આર્થિક અને નાણાંકીય ભીંસને લીધે હવે ચીની સત્તાધીશો બંધ પડેલા નાના વ્યાપારી સંકુલોનું પણ તલસ્પર્શી 'ઑડિટ' કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'ધી ઇપોક ટાઇમ્સે' કરેલો ચીનનો પર્દાફાશ
- પહેલા માત્ર મોટા બિઝનેસ હાઉસીઝની જ 'તપાસ' કરાતી હતી પરંતુ, હવે તો નાના વેપારીઓની પણ ખણખોદ શરૂ થઈ ગઈ છે
બીજીંગ (ચાયના) : ચીનના જુદા જુદા ભાગમાંથી મળતા રિપોર્ટસ જણાવે છે કે, ચીનના ટેક્સ અધિકારીઓ ફરીથી ટેક્સ રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. સાથે, કેટલાય સમયથી બંધ પડેલા વ્યાપારી સંકુલોના નાણાંકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ માહિતી આપતા 'ઇપોક ટાઇમ્સ' જણાવે છે કે વી-ચેટ અને ડૌવીન જેવા ચાઇનીઝ મીડિયા પ્લેટફોર્મ્સ પણ જણાવે છે કે, એક તરફ આર્થિક તકલીફો અને બીજી તરફ નાણાંકીય ભીંસને લીધે ચીની સત્તાધીશોએ આ ઝુંબેશ ઉઠાવી છે.
'ધી ઇપોક ટાઇમ્સ' વધુમાં જણાવે છે કે, પહેલા તો આવી ઝીણવટભરી 'તપાસ' (ઓડિટ) માત્ર બંધ પડેલા મોટા ઉદ્યોગો કે વ્યાપારી સંકુલો પૂરતી જ મર્યાદિત હતી પરંતુ હવે તો સત્તાવાળાઓ બંધ પડેલા નાના વ્યાપારી સંકુલોની પણ ભૂતકાળની નાણાંકીય લેતી-દેતીની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
તાજેતરમાં જ ઝિયાંગ શી પ્રાંતમાં એક નાના વેપારી જેનું રજીસ્ટ્રેશન જ કેન્સ્લ કરાયું હતું તેના પણ નાણાંકીય વ્યવહારોનું 'ઑડિટ' શરૂ કરાયું અને તેણે પહેલાં પોતાનું ટેક્સ-રિટર્ન દર્શાવ્યું હોવા છતાં સત્તાવાળાઓએ કહ્યું હતું કે, તે રીટર્નસ બરોબર નથી.
એવા અનેક કિસ્સા નોંધાયા છે કે જેમાં નાના વેપારીઓને પણ ફરીથી નવાં ટેક્સ રિટર્નસ ભરવા હુકમ કરાયો છે. સાથે, તેમની ઉપર દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શી નામક એક નાના વેપારીએ આ પત્રને કહ્યું હતું કે, તેણે તેના નાસ્તાની દુકાન તો ઘણા સમયથી બંધ કરી હતી છતાં અધિકારીઓએ તેના ચોપડા તપાસવા શરૂ કર્યા હતા. આ તો હદ થઈ છે તેમ કહેતા શીએ કહ્યું હતું કે, હવે તેઓ ટેક્સ માગી રહયા છે સાથે દંડાત્મક કાર્યવાહીરૂપે વધારાનો ટેક્સ માંગી રહ્યા છે.
'ઇપોક ટાઇમ્સ' આગળ જણાવે છે કે, હૂનાન પ્રાંતના એક નાના વેપારીએ કહ્યું હતું કે, 'આ હેરાનગતિના લીધે ઘણા નાના અને મોટા વેપારીઓએ પોતાના ધંધાધાપા બંધ તો કરી જ દીધા છે પરંતુ સાથે દેશ છોડી દેવાની પણ તક શોધી રહ્યા છે.
આ પૂર્વે થયેલો એક રિપોર્ટ જણાવે છે કે, સત્તાધીશો તરફથી થતી હેરાનગતિથી થાકીને આશરે ૧,૫૦૦ જેટલી નાની ટેક્સટાઇલ મિલો તો લગભગ બંધ હાલતમાં જ પડી છે.
હોંગકોંગ જનરલ ચેમ્બર ઓફ ટેક્સટાઇલ જણાવે છે કે, ૩૮૯ જેટલી મીલો જ અત્યારે ચાલે છે. પહેલાં તો ૨૦,૮૦૬ જેટલી નાની મીલો હતી તે બધી નિયમિત ટેક્સ રિટર્ન ભરતી હતી છતાં અધિકારીઓની હેરાનગતિથી એક પછી એક બંધ થતી ગઈ.
વિશ્લેષકો કહે છે કે, દાનેશ્વરી કર્ણની જેમ આડેધડ ખેરાત કરી વિવિધ દેશોને પોતાના તરફ વાળવાની ચીનની ઝુંબેશને લીધે તેના ખિસ્સા ખાલી થઈ ગયા છે. સામે મંદીના ઓળા દેખાય છે તેથી ભૂરાયાં થયેલા ચીને હવે આડેધડ પોતાના નાગરિકોને ચૂસવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે.




