Explainer: યુક્રેન એડલ્ટ કન્ટેન્ટમાંથી નફો કરીને યુદ્ધ માટે 30,000 ડ્રોન ખરીદશે, 25 મિલિયન ડૉલર મળવાનો અંદાજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ukraine considers legalizing adult content industry: રશિયા સામે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલા યુક્રેનને શસ્ત્રો અને પૈસાની મોટી જરૂર છે. યુદ્ધ માટે પૈસા એકત્ર કરવા યુક્રેન એક અનોખો રસ્તો અપનાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના વિશે જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય. યુક્રેનમાં એડલ્ટ કન્ટેન્ટ (પુખ્ત મનોરંજન) બનાવવું અને જોવું કાયદેસર ગુનો બને છે, પણ હવે ત્યાંની સરકાર સામે એડલ્ટ કન્ટેન્ટને કાયદેસર બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે, જેથી આ ઉદ્યોગ પર ટેક્સ લઈ શકાય અને એ ટેક્સમાંથી મળનારા પૈસાનો ઉપયોગ રશિયા સામે યુદ્ધ લડવા માટે કરી શકાય. ચાલો જાણીએ કે આ સમગ્ર મામલે યુક્રેનમાં કેવો ખળભળાટ મચ્યો છે.
$25 મિલિયનની આવકથી 30,000 ડ્રોન ખરીદવાની ગણતરી
'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, યુક્રેનની સંસદની નાણાકીય સમિતિના અધ્યક્ષ અને સાંસદ યારોસ્લાવ ઝેલેઝનિયાકે આ માટે એક બિલ રજૂ કર્યું છે. તેમનો અંદાજ છે કે એડલ્ટ ઇન્ડસ્ટ્રીને કાયદેસર બનાવવાથી સરકારને દર વર્ષે લગભગ $25 મિલિયન ટેક્સ મળી શકે છે. આટલા પૈસાથી યુક્રેનની સેના માટે લગભગ 30,000 ડ્રોન ખરીદી શકાય છે. રશિયા સામેના યુદ્ધમાં ડ્રોનનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.
અત્યારે શું છે કાયદો?
હાલ યુક્રેનમાં એડલ્ટ કન્ટેન્ટ બનાવવું, પોતાની પાસે રાખવું અથવા બીજાને આપવું ગેરકાયદેસર છે. તેના માટે 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, કડક કાયદો હોવા છતાં આ પ્રકારનું કામ ચાલુ છે. કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારીઓ આવા ક્રિએટર્સ પાસેથી લાંચ લેતા હોવાના આરોપ પણ લાગ્યા છે.
ટેક્સ વસૂલીએ સમસ્યા ગૂંચવી
સમસ્યા ત્યારે વધુ ગંભીર બની જ્યારે ટેક્સ વિભાગે આ પ્રકારનું કન્ટેન્ટ બનાવનારા લોકો પાસેથી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું. અહીં એક વિચિત્ર સ્થિતિ ઊભી થઈ. જો કોઈ એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર પોતાની કમાણી સરકારને જણાવે અને તેના પર પ્રામાણિકતાથી ટેક્સ પણ ભરે, તો પણ તે વ્યક્તિ સામે એડલ્ટ કન્ટેન્ટ બનાવવાના કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે ટેક્સ ભરો તો પણ મુશ્કેલી અને ટેક્સ ન ભરો તો પણ મુશ્કેલી.
