Explosive Epstein Files: અમેરિકાના ન્યાય વિભાગ (DOJ - Department of Justice) દ્વારા જાહેર કરાયેલા જેફરી એપ્સટિન સંબંધિત દસ્તાવેજોના નવા બેચે ફરી એક વખત રાજકીય અને સામાજિક ભૂકંપ સર્જ્યો છે. આ દસ્તાવેજોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર અને વિવાદાસ્પદ આરોપોનો ઉલ્લેખ હોવાથી સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. ખાસ કરીને 13 વર્ષની બાળકી પર બળાત્કાર અને એક નવજાત બાળકની હત્યાના દાવાઓએ ભારે ચકચાર જગાવી છે.
13 વર્ષની બાળકીને ઓરલ સેક્સની ફરજ પાડવામાં આવી હોવાનો આરોપ
ફાઇલ્સમાં સામેલ એક એન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 35 વર્ષ પહેલાં ન્યુ જર્સીમાં એક છોકરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાતીય શોષણ માટે દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તે સમયે છોકરીની ઉંમર 13 કે 14 વર્ષની હતી અને તેને ઓરલ સેક્સની ફરજ પાડવામાં આવી હતી, જે દરમિયાન છોકરીના દાંત ટ્રમ્પને વાગી જતાં છોકરીને માર મારવામાં આવ્યો હતો. આ જ દાવામાં એવો પણ ઉલ્લેખ છે કે જેફરી એપ્સટિન દ્વારા પણ તે છોકરી સાથે દુર્વ્યવહાર થયો હતો.

નવજાત બાળકની હત્યાનો આરોપ
દસ્તાવેજોમાં ટ્રમ્પ સામેનો એક વધુ ચોંકાવનારો દાવો પણ સામેલ છે. એક અજાણ્યા ફરિયાદી અનુસાર, ટ્રમ્પ અને અન્ય લોકો દ્વારા જાતીય શોષણનો ભોગ બનેલી છોકરીએ એક બાળકને જન્મ આપતાં તે નવજાત બાળકની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં ટ્રમ્પ પણ સામેલ હતા. જોકે, આ દાવો માટે કોઈ સ્પષ્ટ પુરાવા કે કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ દસ્તાવેજોમાં નથી.

કેલિફોર્નિયાના ગોલ્ફ કોર્સ ખાતે સેક્સ ટ્રાફિકિંગના આરોપો લગાવાયા
બીજી એક ટિપમાં એક ફરિયાદીએ દાવો કર્યો છે કે 1995–96 દરમિયાન કેલિફોર્નિયાના રાંચો પાલોસ વર્ડેસ સ્થિત ટ્રમ્પ ગોલ્ફ કોર્સમાં સેક્સ ટ્રાફિકિંગ ગેંગ સક્રિય હતી, જ્યાંની સેક્સ પાર્ટીઓમાં ઘિસ્લેન મેક્સવેલ ‘મેડમ’ અને દલાલ તરીકે કામ કરતી હતી.
‘મારીને ગોલ્ફ કોર્સમાં દાટી દેવા’ની ધમકી અપાઈ હતી
ટ્રમ્પ ગોલ્ફ કોર્સ ખાતે બળાત્કારનો ભોગ બની હોવાની ફરિયાદ કરનારે એવો આરોપ લગાવ્યો કે જો તેણી આ પ્રવૃત્તિઓ અંગે કોઈને કહેશે, અથવા તો કોઈના નામ જાહેર કરશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે, એવી ધમકી તેને આપવામાં આવી હતી. તેને એવું કહેવાયું હતું કે, ‘મોં ખોલીશ તો તને પણ બીજી છોકરીઓની જેમ મારી નાખીને ગોલ્ફ કોર્સમાં દફનાવી દેવામાં આવશે.’

