેશને આવકારતા જણાવ્યું હતું કે તેઓ હેલ્થકેર વર્કરોને એચ-૧બી વિઝા ફીમાંથી બાકાત રાખવામાં આવે તે કાયદા પર કામ કરતા હતા, હવે તેની જરૂર નહીં પડે.

અમેરિકા સ્થિત ભારતીય સમર્થકોના જૂથે કોર્ટના ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કારોબારમાં સંશોધન અને ઉદ્યોગસાહસિકતાની સાથે અમેરિકાની સ્પર્ધાત્મક ધાર જાળવવા એચ-૧બી વિઝા જરૂરી છે. કોર્ટના આદેશના પગલે એચ-૧બી વિઝા સાથે સંકળાયેલા બધા હિસ્સેદારોએ રાહતની લાગણી અનુભવી છે, પરંતુ ટ્રમ્પનું વહીવટીતંત્ર અહીં તેનો કેડો મૂકશે કે કેમ તે મોટો સવાલ છે.