પાસપોર્ટ વેરિફિકેશન માટે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા બંધ કરાવો! ગુજરાત પોલીસ વડાનો ફરી આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Simplifies Passport Verification Process: નાગરિકો માટે પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયાને લઈને રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપ્યો છે કે, પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી.
પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂર નથી
પાસપોર્ટ વેરિફિકેશનની વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ વેરિફિકેશન દરમિયાન હવે માત્ર અરજદારની નાગરિકતા (Citizenship) અને તેનો કોઈ ગુનાઈત પૂર્વ ઈતિહાસ (Criminal Record) છે કે નહીં, તે બાબતની જ ચકાસણી કરવાની રહેશે. પોલીસે પાસપોર્ટ અરજદારોના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની પણ જરૂરી નથી.
જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ કર્મચારીએ અરજદારના રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે, આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવી શકાશે નહીં.
આદેશનું કડક પાલન કરવા રાજ્ય પોલીસ વડાની સૂચના
રાજ્યના પોલીસ મહા નિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને આ નવા દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. આ સાથે તેમણે રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સુધારેલી સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયા કે ગેરસમજમાં ન પડે.
અગાઉ પણ અરજદારોને રુબરુ નહીં બોલાવવાનો પરિપત્ર કરાયો હતો
આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલા 2011માં પણ તત્કાલીન ગુજરાત પોલીસ વડાએ અરજદારોને રુબરુ નહીં બોલાવવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં, રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ફરી આદેશ આપવો પડ્યો છે. આ પ્રકારના આદેશોને પગલે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે, આખરે પોલીસ વડાએ વારંવાર આવા આદેશ કેમ આપવા પડે છે!









