Get The App

અમેરિકાની મદદથી 125 કરોડનો ઈનામી ખૂંખાર ડ્રગ્સ માફિયા 'અલ મેન્ચો' ઠાર, મેક્સિકોમાં ભડકી હિંસા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાની મદદથી 125 કરોડનો ઈનામી ખૂંખાર ડ્રગ્સ માફિયા 'અલ મેન્ચો' ઠાર, મેક્સિકોમાં ભડકી હિંસા 1 - image


Maxico and el Mencho News : મેક્સિકોમાં ડ્રગ માફિયા સામે ચાલી રહેલા જંગમાં સેનાને એક ઐતિહાસિક સફળતા મળી છે. દુનિયાના સૌથી ખતરનાક અને ક્રૂર ડ્રગ લોર્ડ તરીકે જાણીતા નેમેસિયો 'અલ મેન્ચો' ઓસેગુએરાને સેનાએ એક મિલિટરી ઓપરેશનમાં ઠાર માર્યો છે.

સંયુક્ત મિલિટરી ઓપરેશન

મેક્સિકોની સેનાએ રવિવારે જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) ના સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ ડ્રગ લોર્ડ નેમેસિયો 'અલ મેન્ચો' ઓસેગુએરાને એક ભયાનક એન્કાઉન્ટરમાં માર્યો હોવાની જાહેરાત કરી છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ચોક્કસ બાતમીના આધારે મેક્સિકન સ્પેશિયલ ફોર્સ દ્વારા જલિસ્કોના તપાલપામાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણમાં અલ મેન્ચો ઉપરાંત 6 શંકાસ્પદ કાર્ટેલ ગનમેન પણ માર્યા ગયા છે, જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ હાલતમાં અલ મેન્ચોને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

ટ્રમ્પના દબાણ વચ્ચે મોટી કાર્યવાહી

આ ઓપરેશન એવા સમયે થયું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો પર ફેટાનાઇલ ડ્રગ્સની તસ્કરી રોકવા માટે ભારે દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પે વારંવાર ટેરિફ લાદવાની ધમકી આપીને મેક્સિકોને માદક દ્રવ્યોના વેપાર સામે કડક પગલાં લેવા તાકીદ કરી હતી. અમેરિકાએ અલ મેન્ચોની ધરપકડ માટે 15 મિલિયન અમેરિકન ડોલર (આશરે ₹125 કરોડ) ના ઈનામની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ વિભાગે આ ઓપરેશનને વૈશ્વિક સુરક્ષા માટે મોટી ઉપલબ્ધિ ગણાવી છે.

જલિસ્કોમાં માતમ અને હિંસા

અલ મેન્ચોના મોત બાદ મેક્સિકોના અનેક રાજ્યોમાં, ખાસ કરીને જલિસ્કોમાં ભયાનક હિંસા ફાટી નીકળી છે. કાર્ટેલના સમર્થકોએ રસ્તાઓ પર નાકાબંધી કરી, વાહનોને આગ ચાંપી દીધી અને સેના સાથે અથડામણ કરી છે. સ્થિતિને જોતા પ્રશાસને શાળાઓ, બજારો અને જાહેર કાર્યક્રમો રદ કરી દીધા છે. અમેરિકા અને કેનેડાએ પણ પોતાના નાગરિકોને મેક્સિકોના પ્રવાસ માટે ચેતવણી (Travel Advisory) જારી કરી છે અને ઘણી એરલાઈન્સે ફ્લાઈટ્સ રદ કરી છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઈનબામ દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.