Get The App

હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું', ટ્રમ્પનો યુટર્ન કે નવી ચાલ? જાણો શું છે અસલી ખેલ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું', ટ્રમ્પનો યુટર્ન કે નવી ચાલ? જાણો શું છે અસલી ખેલ 1 - image

Iran America War Update : વૈશ્વિક રાજનીતિમાં પરિસ્થિતિ અત્યંત ઝડપથી બદલાઈ રહી છે. માત્ર 40 કલાક પહેલા ઈરાનને નકશામાંથી મિટાવી દેવાની ધમકી આપનાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથે વાતચીત અને શાંતિની વાતો કરી રહ્યા છે. જોકે, ઈરાને આવી કોઈ પણ વાતચીતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. સોમવારે ઈરાન પરના હુમલામાં 5 દિવસના વિરામ બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા મોટા મુદ્દાઓ પર સહમતી બની છે.

નવા અયાતુલ્લાહ સાથે મંત્રણાનો ટ્રમ્પનો દાવો

ફ્લોરિડામાં એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન સાથેના સંભવિત કરારથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો થશે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, તેઓ ઈરાનમાં કોની સાથે વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે કોઈનું નામ આપ્યા વગર કહ્યું કે, તેઓ ઈરાનના એક સન્માનિત વ્યક્તિ સાથે સંપર્કમાં છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું, "અમે ઈરાનના નેતૃત્વના પહેલા, બીજા અને ત્રીજા તબક્કાને લગભગ ખતમ કરી દીધા છે, પરંતુ હવે અમે એવા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ. જેને હું સૌથી સન્માનિત અને નેતા માનું છું."

પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ પર ફોકસ

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ વાતોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ખતમ કરવા પર ચર્ચા થઈ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, "અમે ઈચ્છીએ છીએ કે કોઈ યુરેનિયમ સંવર્ધન ન થાય, પરંતુ તેમની પાસે જે સંવર્ધિત યુરેનિયમ છે તે પણ અમે લેવા માંગીએ છીએ." જો આ પાંચ દિવસનો યુદ્ધવિરામ સફળ રહે છે, તો મિડિલ ઈસ્ટના આ લાંબા સંઘર્ષનો કાયમી ઉકેલ આવી શકે છે.

આ પણ વાંચો : શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનો નવો પેંતરો! પોતાની જ સરકારના મંત્રી પર ઢોળ્યો યુદ્ધના દોષનો ટોપલો

ઈરાનનો વળતો પ્રહાર ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે

બીજી તરફ, ઈરાને અમેરિકાના આ તમામ દાવાઓને ફગાવી દીધા છે. ઈરાન તરફથી નિવેદન આવ્યું છે કે, ટ્રમ્પ તેલની કિંમતોને કાબૂમાં લેવા માટે જૂઠું બોલી રહ્યા છે અને ઈરાન કોઈ પણ સંજોગોમાં અમેરિકા સાથે વાતચીતના ટેબલ પર નથી. ટ્રમ્પે ભલે કહ્યું હોય કે હુમલા રોકવાની પહેલ ઈરાન તરફથી થઈ હતી, પરંતુ ઈરાન આ વાતને સ્વીકારવા તૈયાર નથી.

ભારત અને અન્ય દેશોની ગુપ્ત ભૂમિકા

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ સમગ્ર સ્થિતિ પાછળ ભારત, ઓમાન, તુર્કિયે, સાઉદી અરેબિયા અને ઇજીપ્ત જેવા દેશોની ગુપ્ત કૂટનીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના અમેરિકા અને ઈરાન બંને સાથે સારા સંબંધો હોવાથી નવી દિલ્હીએ સંવાદના રસ્તા ખુલ્લા રાખવામાં સિક્યોરિટી વાલ્વ જેવી ભૂમિકા ભજવી છે, જેના કારણે આ ભયાનક યુદ્ધને ફેલાતું અટકાવવામાં મદદ મળી છે.