Get The App

'હોર્મુઝમાં નાકાબંધી તોડવાની કોશિશ કરી તો જહાજને ઉડાવી દઇશું', ટ્રમ્પની નવી ચાલ અને ચેતવણી

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
'હોર્મુઝમાં નાકાબંધી તોડવાની કોશિશ કરી તો જહાજને ઉડાવી દઇશું', ટ્રમ્પની નવી ચાલ અને ચેતવણી 1 - image

Donald Trump Warning: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર ઈરાનને કડક શબ્દોમાં ધમકી આપી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હોર્મુઝમાં અમેરિકન નેવીની નાકાબંધી દરમિયાન કોઈ પણ ઈરાની જહાજ આડું આવશે, તો તેને તબાહ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈરાન સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પ ગુસ્સામાં છે અને સતત ઈરાનને ચેતવણી આપી રહ્યા છે. 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, ઈરાની નેવીને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. તેમણે વધુમાં લખ્યું કે, ઈરાની નેવી સમુદ્રના તળિયે પડી છે અને તેમના 158 જહાજો ત્યાં છે. અમે હજુ તેમને મારી શક્યા નથી. આ લોકો તેને ‘ફાસ્ટ એટેક શિપ્સ’ કહે છે, પરંતુ અમે તેને મોટો ખતરો માનતા નથી.

'તો તેને ઉડાવી દઇશું..'

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,-'નાકાબંધીને તોડવાની કોશિશ કોઈ જહાજ કરશે તો તેને ઉડાવી દઇશું, જેવી રીતે અમે ડ્રગ્સ તસ્કરોના જહાજને નષ્ટ કરી દઈએ છીએ તેવી જ રીતે'

'હોર્મુઝમાં નાકાબંધી તોડવાની કોશિશ કરી તો જહાજને ઉડાવી દઇશું', ટ્રમ્પની નવી ચાલ અને ચેતવણી 2 - image

અમેરિકન નૌસેનાએ નાકાબંધી શરૂ કરી

નોંધનીય છે કે અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે સોમવારે પૂર્વીય સમય મુજબ સવારે 10 વાગ્યે અથવા ઈરાનના સ્થાનિક સમય મુજબ સાંજે 5:30 વાગ્યાથી ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરશે. 'યુએસ સેન્ટ્રલ કમાન્ડ' (સેન્ટકોમ)એ જણાવ્યું હતું કે આ નાકાબંધી તમામ દેશોના એવા જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે જે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે અથવા ત્યાંથી બહાર જઈ રહ્યા છે. જો કે સેન્ટકોમે સ્પષ્ટ કર્યું કે જે જહાજો બિન-ઈરાની બંદરો વચ્ચે મુસાફરી કરી રહ્યા છે તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે.

શું છે ઈરાની ‘ફાસ્ટ એટેક શિપ્સ’?

ઈરાનની ‘ફાસ્ટ એટેક શિપ્સ’ નાની પણ અત્યંત ઝડપી અને હથિયારોથી સજ્જ નૌકાઓ છે. કટોકટીના સમયે હોર્મુઝમાંથી પસાર થતા મોટા જહાજોને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ શિપ્સનું સંચાલન 'રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવી' (IRGC) દ્વારા કરવામાં આવે છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ મુજબ, અમેરિકા-ઈઝરાયલના હુમલાઓ છતાં હોર્મુઝ પર નજર રાખનારા IRGCના 60 ટકાથી વધુ ફાસ્ટ એટેક ક્રાફ્ટ હજુ પણ ત્યાં હાજર છે. જો કે અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓએ ઈરાનની પરંપરાગત નૌસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં 150થી વધુ જહાજો ડૂબી ગયા છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ નાના જહાજોને શોધવા મુશ્કેલ છે કારણ કે તેમને ઈરાનના દરિયાકાંઠાની આડમાં છુપાવી શકાય છે.

આ પણ વાંચો: રાહતના સમાચાર: ઈરાને કહ્યું- 'ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરીશું અને ટોલ પણ નહીં લઈએ'

‘જો તમે લડશો, તો અમે પણ લડીશું’

ઈરાને પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે ‘જો તમે લડશો, તો અમે પણ લડીશું.’ ઈરાનના ટોચના અધિકારીઓએ જવાબી કાર્યવાહીની ધમકી આપી છે. લશ્કરી સલાહકાર અને રિવોલ્યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર મોહસેન રેઝાઈએ લખ્યું છે કે હોર્મુઝની નાકાબંધીનો સામનો કરવા માટે દેશના સશસ્ત્ર દળો પાસે એવા ઘણા મહત્વના હથિયારો છે જેનો હજુ સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર કાલિબાફ, જેમણે મંત્રણામાં ઈરાનનું નેતૃત્વ કર્યું હતું, તેમણે ટ્રમ્પને તેમની ભાષામાં જવાબ આપતા કહ્યું કે જો તમે લડશો તો અમે પણ લડીશું. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે દાવો કર્યો છે કે હોર્મુઝ પર તેમનો કબજો છે.