OnlyFansથી કરોડો રૂપિયાની કમાણી
OnlyFans જેવા પ્લેટફોર્મ પર ઘણા યુક્રેનિયન લોકો પુખ્ત કન્ટેન્ટ બનાવીને કમાણી કરે છે. આંકડા મુજબ, એકલા વર્ષ 2023માં જ 7,900 યુક્રેનિયન લોકોએ OnlyFans પરથી $131 મિલિયનથી વધુ કમાણી કરી હતી. પહેલાં સરકાર આ કમાણી તરફ વધારે ધ્યાન આપતી નહોતી. પરંતુ હવે યુદ્ધ માટે પૈસાની જરૂર હોવાથી સરકાર આ આવકમાંથી ટેક્સ મેળવવા માગે છે. જોકે, ટેક્સ વસૂલી દરમિયાન પોલીસ દ્વારા લાંચ માગવાના આરોપો પણ સામે આવ્યા છે. અધિકારીઓએ કન્ટેન્ટ બનાવનારા લોકો પાસેથી $20,000 સુધીની લાંચ માગી હોવાના આરોપ લાગ્યા છે.
મહિલાના ઘરે દરોડો પાડીને પોલીસે લાંચ માંગી
OnlyFans કન્ટેન્ટ ક્રિએટર સ્વિતલાના ડ્વોર્નિકોવા એક સવારે પોતાની દીકરીને સ્કૂલે મોકલવાની તૈયારી કરી રહી હતી ત્યારે પોલીસ તેના ઘરે પહોંચી અને દરોડો પાડ્યો. પોલીસે તેના ઘરેથી $20,000 રોકડા, લેપટોપ અને હાર્ડ ડ્રાઇવ જપ્ત કર્યા હતા. પોલીસે સ્વિતલાનાને કહ્યું કે કેસ રફેદફે કરવો હોય તો અમે કહીએ એટલા નાણાં આપ. સ્વિતલાનાએ લાંચ આપવાનો ઇન્કાર કર્યો. એટલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. સ્વિતલાના સાથે જે બન્યું એવા બીજા કિસ્સા પણ સામે આવ્યા છે. પોલીસ કાર્યવાહીને કારણે કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સે યુક્રેન છોડીને બીજા યુરોપિયન દેશોમાં જવા લાગ્યા છે.
પ્રમુખ ઝેલેન્સ્કીને અરજી કરી
આ મામલે સ્વિતલાના ડ્વોર્નિકોવાએ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીની વેબસાઇટ પર અરજી કરી હતી, જેમાં તેણે પોતાને 'ઇમાનદાર કરદાતા' ગણાવીને કહ્યું હતું કે તેણે સરકારને અત્યાર સુધીમાં લગભગ $900,000 ટેક્સ ચૂકવ્યો છે. તેનું કહેવું હતું કે જ્યારે તે સરકારને આટલો મોટો ટેક્સ ચૂકવી રહી છે, ત્યારે તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર ન થવો જોઈએ.
કાયદો બદલાવાની શક્યતા
સ્વિતલાનાની અરજી વિશે યુક્રેનના લોકોને જાણ થતાં હજારો લોકો સ્વિતલાનાના સમર્થનમાં આગળ આવ્યા છે. માત્ર એક જ અઠવાડિયામાં 25,000થી વધુ લોકોએ તેના પર સહી કરી હતી. લોકજુવાળ જોઈને સરકારને સમજાયું કે એડલ્ટ કન્ટેન્ટ પર પ્રતિબંધ જાળવી રાખીશું તો પણ લોકો કોઈ ને કોઈ રીતે એ બનાવવાના જ છે. તો પછી એને કાયદેસર કરીને એના પર ટેક્સ લેવામાં શું વાંધો છે? તેથી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે સંસદ એડલ્ટ કન્ટેન્ટને કાયદેસર બનાવવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરશે. સાંસદ યારોસ્લાવ ઝેલેઝનિયાકનું બિલ જુલાઈમાં યુક્રેનની સંસદમાં પ્રથમ તબક્કામાં પસાર થઈ ચૂક્યું છે. હજુ આ બિલને કાયદો બનવા માટે અંતિમ મંજૂરી મળવાની બાકી છે. જો આ કાયદો પસાર થશે તો યુક્રેનને આ ઉદ્યોગમાંથી ટેક્સની તગડી આવક મળશે. પોલીસ દ્વારા હાલના કાયદાને કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ સામે થતી કાર્યવાહીનો અંત પણ આવશે.




