Get The App

1 ફેબ્રુઆરીથી પાન-મસાલા અને સિગારેટના બંધાણીઓને મોટો ઝટકો! કેટલી વધશે કિંમત?

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
1 ફેબ્રુઆરીથી પાન-મસાલા અને સિગારેટના બંધાણીઓને મોટો ઝટકો! કેટલી વધશે કિંમત? 1 - image


AI Image

Tobacco price hike Feb 2026 : જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી ફેબ્રુઆરી મહિનાની શરુઆત થશે. દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફારો (Rule Change From 1st February) સાથે શરુ થવા જઈ રહ્યો છે. જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો(LPG Cylinder Price)થી લઈને ટોલ ટેક્સ પર ફાસ્ટેગ સાથે જોડાયેલા નિયમો (FASTag Rule Change) સામેલ છે. બીજી તરફ સૌથી મોટો આંચકો પાન-મસાલા અને સિગારેટના શોખીનોને લાગવાનો છે. 1 ફેબ્રુઆરી 2026થી આ તમાકુ ઉત્પાદનોની કિંમતો વધી શકે છે (Pan-Masala Cigarette Price Hike), કારણ કે સરકાર તેના પર લાગુ ટેક્સમાં વધારો કરવા જઈ રહી છે.

વર્ષની શરુઆતમાં જ કરી હતી તૈયારી

આ વર્ષની શરુઆતમાં જ સરકાર તરફથી GST વળતર સેસ(Compensation Cess)ના સ્થાને એક નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ સૂચિત કરવામાં આવ્યા હતા. પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર, આ અંતર્ગત દેશમાં 1 ફેબ્રુઆરી 2026થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર વધુ ટેક્સની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરનામા મુજબ, તમાકુ અને પાન મસાલા પરના નવા શુલ્ક હાલના જીએસટી દરો ઉપરાંત લાદવામાં આવે તેવી શક્યતા છે. 

જાન્યુઆરીની શરુઆતમાં નાણા મંત્રાલયે તમાકુ, જર્દા અને ગુટખા પેકિંગ મશીન (ક્ષમતા નિર્ધારણ અને શુલ્ક સંગ્રહ) નિયમો, 2026ને પણ સૂચિત કર્યા હતા. આ નિયમો તમાકુ પ્રોડક્ટ્સના ઉત્પાદકો પાસેથી ઉત્પાદન ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની અને શુલ્ક વસૂલવાની પ્રક્રિયા નિર્ધારિત કરે છે. રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારનું આ પગલું ડિસેમ્બર 2025માં સંસદ દ્વારા બે વિધેયકોને મંજૂરી આપ્યા બાદ આવ્યું છે, જે પાન મસાલા ઉત્પાદન પર નવા 'હેલ્થ એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ' અને તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવાની મંજૂરી આપે છે.

કિંમતો પર દેખાશે ટેક્સની અસર

સરકાર દ્વારા સુધારેલા ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ 1 ફેબ્રુઆરીથી સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવાથી લાંબી, પ્રીમિયમ સિગારેટ પર સૌથી વધુ વધારો જોવા મળશે. આ ફેરફાર હેઠળ સિગારેટની લંબાઈના આધારે પ્રતિ 1,000 સ્ટિક પર 2,050 રૂપિયાથી લઈને 8,500 રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવશે, જે ફેબ્રુઆરીની પહેલી તારીખથી અમલી બનશે. આ શુલ્ક 40% જીએસટીથી અલગ હશે.

ટેક્સના મારને કારણે આ તમાકુ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓના પ્રોફિટ માર્જિન પર અસર પડશે અને આવી સ્થિતિમાં કંપનીઓ તેની ભરપાઈ કરવા માટે ગ્રાહકો પર બોજ વધારી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો સિગારેટ, પાન-મસાલા, ગુટખા મોંઘા થઈ જશે અને તમાકુના શોખીનોના ખિસ્સા પર વધુ ભાર પડશે. 

Crisil એ આ અંગે શું કહ્યું?

ક્રિસિલના એક રિપોર્ટ અનુસાર સિગારેટ ઉદ્યોગને શુલ્કમાં વધારાને કારણે વેચાણમાં ઘટાડાની શક્યતા છે. હાલમાં સિગારેટ પર 28 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ની સાથે સાથે વિવિધ પ્રકારના સેસ પણ લાગે છે, પરંતુ 1 ફેબ્રુઆરીથી આ સેસ હટાવી દેવામાં આવશે અને સિગારેટની લંબાઈના આધારે વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગુ થશે. ક્રિસિલ દ્વારા આ ટેક્સ વધારાથી (Tax Hike) સ્થાનિક સિગારેટ ઉદ્યોગમાં આગામી નાણાકીય વર્ષમાં 6-8 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.