Explainer: દર કલાકે 367 કરોડની કમાણી હોવા છતાં માઇક્રોસોફ્ટમાં કરાઈ રહી છે છટણી, જાણો શું છે કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The real reason behind Microsoft job cuts: કોઈ કંપની દર કલાકે કરોડો રૂપિયાનો નફો કરતી હોય, ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ત્યાં કામ કરતા કર્મચારીઓનું ભવિષ્ય એકદમ સુરક્ષિત છે. પરંતુ ટેક્નોલોજીની દુનિયામાં ક્યારેય કંઈ પણ કાયમી હોતું નથી. વિશ્વની ચોથી સૌથી મોટી ટેક કંપની માઇક્રોસોફ્ટ, જે દર કલાકે 367 કરોડ રૂપિયાની કમાણી કરે છે, તેણે ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ આંચકો દર્શાવે છે કે બદલાતા સમય સાથે ટકી રહેવા માટે મોટી કંપનીઓ પણ કડક નિર્ણયો લેતા અચકાતી નથી.
4,800 કર્મચારીઓને માથે લટકી રહી છે છટણીની તલવાર!
માઇક્રોસોફ્ટે તાજેતરમાં 4,800 કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયાને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવી રહી છે, જે અંતર્ગત સોમવારે જ 1,600 લોકોને તાત્કાલિક અસરથી કાઢી મૂકાયા છે. જ્યારે બાકીના 3,200 કર્મચારીઓની આગામી 1 વર્ષ દરમિયાન છટણી કરાશે.
Xbox અને ગેમિંગ વિભાગમાં કાપ મૂકવાનું કારણ
આ છટણીની સૌથી વધુ અસર માઇક્રોસોફ્ટના ગેમિંગ પ્લેટફોર્મ 'Xbox' પર પડી છે. આ છટણી પામનારા 4,800 લોકોમાંથી 3,200 કર્મચારીઓ Xbox વિભાગના છે. કંપનીએ વર્ષ 2018 થી ઘણા મોટા વીડિયો ગેમ સ્ટુડિયો ખરીદવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું હતું, જેથી ગ્રાહકોને સોની (Sony PlayStation) અને નિન્ટેન્ડો (Nintendo) જેવા હરીફોથી દૂર આકર્ષી શકાય. પરંતુ આ વ્યૂહરચના નિષ્ફળ રહી.
આ અંગે વિગત આપતા Xboxના CEO આશા શર્માએ જણાવ્યું કે, બજારમાં હવે માત્ર મોટી ગેમિંગ કંપનીઓ જ નહીં પરંતુ નાના અને સ્વતંત્ર સ્ટુડિયો પણ આકરી સ્પર્ધા આપી રહ્યા છે, અને દરેક સ્ટુડિયોને ખરીદવો શક્ય નથી. આથી હવે Xbox ને 'રિસેટ' કરાઈ રહ્યું છે. ભવિષ્યમાં વધુ ધ્યાન, શિસ્ત અને સ્પષ્ટતા સાથે જ આ વિભાગમાં રોકાણ કરાશે. આ ફેરફારના ભાગરૂપે માઇક્રોસોફ્ટ તેના 4 ગેમિંગ સ્ટુડિયોને પણ અલગ કરી રહ્યું છે, જેમાં 'કમ્પલસન ગેમ્સ' અને 'ડબલ ફાઈન પ્રોડક્શન્સ' હવે સ્વતંત્ર સ્ટુડિયો તરીકે કામ કરશે, જ્યારે કે ‘નિન્જા થિયરી’ અને ‘અનડેડ લેબ્સ’ નવા સંચાલન હેઠળ કાર્ય કરશે.
છટણી પાછળનું અસલી કારણ: AIનો દબદબો
માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ પીપલ ઓફિસર એમી કોલમેને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને ટેક્નોલોજી જે ગતિએ વિકસી રહી છે તે અભૂતપૂર્વ છે. ભલે AI સીધી રીતે નોકરીઓ છીનવી રહ્યું નથી, પરંતુ તે કામ કરવાની પદ્ધતિને ચોક્કસપણે બદલી રહ્યું છે.
