Get The App

અમેરિકનોને છેતરતાં ભારતના કોલ સેન્ટર્સ FBIએ બંધ કર્યા : પાંચને ઝડપ્યા

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકનોને છેતરતાં ભારતના કોલ સેન્ટર્સ FBIએ બંધ કર્યા : પાંચને ઝડપ્યા 1 - image

- બે અમેરિકનો જ ફ્રોડ કરનારા ભારતીયોને સર્વિસ આપતા હતા

- ટેક સપોર્ટ આપવાના બહાને સિનિયર અમેરિકન્સને કોલ સેન્ટર પર કોલ કરાવી તેમને છેતરવામાં આવતા હતા 

ન્યુ યોર્ક : ટેક સપોર્ટ આપવાના બહાને હજારો સિનિયર અમેરિકન્સને છેતરી તેમના નાણાં પડાવનારા પાંચ ટેલિમાર્કેટિંગ છેતરપિંડીકારોને ગુનેગાર ઠેરવી ભારત સ્થિત કોલ સેન્ટર ઓપરેશન અમેરિકન સત્તાવાળાઓએ બંધ કરાવ્યું હોવાનું એફબીઆઇ દ્વારા એક સોશ્યલ મિડિયા પોસ્ટ પર જણાવવામાં આવ્યું હતું. એક વર્ષ લાંબી તપાસને અંતે એફબીઆઇ દ્વારા પાંચ ભારતીય અને બે અમેરિકન્સને કસુરવાર ઠેરવવામાં આવ્યા હતા. આ ગઠિયાઓ દ્વારા ગયા વર્ષે કુલ ૨.૧ અબજ ડોલર્સની છેતરપિંડી કરવામાં આવી હતી તેમાંથી રહોડ આઇલેન્ડના રહેવાસીઓને જ ૫૭ લાખ ડોલર્સ ગુમાવવા પડયા હતા.

રહોડ આઇલેન્ડના યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદન અનુસાર ટેક સપોર્ટ દ્વારા છેતરપિંડી આચરતાં લોકોને ટેલિકમ્યુનિકેશન્સ સંબંધિત સેવાઓ પુરી પાડવા બદલ મિયામીના એડમ યંગ અને લાસ વેગાસના હેરિસન ગેવિર્ઝને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ બંનેની ધરપકડ બાદ ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલી તપાસના અંતે ભારત સ્થિત ટેલિમાર્કેટિંગ છેતરપિંડીકારોને ઝડપવામાં આવ્યા હતા. અમેરિકન્સને છેતરવા બદલ ભારતીય નાગરિકો સાહિલ નારંગ, ચિરાગ સચદેવ, અબરાર અંજુમ અને મનિષકુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ તપાસને અંતે નોર્ધન કેલિફોર્નિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જગમિતસિંહ વિર્કને દોષી ઠેરવવામાં આવ્યા હતા. 

અદાલતમાં રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજો અનુસાર ૨૦૧૬થી ૨૦૨૨ દરમ્યાન યંગ અને ગેવિર્ઝને ખબર હતી કે તેમના કેટલાક ગ્રાહકો ટેક સપોર્ટના બહાને લોકોને છેતરવાનો ધંધો કરે છે. ટેક સપોર્ટના બહાને કમ્પ્યુટર પર પોપ અપ મોકલી ચેતવણી આપવામાં આવતી કે તેમની સિસ્ટમમાં વાઇરસ છે અને તેઓને કોલ સેન્ટર પર કોલ કરવા જણાવવામાં આવતું હતું. કોલ સેન્ટર દ્વારા તેમને બનાવટી ટેકનિકલ સપોર્ટ સર્વિસ આપવાના બહાને હજારો ડોલર ચૂકવવાની ફરજ પાડવામાં આવતી હતી. યંગ અને ગેવિર્ઝે અનેક ફરિયાદો મળવા છતાં છેતરપિંડીની જાણ કરવાને બદલે તેના ગ્રાહકોને  ફરિયાદ કરવાનું ટાળવાની સલાહો આપી હતી. કેટલાક ગ્રાહકોના કિસ્સામાં તેમના ટેલિફોન નંબર તથા અન્ય માહિતી પણ કમ્પ્યુટરમાંથી મેળવી છેતરપિંડી આચરનારાઓને આપવામાં આવી હતી.