ટ્રમ્પનો યુ-ટર્ન: 'ઈરાનના અબજો ડૉલર પાછા આપવા પડશે, નહીંતર...', જાણો અચાનક કેમ નરમ પડ્યું અમેરિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump On Iran Frozen Funds: ફ્રાન્સમાં G-7 સમિટના સમાપન સમયે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે, 'અમેરિકાએ ઈરાનના નોંધપાત્ર પ્રમાણમાં નાણાં પોતાના કંટ્રોલમાં રાખ્યા છે અને આ રકમ પરત કરવી પડી શકે છે.' અચાનક કેમ નરમ પડ્યું અમેરિકા, જાણો વિગતે.
ઈરાનના ફ્રિઝ કરેલા નાણાં અંગે ટ્રમ્પનો યુ-ટર્ન
ટ્રમ્પે કહ્યું, 'અમે ઈરાનના ઘણા પૈસા રોકી રાખ્યા છે. તે અમારા પૈસા નથી, તેમના છે. અમે એક સમયે તેને ફ્રિઝ કરી દીધા હતા. મારું માનવું છે કે, આપણે તે પૈસા પાછા આપવા પડશે. કારણ કે જો આપણે એવું નહીં કરીએ, તો કોઈ ડૉલર પર વિશ્વાસ કરશે નહીં અને ભવિષ્યમાં રોકાણ કરશે નહીં.'
અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ચ્યુઅલી સમજૂતી
અમેરિકા અને ઈરાન વચ્ચે ગત રવિવારે વર્ચ્યુઅલી સમજૂતી(MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારમાં તમામ મોરચે લશ્કરી કાર્યવાહીનો અંત લાવવા, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને પ્રતિબંધોમાં રાહત સાથે જોડાયેલા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો માટે માર્ગ મોકળો કરવાની જોગવાઈ છે. કરાર પર ઔપચારિક હસ્તાક્ષર શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં થશે.
કરાર મુજબ, અમેરિકા તેના પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને ઈરાનના પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછા 300 બિલિયન ડૉલરની યોજના વિકસાવશે.
300 બિલિયન ડૉલર ફંડ વિશે ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, 'અમેરિકા આ ફંડમાં સીધું રોકાણ કરશે નહીં. અમે પૈસા નથી આપી રહ્યા. ફ્કત ત્યારે જ જ્યારે તેઓ યોગ્ય રીતે વ્યવહાર કરશે. જો તેઓ યોગ્ય કામ કરશે અને લોકો રોકાણ કરવા માંગતા હોય તો તેઓ રોકાણ કરી શકે છે. આમ ઈરાન યોગ્ય દિશામાં આગળ વધશે ત્યારે જ આ 300 બિલિયન ડૉલરનું ફંડ કામ કરશે. ઈરાનને પહેલાથી જ નોંધપાત્ર નુકસાન થયું છે. જ્યારે તમે અબજો ડૉલરની વાત કરો છો, ત્યારે યાદ રાખો કે તેઓ પહેલાથી જ એક ટ્રિલિયન ડૉલરથી વધુ ગુમાવી ચૂક્યા છે.'
અમેરિકા દ્વારા જારી કરાયેલા 14-મુદ્દાના સમજૂતી પત્ર અનુસાર, અંતિમ કરારના ભાગરૂપે અમેરિકા ચોક્કસ સમયમર્યાદામાં ઈરાન પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવાનું વચન આપે છે. આમાં યુએન સુરક્ષા પરિષદના ઠરાવો, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(IAEA)ના બોર્ડ ઑફ ગવર્નર્સના ઠરાવો અને તમામ પ્રાથમિક અને ગૌણ એકપક્ષીય યુએસ પ્રતિબંધોનો સમાવેશ થાય છે.