હાલમાં ટેક માર્કેટમાં ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) જેવી કંપનીઓ બિઝનેસ માટે અદ્યતન AI ટૂલ્સ લાવી રહી છે. આ હરીફાઈમાં મોખરે રહેવા માટે માઇક્રોસોફ્ટ પર ભારે દબાણ છે. તેથી કંપની પોતાના બિન-નફાકારક વિભાગોમાંથી નાણાં બચાવીને તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેક્નોલોજીમાં વાપરી રહી છે. માઇક્રોસોફ્ટે વર્ષ 2026 સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ પર 190 બિલિયન ડોલર ખર્ચવાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે.
કંપનીનો ઇતિહાસ અને કદ ઘટાડવાની લાંબી પ્રક્રિયા
આ પહેલીવાર નથી જ્યારે માઇક્રોસોફ્ટે કર્મચારીઓ ઘટાડ્યા હોય. કંપની છેલ્લા કેટલાક વર્ષોથી સતત પોતાનું કદ નાનું કરી રહી છે.
- મે 2025: કુલ કર્મચારીઓના 3% લોકોની છટણી કરવામાં આવી હતી.
- જુલાઈ 2025: આશરે 9,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.
- એપ્રિલ 2026: કંપનીએ તેના યુએસ (US) ના 7% કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) નો વિકલ્પ પણ આપ્યો હતો.
આટલી મોટી કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે?
આશ્ચર્યની વાત એ છે કે આટલી છટણી છતાં કંપની આર્થિક રીતે અત્યંત મજબૂત છે. માર્કેટ કેપની દૃષ્ટિએ માઇક્રોસોફ્ટ 2.9 ટ્રિલિયન ડોલર (આશરે ₹277 લાખ કરોડ) ની નેટવર્થ સાથે વિશ્વની ટોચની બે સૌથી મોટી કંપનીમાંની (એપલ અને માઈક્રોસોફ્ટ) એક છે. નાણાકીય અહેવાલ મુજબ, આ વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 82.9 બિલિયન ડોલર (આશરે ₹7.92 લાખ કરોડ) રહી હતી, જે ગયા વર્ષની તુલનામાં 18%નો ઉછાળો દર્શાવે છે. આ ગણતરી મુજબ કંપની દરરોજ ₹8,800 કરોડ અને દર કલાકે ₹367 કરોડથી વધુની આવક રળે છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નાણાકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, માઇક્રોસોફ્ટની આ વ્યૂહરચના ખૂબ જ ગણતરીપૂર્વકની છે. કંપની કર્મચારીઓની સંખ્યા મર્યાદિત રાખીને પોતાના ખર્ચ પર કાપ મૂકી રહી છે અને તે બચેલા નાણાં પ્રોફિટેબલ AI પ્રોજેક્ટ્સમાં લગાવી રહી છે. આનાથી કંપનીની આવકમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.
માત્ર નફો કમાવો પૂરતું નથી
માઇક્રોસોફ્ટનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે આજના ડિજિટલ યુગમાં માત્ર નફો કમાવો પૂરતું નથી, પરંતુ ભવિષ્યની ટેક્નોલોજી (જેમ કે AI) માં અગ્રેસર રહેવું વધુ જરૂરી છે. કંપની તેના પરંપરાગત બિઝનેસ(જેમ કે Xbox)માંથી પીછેહઠ કરીને ભવિષ્યના રોકાણ માટે ફંડ એકત્ર કરી રહી છે, ભલે એ માટે કર્મચારીઓનું બલિદાન આપવું પડે.
કર્મચારીઓને રઝળતા નહીં કરી દેવાય
સામાન્ય રીતે માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ જ્યારે છટણી કરે છે ત્યારે કર્મચારીઓને 2 થી 6 મહિનાનો પગાર, હેલ્થ ઇન્સ્યોરન્સ અને નવી નોકરી શોધવામાં મદદ આપતી હોય છે. માઇક્રોસોફ્ટમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. આ છટણીની અસર ભારતમાં રહેલા હૈદરાબાદ અને બેંગલુરુ જેવા સેન્ટર્સ પર પડી શકે છે.









