કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિમી દૂર સુધી બારી-બારણાં ધ્રૂજ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

12 Indians Killed in Qatar Gas Plant Explosion : કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો.
મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી અને 'કતાર એનર્જી'ના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ પત્રકારો સાથે વાતચીત કરતા સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને એક 'ટેકનિકલ અકસ્માત' ગણાવ્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવાઈ છે.
મંત્રી સાદ અલ-કાબીએ ભાવુક થઈને નિવેદન આપ્યું હતું કે, હું આજે મારી જાતને એક એવા સ્થાને ઊભેલી જોઈ રહ્યો છું, જ્યાં મારે કંઈક એવું કરવું પડી રહ્યું છે જેની મેં હંમેશા આશા રાખી હતી કે ક્યારેય ન કરવું પડે. મારે આપણા 13 લોકોના દુઃખદ અવસાનની જાહેરાત કરવી પડી રહી છે, જેઓ ભારતીય અને પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા હતા. આ સિવાય 66 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે અને તેઓની તબીબી સારવાર ચાલી રહી છે, સદનસીબે તેમાંથી કોઈની પણ સ્થિતિ જીવલેણ નથી.
દોહા સુધી ધ્રૂજી ઉઠી બારીઓ, રહીશોમાં ફેલાયો ફફડાટ
આ વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીથી 70 કિલોમીટર કરતાં વધુ દૂર આવેલા સેન્ટ્રલ દોહામાં પણ તેના આંચકા અનુભવાયા હતા. બ્લાસ્ટના કારણે દોહામાં ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઉઠ્યા હતા, જેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઊર્જા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાથી કોઈ પર્યાવરણીય જોખમ ઊભું થયું નથી અને કતારની વૈશ્વિક LNG નિકાસ કામગીરીને કોઈ અસર થઈ નથી.
ભારતીય દૂતાવાસે શરૂ કરી મદદની કામગીરી
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં બનેલી દુઃખદ ઘટનામાં જે લોકો કાળનો કોળિયો બન્યા છે, તેમના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદનશીલતા વ્યક્ત કરીએ છીએ. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.
યુદ્ધ સમયે આ જ પ્લાન્ટ પર થયા હતા હુમલા
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે આ પ્લાન્ટ તાજેતરમાં જ ઈરાન યુદ્ધ દરમિયાન થયેલા ભારે નુકસાનમાંથી રિકવર થઈ રહ્યો હતો. થોડા મહિના પહેલા જ ઈરાનની મિસાઈલોએ રાસ લફાનમાં આવેલા મુખ્ય ગેસ-પ્રોસેસિંગ યુનિટ્સને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું હતું અને ઉત્પાદન ઠપ થઈ ગયું હતું.
આ પ્લાન્ટ ડિસેમ્બર 2025થી મેઇન્ટેનન્સના કારણે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો અને દુર્ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.









