Epstein and Prince Andrew’s connection: જેફરી એપસ્ટિન સંબંધિત સેક્સ ટ્રાફિકિંગ કૌભાંડમાં 30 લાખથી વધુ ફાઈલોમાં રોજેરોજ સનસનીખેજ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ફાઈલોમાં બ્રિટનના ‘પ્રિન્સ એન્ડ્રુ’ અને એપસ્ટિન વચ્ચેના ગાઢ સંબંધ અને બાળકીઓના શોષણની અનેક વિગતો બહાર આવી છે, જેના કારણે બ્રિટનમાં તેમના સામે ઊંડી તપાસની માંગ ઉગ્ર બની રહી છે. આરોપ છે કે, એપસ્ટિન દ્વારા સંચાલિત ખાનગી વિમાન ‘લોલિતા એક્સપ્રેસ’માં વિશ્વના વિવિધ દેશોમાંથી યુવતીઓને યુકે લઈ જવાતી અને એન્ડ્રુ માટે સીધી રાજવી મહેલ ‘બકિંગહામ પેલેસ’માં મોકલી દેવાતી. આવી ઘટના બે-ચાર વાર નહીં પરંતુ અનેકવાર બની હતી કારણ કે, ‘લોલિતા એક્સપ્રેસ’એ યુકેમાં 90થી વધુ વાર લેન્ડિંગ કર્યું હતું.
‘લોલિતા એક્સપ્રેસ’ યુકેમાં 90 વખત લેન્ડ થઈ હતી!
એપસ્ટિનના ખાનગી બોઇંગ 727-100 વિમાનને ‘લોલિતા એક્સપ્રેસ’ તરીકે ઓળખાતું. તેનો ઉપયોગ ગેરકાયદે પાર્ટીઓ અને મહિલાઓની તસ્કરી માટે થતો હોવાના આરોપ છે. તાજેતરના ફ્લાઇટ રેકોર્ડ્સ મુજબ આ વિમાન યુકેમાં લગભગ 90 વખત લેન્ડ થયું હતું. વર્ષ 2008માં એપસ્ટિન બાળકોના જાતીય શોષણને લગતા ગુનામાં દોષિત જાહેર થઈ ચૂક્યો હતો. ત્યાર પછી પણ આ ફ્લાઇટ્સના યુકેના પ્રવાસ ચાલુ હતા, જેના કારણે પણ અનેક પ્રશ્નો સર્જાયા છે. વિમાન મુખ્યત્વે ‘સ્ટેન્સ્ટેડ’ એરપોર્ટ પર ઉતરતું અને પછી ત્યાંથી છોકરીઓને બીજા વિમાનમાં બેસાડીને નક્કી કરેલા સ્થળે મોકલાતી.
આ પણ વાંચો: નકલી લગ્ન અને સ્ટુડન્ટ વિઝાના બહાને મહિલાઓને પોતાની જાળમાં કેદ રાખતો કુખ્યાત એપસ્ટિન
બકિંગહામ પેલેસમાં છોકરીઓને તપાસ વગર પ્રવેશ અપાતો!
રાજવી મહેલમાં સંપૂર્ણ તપાસ વિના કોઈને પ્રવેશ નથી, પણ એન્ડ્રુની (તેમનો પ્રિન્સ તરીકેનો હોદ્દો છીનવી લેવાયો છે) વગના કારણે એપસ્ટિનના વિમાન દ્વારા યુકે લવાયેલી યુવતીઓને બકિંગહામ પેલેસમાં કોઈપણ તપાસ વિના પ્રવેશ આપી દેવાતો. આ માટે ‘મિસિસ વિન્ડસર’ નામનો કોડ ઉપયોગમાં લેવાતો. કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે, એન્ડ્રુ જ મહેલના સુરક્ષા કર્મચારીઓને ફોન કરીને કહેતા કે, ‘મિસિસ વિન્ડસરને અંદર આવવા દેજો.’ એટલે કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના યુવતીઓને અંદર જવા દેવી પડતી.
ઓછામાં ઓછી ચાર યુવતી ‘મિસિસ વિન્ડસર’ હતી
આરોપ છે કે, ઓછામાં ઓછી ચાર યુવતીએ ‘મિસિસ વિન્ડસર’ કોડ નેમ હેઠળ બકિંગહામ પેલેસમાં પ્રવેશ મેળવ્યો હતો, જેમાંની એક હતી વર્જિનિયા ગિફ્રે. એપસ્ટિન અને એના સાથીઓના કાળાકામ ઊઘાડા પાડવામાં વર્જિનિયા ગિફ્રેએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેનો આરોપ છે કે, તે ફક્ત સત્તર વર્ષની હતી ત્યારે તેને બકિંગહામ પેલેસ લઈ જઈને એન્ડ્રુ સાથે સંબંધ બાંધવાની ફરજ પડાઈ હતી. એક વાર બકિંગહામ પેલેસમાં, એક વાર લંડનના કોઈક સ્થળે અને એક વાર એપસ્ટિનના ખાનગી કેરેબિયન ટાપુ પર, એમ ત્રણ અલગ અલગ સ્થળે ત્રણ વાર એન્ડ્રુ સાથે સંબંધ બાંધવા તેને મજબૂર કરાઈ હતી. એન્ડ્રુ ઉપરાંત તેને દુનિયાના અનેક પ્રભાવશાળી લોકો સુધી પહોંચાડાતી, એવો પણ તેનો આરોપ છે.
