Explainer: ફિજીમાં 'નેશનલ હેલ્થ ઈમરજન્સી' જાહેર, HIV અને ડ્રગ્સનો ભયાનક કોપથી બાળકોના જીવ પણ જોખમમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fiji HIV Outbreak: Drugs & Contaminated Syringes Endanger Young Lives : અફાટ કુદરતી સૌંદર્ય ધરાવતો ટાપુ દેશ ફિજી આજે એક ભયાનક અને અભૂતપૂર્વ સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો છે. દેશના બાળકો અને યુવાનો ડ્રગ્સના દૂષણમાં ફસાતાં HIV જેવા જીવલેણ રોગનો ભોગ બની રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રોગચાળાને કાબૂમાં લેવા સરકારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી (National Health Emergency) જાહેર કરવી પડી છે.
આંકડા આપાઈ રહ્યા છે ભયાનક ચેતવણી
લગભગ 930,000ની વસ્તી ધરાવતા ફિજીમાં હાલ 9,100થી વધુ લોકો HIV સંક્રમિત છે. આંકડા દર્શાવે છે કે દર 60 પુખ્ત વયના લોકોમાંથી 1 વ્યક્તિ વાયરસથી પીડિત છે. માત્ર વર્ષ 2025માં જ 2,016 નવા કેસ નોંધાયા છે, જે એક વર્ષમાં 27% અને 2010ની સરખામણીએ 12 ગણો આઘાતજનક વધારો દર્શાવે છે.
મેથામ્ફેટામાઇન અને દૂષિત સિરીંજનો સહિયારો ઉપયોગ
આ મહામારી પાછળનું મુખ્ય કારણ 'મેથામ્ફેટામાઇન' નામના કેમિકલ ડ્રગ્સનું વધતું ચલણ છે. કોવિડ દરમિયાન સરહદો બંધ થતાં વિદેશ જતો આ જથ્થો સ્થાનિક બજારમાં ઘૂસી ગયો. વર્ષ 2025ના 42%થી વધુ નવા કેસ આ ડ્રગ્સ લેવા માટે વપરાતી દૂષિત સોય (સિરીંજ) શેર કરવાને કારણે સામે આવ્યા છે.
આઘાતજનક વાત એ છે કે, અહીંની પ્રાઇમરી સ્કૂલોના બાળકો પણ નશો કરવા એકબીજાએ વાપરેલી સોયનો ઉપયોગ કરી રહ્યા છે. 'ડ્રગ ફ્રી વર્લ્ડ ફિજી'ના સ્થાપક કાલેસી વોલાટાબુએ એક કિસ્સો ટાંકતા જણાવ્યું હતું કે, 15 વર્ષની એક સગીરા ડ્રગ્સની એટલી હદે ગુલામ બની ગઈ હતી કે, તેણે પોતાના હાથની ત્રણ નસોના નામ 'બ્રેકફાસ્ટ', 'લંચ' અને 'ડિનર' રાખ્યા હતા!
કાયદાકીય અડચણ અને સામાજિક બહિષ્કારનો ડર
હાલ ફિજીના કાયદા મુજબ કોઈને નવી કે સાફ સિરીંજ આપવી એ ડ્રગ્સને પ્રોત્સાહન આપવા સમાન ગુનો ગણાય છે. જોકે UNAidsના મતે સાફ સોય આપવાથી ડ્રગ્સ નથી વધતું, પરંતુ ચેપ ચોક્કસ અટકે છે. બીજી તરફ, સામાજિક ડર અને ભેદભાવના કારણે માત્ર 39% દર્દીઓ જ પોતાના સંક્રમણ વિશે જાણે છે.
સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયના પગલાં
આ સ્થિતિ પર કાબૂ મેળવવા સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. જેમ કે…
1… આર્થિક ભંડોળ: કટોકટી નિવારણ માટે વાર્ષિક 23 મિલિયન FJD (10.2 મિલિયન USD) ફાળવાયા છે.
2… કાયદામાં સુધારો: HIV એક્ટમાં ફેરફાર કરીને સફાઈયુક્ત સોય વહેંચવાની કાનૂની મંજૂરી આપવાની તૈયારી.
3… નિઃશુલ્ક સારવાર: દર 100 સગર્ભામાંથી 2 મહિલા HIV પોઝિટિવ હોવાથી, ગર્ભવતીઓ માટે પ્રી-એક્સપોઝર પ્રોફિલેક્સીસ (PreP) અને સગર્ભાવસ્થા દરમિયાન 3 વખત મફત તપાસની સુવિધા અપાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાએ મદદ જાહેર કરી
આ સંકટ પાપુઆ ન્યુ ગિની અને સોલોમન ટાપુઓ સુધી ફેલાઈ રહ્યું હોવાથી ઓસ્ટ્રેલિયાએ 48 મિલિયન ડૉલર અને ન્યુઝીલેન્ડે 4.2 મિલિયન ડૉલરની મદદ જાહેર કરી છે. આરોગ્ય વિભાગ 100 નવા કર્મચારીઓની ભરતી કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે ફિજીમાં આ સ્થિતિ સામાન્ય થતાં 5 થી 10 વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ સમયસરના કડક પગલાંથી હજારો નિર્દોષ જિંદગીઓ બચાવી શકાશે.




