Middle East Tensions: મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતાં સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં, પરંતુ સાથે જ અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જોખવાનો પણ ઇન્કાર કર્યો છે. તેમણે પાડોશી દેશોની આ હુમલાઓને લઈને માફી પણ માગી છે. ત્યારે હવે ઈરાનના નિવેદન બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને એક અત્યંત આક્રમક નિવેદન આપવામાં આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે સતત થઈ રહેલા હુમલાઓને કારણે ઈરાન હવે સંપૂર્ણપણે તૂટી ગયું છે અને તેણે આત્મસમર્પણ કરી દીધું છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, 'ઈરાન, જેને અત્યારે નરક જેવો માર પડી રહ્યો છે, તેણે માફી માંગી છે અને તેના પાડોશી મધ્ય પૂર્વીય દેશો સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. તેણે વચન આપ્યું છે કે તે હવે પાડોશી દેશો પર હુમલો નહીં કરે. આ વચન માત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તેના પર સતત હુમલા કરવામાં આવ્યા છે.
તેઓ (ઈરાન) આખા મધ્ય પૂર્વ પર કબજો જમાવવા અને રાજ કરવા માંગતા હતા. હજારો વર્ષોના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે ઈરાન તેની આસપાસના મધ્ય પૂર્વીય દેશો સામે હારી ગયું હોય. તેઓએ મને કહ્યું છે કે, ‘થેન્ક યુ પ્રેસિડેન્ટ ટ્રમ્પ.’ અને મેં તેમને કહ્યું છે કે, ‘યુ આર વેલકમ!’
ઈરાન હવે મધ્ય પૂર્વનો ‘બુલી’ (દાદાગીરી કરનાર) રહ્યો નથી, તેના બદલે તેઓ ‘મધ્ય પૂર્વનો લૂઝર’ બની ગયો છે. જ્યાં સુધી તેઓ સંપૂર્ણ શરણાગતિ નહીં સ્વીકારે અથવા તો સંપૂર્ણ રીતે પતન નહીં પામે, ત્યાં સુધી દાયકાઓ સુધી તેમની આ જ સ્થિતિ રહેશે! આજે ઈરાન પર ખૂબ જ જોરદાર પ્રહાર કરવામાં આવશે!"
ઈરાનના ખરાબ વર્તનને કારણે, અત્યાર સુધી જે વિસ્તારો અને લોકોના જૂથોને નિશાન બનાવવાનું વિચાર્યું નહોતું, તેમને હવે સંપૂર્ણ વિનાશ અને નિશ્ચિત મૃત્યુ માટે ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!'
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયાનું 'ટોટકું'! અમદાવાદમાં હોટલ જ બદલી નાખી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી?
અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ વચ્ચે પડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ દુઃખ વ્યક્ત કરીને માફી માંગી હતી. તેમણે પાડોશીઓને આશ્વસ્ત કર્યા હતા કે ઈરાન તરફથી હવે કોઈ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, તેમણે એક કડક શરત પણ મૂકી છે કે જો કોઈ પાડોશી દેશની ધરતીનો ઉપયોગ ઈરાન સામે હુમલો કરવા માટે કરવામાં આવશે, તો ઈરાન વળતો પ્રહાર કરવામાં જરાય અચકાશે નહીં.
'અમેરિકા-ઈઝરાયલ સામે શરણાગતિ નહીં'
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ દેશમાં શક્તિ સંતુલન અને ભવિષ્યની વ્યૂહનીતિ અંગે અનેક અટકળો ચાલી રહી છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, 'ઈરાન કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ સામે ઝૂકશે નહીં. અમે ઈઝરાયલ કે અમેરિકા સામે ક્યારેય શરણાગતિ સ્વીકારીશું નહીં.' તેમના આ નિવેદનને પ્રાદેશિક તણાવ ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂતી દર્શાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
હોર્મુઝ સ્ટ્રેટ પર જોખમ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. વિશ્વના સૌથી મહત્ત્વના ઓઇલ સપ્લાય રૂટ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર યુદ્ધના વાદળો ઘેરાતા ઊર્જા સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. જો આ માર્ગ બંધ થાય અથવા અહીં સંઘર્ષ વધે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડશે.
ઉલ્લેખનીય છે કે, ઈરાની રાષ્ટ્રપતિનું આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર મિડલ ઈસ્ટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. એક તરફ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાની કોશિશ અને બીજી તરફ ઈઝરાયલ પ્રત્યે આક્રમક વલણ ઈરાનની નવી વિદેશ નીતિના સંકેત આપી રહ્યું છે.


