Explainer: ચીનના સમર્થન છતાં બ્રિક્સમાં પાકિસ્તાનની અરજી કેમ મંજૂર ન થઈ?, કેવી રીતે મળે છે સભ્યપદ અને શું છે ભારતની કૂટનીતિક તાકાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BRICS Membership Rules: ભારતના યજમાનપદે 2026નું બ્રિક્સ શિખર સંમેલન નવી દિલ્હી ખાતે યોજાયું છે. રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને ઈરાન સહિત જૂથમાં સામેલ તમામ મહત્વના દેશોના નેતાઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. બ્રિક્સને હંમેશાથી વિકાસશીલ દેશોનું એક મજબૂત સંગઠન માનવામાં આવે છે. આ જ કારણ છે કે, બ્રિક્સની મુખ્ય બેઠક બાદ તેના કાયમી સભ્યો પાર્ટનર (ભાગીદાર) દેશો સાથે પણ મુલાકાત કરશે. જોકે, બ્રિક્સમાં અત્યાર સુધી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશોની એન્ટ્રી થઈ શકી નથી. ખાસ કરીને પાકિસ્તાને અરજી કરી હોવા છતાં આજે પણ તેને આ સંગઠનમાં સ્થાન મળ્યું નથી.
આવામાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે બ્રિક્સમાં હાલ કેટલા સભ્યો છે? કેટલા દેશોએ અરજી કરી છે? અને પાકિસ્તાનની અરજી છતાં તેને શા માટે પ્રવેશ મળ્યો નથી? ભારત પાસે એવી કઈ કૂટનીતિક તાકાત છે કે જેના કારણે પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક ચીન પણ બ્રિક્સમાં તેની જોરદાર પેરવી કરી શકતો નથી? ચાલો વિગતે સમજીએ…
હાલમાં BRICS ના સભ્યો અને અરજી કરનારા દેશો
સભ્યોની સંખ્યા: મૂળ સભ્યો ઉપરાંત તાજેતરમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઈન્ડોનેશિયા આ જૂથમાં સામેલ થયા છે.
અરજી કરનારા દેશો: બ્રિક્સના પૂર્ણ સભ્યપદ માટે અત્યાર સુધીમાં 30 થી વધુ દેશોએ ઔપચારિક અરજી કરી છે અથવા જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તુર્કી, અઝરબૈજાન અને પાકિસ્તાન જેવા દેશો સભ્યપદ મેળવવાની રેસમાં છે.

BRICS માં જોડાવાની પ્રક્રિયા અને નિયમો
બ્રિક્સમાં નવા દેશોને સામેલ કરવાની પ્રક્રિયા પૂર્ણપણે સર્વસંમતિ અને પહેલાથી નક્કી કરેલા માર્ગદર્શક સિદ્ધાંતો પર આધારિત છે:
સર્વસંમતિનો નિયમ (Unanimity Rule): બ્રિક્સનો કોઈપણ નિર્ણય બહુમતીને બદલે તમામ વર્તમાન સભ્યોની સર્વસંમતિથી લેવાય છે. જો એક પણ કાયમી સભ્ય દેશ વિરોધ કરે અથવા અસંમતિ દર્શાવે, તો તે દેશ સંગઠનમાં સામેલ થઈ શકતો નથી.
ઔપચારિક અરજી અને વિચારણા: ઈચ્છુક દેશે બ્રિક્સનું અધ્યક્ષપદ ધરાવતા દેશ અને સંગઠન સમક્ષ ઔપચારિક અરજી કરવાની હોય છે. ત્યારબાદ પરરાષ્ટ્રીય મંત્રીઓ અને શિખર સંમેલનોમાં તેના પર ચર્ચા થાય છે.

માર્ગદર્શક માપદંડો (2023 જોહાનિસબર્ગ સંમેલન)
અરજી કરનાર દેશના તમામ વર્તમાન બ્રિક્સ સભ્ય દેશો સાથે હકારાત્મક કૂટનીતિક સંબંધો હોવા અનિવાર્ય છે.
બહુપક્ષીયતા (Multilateralism) અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવી જરૂરી છે.
ગ્લોબલ સાઉથના વિકાસ અને બહુભ્રુવીય વ્યવસ્થાના સિદ્ધાંતોનું સમર્થન કરવું જરૂરી છે.
સત્તાવાર આમંત્રણ: સર્વસંમતિથી મંજૂરી મળ્યા બાદ જ નવા દેશને પૂર્ણ સભ્ય તરીકે જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવે છે.
પાર્ટનર કન્ટ્રી (ભાગીદાર દેશ) નો નવો ખ્યાલ: 2024ના કઝાન સંમેલનમાં 'બ્રિક્સ પાર્ટનર કન્ટ્રી' શ્રેણી શરૂ કરવામાં આવી, જેથી પૂર્ણ સભ્યપદ ન મેળવનારા દેશો પણ તેની પહેલો અને વેપારી વ્યવસ્થા સાથે જોડાઈ શકે.

પાકિસ્તાન અને તુર્કીની એન્ટ્રી કેમ અટકી છે?
વીટો સત્તા અને ભારતનો પ્રભાવ: બ્રિક્સના સ્થાપક દેશો (જેમાં ભારત સામેલ છે) પાસે એક પ્રકારે વીટો શક્તિ છે. નવા સભ્યો ઉમેરવા માટે ભારત સહિત તમામ સ્થાપક દેશોની સંમતિ જરૂરી છે.
ખરાબ કૂટનીતિક સંબંધો: બ્રિક્સના નિયમ મુજબ અરજી કરનાર દેશના તમામ સભ્યો સાથે સારા સંબંધો હોવા જોઈએ. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરાયેલું છે, અને ભારત સાથે તેના સંબંધો વણસેલા છે.
ચીનનું સમર્થન પણ અસહાય: પાકિસ્તાનને જાહેર રીતે ચીનનું સમર્થન છે અને તેણે રશિયા સાથે પણ સંબંધો સુધાર્યા છે. પરંતુ બ્રિક્સમાં ભારતના તમામ દેશો સાથે ખૂબ ઊંડા અને મજબૂત સંબંધો છે, જે પાકિસ્તાનના દાવ પર ભારે પડે છે.
બ્રિક્સમાં જોડાવા માટે પાકિસ્તાન કેમ આટલું ઉત્સુક છે?
આર્થિક લાભ અને નાણાકીય વિકલ્પો: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન IMF અને વર્લ્ડ બેંક પરની નિર્ભરતા ઘટાડીને બ્રિક્સની નાણાકીય પ્રણાલી (જેમ કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક) નો લાભ લેવા માંગે છે.
વૈશ્વિક વેપાર અને સંસાધનો: બ્રિક્સ દેશો વિશ્વની 40% થી વધુ વસ્તી અને વૈશ્વિક GDP માં 40% હિસ્સો ધરાવે છે. આ જૂથમાં જોડાવાથી પાકિસ્તાનને તેલ, અનાજ, રોકાણ અને નવી ચૂકવણી પ્રણાલીઓનો લાભ મળી શકે છે.
ગ્લોબલ સાઉથમાં મંચની તલાશ: બ્રિક્સ વૈશ્વિક રાજકારણમાં ગ્લોબલ સાઉથનું એક મજબૂત મંચ છે, જ્યાં જોડાઈને પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવા માંગે છે.




