World

બાંગ્લાદેશમાં આ વર્ષે ધામધૂમથી દુર્ગાપૂજા ઉજવાઈ : તારિક રહેમાન હિન્દુઓને ખુશ કરે છે

By GS Team
25 Oct 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં આ વર્ષે દુર્ગાપૂજા ધામધૂમથી ઉજવાઈ હતી, જેનો અનુભવ ત્યાંના હિન્દુ નાગરિકોએ ફેસબુક પર શેર કર્યો. સરકારે વધારાનું ફંડ ફાળવી, સુરક્ષા કડક કરી અને વડાપ્રધાન પોતે પૂજા પંડાલોની મુલાકાતે ગયા. ભૂતકાળમાં મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં 84 હિંસાની ઘટનાઓ અને મૂર્તિ તોડફોડ થઈ હતી. આ વખતે શાંતિપૂર્ણ માહોલ રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં આ વર્ષે ધામધૂમથી દુર્ગાપૂજા ઉજવાઈ : તારિક રહેમાન હિન્દુઓને ખુશ કરે છે
  • દુર્ગાપૂજા માટે સરકારે વધુ ફંડ પણ ફાળવ્યું
  • ૨૦૨૪ અને ૨૦૨૫ના મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં દુર્ગાપૂજા વખતે હિંસાની ૮૪ ઘટનાઓ બની હતી : મૂર્તિઓની પણ તોડ-ફોડ થઈ હતી આ વખતે શાંતિ રહી હતી

ઢાકા : બાંગ્લાદેશમાં આ વર્ષે દુર્ગાપૂજા ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ માહિતી ત્યાં વસતા કેટલાક હિન્દુઓએ જ આપી હતી. બાંગ્લાદેશના એક નાગરિક સોહાગકુમાર મંડલે ફેસબુક ઉપર પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. તેણે દુર્ગાપૂજા ધામધૂમથી ઉજવાઈ શકી તે માટે બાંગ્લાદેશની સરકારનો આભાર માન્યો હતો, અને ધન્યવાદ પણ આપ્યા હતા. તેઓએ લખ્યું : અમે એવો બાંગ્લાદેશ જોવા માંગીએ છીએ કે જ્યાં દરેક નાગરિક સન્માન, સ્વતંત્રતા, અને સુરક્ષા સાથે પોતાની શ્રધ્ધા જાળવી શકે. આ યાદગાર દુર્ગા-પૂજા માટે ધન્યવાદ બાંગ્લાદેશ.
ઇન્ડિયા ટુડે ડીજીટલે પોતાના એક રીપોર્ટમાં સોહાગ કુમાર મંડલને ટાંકતાં જણાવ્યું હતું કે આ વર્ષે બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન માહોલ જ જુદો હતો. લગભગ દરેક જગ્યાએ ભીડ હતી અને લોકો ખૂબ આનંદ લેતા હતા. સમય એક એવો પણ હતો કે જ્યારે દુર્ગાપૂજા દરમિયાન દેશમાં દહેશત પ્રસરતી હતી.
બાંગ્લાદેશ હિન્દુ, બૌદ્ધ, ઇસાઈ એકતા પરિષદના મહામંત્રી મુનીન્દ્રકુમાર નાથે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી. તેઓ કહે છે કે ગયા વર્ષોના પ્રમાણમાં આ વર્ષે દુર્ગાપૂજા ખૂબ સારી રહી. આ વર્ષે દુર્ગાપૂજા દરમિયાન રજાઓમાં પણ વધારો કરવામાં આવ્યો. દુર્ગાપૂજા માટે સરકાર તરફથી વધુ ફંડ પણ ફાળવવામાં આવ્યું. સલામતીની પણ કડક વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેટલું જ નહીં પરંતુ વડાપ્રધાન તારિક રહેમાન પોતે જ સમગ્ર બાંગ્લાદેશના જુદાં જુદાં શહેરોમાં રહેલા પૂજા પંડાલોની પણ મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓને ભાવપૂર્વક વધાવી પણ લેવામાં આવ્યા હતા.
આથી તદ્દન વિરૂદ્ધ માહોલ મોહમ્મદ યુનુસ સરકાર દરમિયાન જોવા મળ્યો હતો. ૨૦૨૪ અને ૨૦૨૫ના યુનુસના કાર્યકાળમાં હિંસાની ઓછામાં ઓછી ૮૪ ઘટનાઓ બની હતી અને કેટલીએ મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, અને પૂજામાં પણ અવરોધ કરવામાં આવતો હતો. શેખ હસીનાની આવામી લીગની સરકાર દરમિયાન પણ કેટલીક મૂર્તિઓ તોડવામાં આવી હતી. પરંતુ તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સરકાર દરમિયાન આ પહેલી દુર્ગાપૂજા યોજાઈ જેમાં ઘણું ઘણું દાવ ઉપર હતું. સરકારની અને વિશેષત: તારિક રહેમાનની પ્રતિષ્ઠા દાવ ઉપર હતી જેમાં તેઓ ખરા ઉતર્યા છે.