માર-એ-લાગો પાર્ટીઓ અને અન્ય સંદર્ભો
દસ્તાવેજોમાં ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં યોજાતી ‘કેલેન્ડર ગર્લ્સ’ પાર્ટીઓનો પણ ઉલ્લેખ છે. કેટલીક ટિપ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એપ્સટિન સગીર વયની છોકરીઓને લાવતો અને ત્યાં તેમની હરાજી થતી. ઉપરાંત, એક લિમોઝિન ડ્રાઇવરનો પણ ઉલ્લેખ છે, જેને ટ્રમ્પ અને એપ્સટિન બંને દ્વારા ભોગ બનેલી પીડિતોની જાણકારી હોવાનું કહેવામાં આવ્યું છે.
ગંભીર આરોપોમાં કેટલું સત્ય છે?
FBI પાસે એક સ્પ્રેડશીટ (ડેટાની યાદી) હોય છે, જેમાં સામાન્ય લોકો દ્વારા મોકલવામાં આવેલી જાણકારી, શંકાઓ અથવા ફરિયાદો નોંધવામાં આવે છે. આ માહિતીને ‘ટિપ્સ’ કહેવામાં આવે છે. ટ્રમ્પ પર લાગેલા આરોપોની માહિતી પણ FBIની સ્પ્રેડશીટમાંથી જ આવી છે, તેથી આ ટિપ્સ હજુ ફક્ત ‘દાવા’ જ છે, સત્ય નથી. કોઈ વ્યક્તિએ પોતે જે જોયું કે સાંભળ્યું હોય, એને આધારે ટ્રમ્પ પર આરોપ લગાવી દીધા હોય, એવું પણ બની શકે. સ્પ્રેડશીટમાંની માહિતી કોર્ટનો પુરાવો ગણાતી નથી. ટ્રમ્પ ગોલ્ફ કોર્સ ખાતે બળાત્કારનો ભોગ બની હોવાની ફરિયાદ કરનારની નોંધ FBIએ ‘વિશ્વસનીય ન ગણી શકાય’ એ રીતે કરી હતી. FBI દ્વારા તેનો સંપર્ક કરીને તેને વોશિંગ્ટન ઓફિસમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ એનું આગળ શું પરિણામ આવ્યું તેની કોઈ સ્પષ્ટ નોંધ નથી.
વ્હાઇટ હાઉસે આરોપો નકાર્યા
ટ્રમ્પ પર લાગેલા તમામ આરોપોને વ્હાઇટ હાઉસે સ્પષ્ટપણે ‘નિરાધાર અને ખોટા’ ગણાવીને ફગાવી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરતા રહ્યા છે કે તેમણે એપ્સટિન સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી અને તેની ધરપકડ થઈ એ પહેલાં જ તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા.
DOJ એ શું કહ્યું?
DOJ એ પણ ચેતવણી આપી છે કે જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અપ્રમાણિત, ખોટી કે ભ્રામક માહિતી હોઈ શકે છે, કારણ કે FBIને જનતા દ્વારા મોકલાયેલી દરેક ટિપ તેમાં સામેલ કરવામાં આવી હતી. DOJ એ કહ્યું હતું કે જો ટ્રમ્પ સામેના આ આરોપ ખરેખર વિશ્વસનીય હોત, તો રાષ્ટ્રપતિપદની ચૂંટણી સમતે આ આરોપ ટ્રમ્પને પાછળ પાડવા માટે મોટું હથિયાર બની ગયા હોત.
આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીથી પાન-મસાલા અને સિગારેટના બંધાણીઓને મોટો ઝટકો! કેટલી વધશે કિંમત?
આ અહેવાલ જેફરી એપ્સટિન કેસ સંબંધિત સાર્વજનિક થયેલા દસ્તાવેજો અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં કરવામાં આવેલા દાવાઓ FBI ને મળેલી ફરિયાદો (Tips) છે અને તે હજુ સુધી કોઈ પણ અદાલતમાં સાબિત થયા નથી. આ સમાચારનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો છે.