એન્ડ્રુને સંડોવતી અન્ય વિગતો સામે આવી
એપસ્ટિન ફાઈલને લગતા દસ્તાવેજો મુજબ, વર્ષ 2001માં એન્ડ્રુએ એપસ્ટિન અને ‘વેરા’ નામની રશિયાની મોડેલને બકિંગહામ પેલેસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ઓગસ્ટ 2010માં એપસ્ટિને 'ઇરિના' તરીકે ઓળખાવેલી 26 વર્ષીય રશિયાની મહિલા સાથે એન્ડ્રુની મુલાકાત કરાવવાની ઓફર પણ કરી હતી. જો કે, એન્ડ્રુએ તમામ આરોપ નકારી કાઢ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં બ્રિટિશ પોલીસે તેમની સત્તાવાર પૂછપરછ કરી નથી.
સુરક્ષા વ્યવસ્થા અને તંત્ર પર ઉઠેલા પ્રશ્નો
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સહિત અનેક નેતાઓએ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવાની માંગ કરી છે, કેમ કે ફ્લાઇટ લોગ્સ અને ઇમેલ્સમાં પીડિતાઓના દાવાને સમર્થન આપતી વિગતો સામે આવી હોવાનું કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, એન્ડ્રુને મળવા માટે કયા દેશની કઈ યુવતી આવતી, તેની બ્રિટિશ સરકારને માહિતી જ નહોતી, જે યુકેની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. બકિંગહામ પેલેસ જેવા રાજવી સ્થળોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. રાજવી પરિવારના એક સભ્યના લાભાર્થે યુકેનું તંત્ર કેટલી હદે બેજવાબદાર બની ગયું હતું, એ જાણીને જનતામાં ભારે અસંતોષ જોવા મળ્યો છે.
એપસ્ટિન કેસની રાજાશાહી પર ગંભીર અસર
તાજેતરના સર્વે મુજબ, આ કૌભાંડના કારણે બ્રિટનમાં રાજાશાહી માટેનું જનસમર્થન ઘટી ગયું છે. વધુ ને વધુ બ્રિટિશ નાગરિકો હવે રાજાશાહીથી મુક્તિ મેળવવાની તરફેણ કરવા લાગ્યા છે. બકિંગહામ પેલેસ તરફથી એવું નિવેદન અપાયું છે કે, જો પોલીસ તપાસ શરૂ કરે તો તેને સંપૂર્ણ સહકાર અપાશે. રાજ પરિવારના કેટલાક સભ્યોએ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે.
પૂર્વ રાજકુમારનો દરજ્જો અને અધિકારો છીનવી લેવાયા
જો કે, એન્ડ્રુ હવે સક્રિય રાજવી સભ્ય નથી રહ્યા. એપસ્ટિન સાથેના સંબંધોને કારણે તેમની કેટલીક રાજવી ઉપાધિ અને અધિકારો પાછા ખેંચી લેવાયા છે. તેમના પરના ગંભીર આરોપોને કારણે રોયલ બ્રિટિશ ફેમિલીની શાખને કાળો ધબ્બો લાગ્યો હોવાનું કહેવાય છે.
વર્જિનિયા ગિફ્રેએ આત્મહત્યા કરી હતી કે પછી...
25 એપ્રિલ, 2025ના રોજ વર્જિનિયા ગિફ્રેએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેના પરિવારે જણાવ્યું હતું કે, વર્જિનિયા લાંબા સમયથી ભૂતકાળના યૌન શોષણના અનુભવને કારણે ઊંડા માનસિક અને ભાવનાત્મક આઘાત સાથે સંઘર્ષ કરી રહી હતી. લાંબી કાનૂની લડાઈઓ, જાહેર ચર્ચા અને સતત મીડિયા દબાણને કારણે એ પરેશાન હતી. જો કે, ઓસ્ટ્રેલિયાના સત્તાવાળાઓએ વર્જિનિયાના મૃત્યુમાં કોઈ ગુનાઇત કાવતરાની સંભાવના નકારી દીધી હતી.


