World

Explainer: ઈરાનના ઘાતક મિસાઈલ પ્રોગ્રામ પાછળ રશિયાનો દોરીસંચાર, જાણો શું છે પ્રોજેક્ટ C430L

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
રશિયા ગુપ્ત રીતે ઈરાનને અદ્યતન સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે, જે પશ્ચિમ એશિયામાં અમેરિકન યુદ્ધ જહાજોને નિશાન બનાવશે. આ ગુપ્ત પ્રોજેક્ટ 'C430L' હેઠળ, રશિયા ઈરાનને રેમજેટ એન્જિન ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. રશિયન એન્જિનિયરો ઈરાનમાં ફ્લાઇટ-ટેસ્ટિંગ ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે અને ટેકનિકલ માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઘાતક મિસાઈલો અમેરિકન નૌકાદળ માટે ગંભીર ખતરો ઊભો કરશે, જેનાથી ગલ્ફ ક્ષેત્રમાં તણાવ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ઈરાનના ઘાતક મિસાઈલ પ્રોગ્રામ પાછળ રશિયાનો દોરીસંચાર, જાણો શું છે પ્રોજેક્ટ C430L

Russia's Secret Missile Project for Iran : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, અને તે એ કે રશિયા ગુપ્ત રીતે ઈરાનને અત્યાધુનિક સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે. આ મિસાઈલોનો મુખ્ય હેતુ પશ્ચિમ એશિયામાં તૈનાત અમેરિકન યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ કેરિયર્સને નિશાન બનાવવાનો છે.

ગુપ્ત મિસાઈલ પ્રોગ્રામ 'C430L' ની શરૂઆત

વર્ષ 2023 માં શરૂ થયેલા આ ગુપ્ત લશ્કરી પ્રોજેક્ટને C430L કોડનેમ અપાયું છે. આ પ્રોગ્રામ રશિયાની સરકારી શસ્ત્ર નિકાસકાર કંપની રોસોબોરોનેક્સપોર્ટ દ્વારા સંચાલિત છે, જેણે અમેરિકા દ્વારા પ્રતિબંધિત રશિયન રોકેટ કંપની NPO માશિનોસ્ટ્રોયેનિયા સાથે મળીને કામ કર્યું છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે યુદ્ધ જેવી સ્થિતિ અને હુમલાઓ શરૂ થયા પછી પણ આ ગુપ્ત કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો હતો.

ઘાતક 'રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ' નો વિકાસ

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને 'રેમજેટ એન્જિન ટેક્નોલોજી' વિકસાવવામાં મદદ કરવાનો છે. પરંપરાગત જેટ એન્જિન હવાનું દબાણ વધારવા માટે મિકેનિકલ કોમ્પ્રેસરનો ઉપયોગ કરે છે, જ્યારે રેમજેટ એન્જિન મિસાઈલની આગળ વધવાની ગતિનો જ ઉપયોગ કરીને હવાને સંકુચિત કરે છે. તે વાતાવરણમાંથી સીધો ઓક્સિજન લેતું હોવાથી મિસાઈલમાં વધુ ઈંધણ અથવા મોટો બોમ્બ (વોરહેડ) ગોઠવી શકાય છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ અવાજની ગતિ કરતા અનેક ગણી વધુ ઝડપે અને સમુદ્ર કે જમીનની સપાટીથી અત્યંત નીચી ઊંચાઈએ ઉડતી હોવાથી રડાર કે એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને શોધવી કે તોડી પાડવી લગભગ અશક્ય બની જાય છે.

માત્ર ડિઝાઇન નહિ, સંપૂર્ણ ટેકનિકલ સહયોગ

રશિયા અને ઈરાન વચ્ચેની આ ડીલ માત્ર ડિઝાઇન આપવા પૂરતી સીમિત નથી. દસ્તાવેજો દર્શાવે છે કે રશિયન એન્જિનિયરો અને અધિકારીઓએ ઈરાનની અનેકવાર મુલાકાત લીધી છે. વર્ષ 2025 સુધીમાં, રશિયન નિષ્ણાતોએ ઈરાનના ફ્લાઇટ-ટેસ્ટિંગ ડેટાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું હતું. તેમણે ઈરાની નિષ્ણાતોને સિસ્ટમની કામગીરી, ઈંધણ સિસ્ટમમાં ફેરફાર, દહન પ્રક્રિયાની સ્થિરતા, હવાની એન્ટ્રી અને એન્જિન નોઝલ જેવી ટેકનિકલ બાબતો પર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

અમેરિકન નૌકાદળ માટે ગંભીર જોખમ?

નિષ્ણાતોના મતે, આ ટેક્નોલોજી ખાસ કરીને એન્ટી-શિપ અને લેન્ડ-એટેક ક્રુઝ મિસાઇલો માટે બનાવવામાં આવી છે. આ એક અત્યંત વ્યૂહાત્મક અને સંવેદનશીલ ટેક્નોલોજી છે જે ઈરાન દાયકાઓથી મેળવવા માંગતું હતું. CIA ના ભૂતપૂર્વ વિશ્લેષકે પણ ચેતવણી આપી છે કે આ નવી શસ્ત્ર પ્રણાલી યુએસ નેવીના જહાજો માટે ગંભીર ખતરો સાબિત થશે. હાલમાં ઈરાને આ રેમજેટ સિસ્ટમનું ફ્લાઇટ-ટેસ્ટિંગ કર્યું છે, જોકે હજુ સુધી તેને સૈન્યમાં તૈનાત કર્યાના કોઈ પુરાવા નથી.

બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે રશિયા-ઈરાનની નિકટતા

આ સહયોગ દર્શાવે છે કે ચીન, ઉત્તર કોરિયા, રશિયા અને ઈરાનનો પશ્ચિમ વિરોધી બ્લોક 'ક્રિંક' (CRINK - China, Russia, Iran, North Korea) વધુ મજબૂત બની રહ્યો છે. યુક્રેન યુદ્ધમાં ઈરાને રશિયાને 'શાહેદ' એટેક ડ્રોન આપ્યા હતા અને તેના ઉત્પાદન માટે સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરી હતી. તેના બદલામાં હવે રશિયા ઈરાનને મિસાઈલ ટેક્નોલોજી, ડ્રોન સપોર્ટ અને સેટેલાઇટ છબીઓ પૂરી પાડી રહ્યું છે. યુક્રેન યુદ્ધ છતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પ્રત્યે ભલે મૈત્રીપૂર્ણ વલણ દાખવ્યું હોય, પરંતુ રશિયાએ અમેરિકા સામે સંઘર્ષ કરી રહેલા પોતાના સાથી ઈરાનને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે. જો ઈરાન આ મિસાઈલ ક્ષમતા સંપૂર્ણપણે મેળવી લેશે, તો ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકા અને તેના સાથી દેશો માટે સુરક્ષાનો મોટો પડકાર ઊભો થશે.