'વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટૅરિફ...', ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Donald Trump Hiked Switzerland Tariffs: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બેબાક નિર્ણયો માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ પર લાદવામાં આવેલા ટૅરિફ પાછળનું એક ચોંકાવનારું કારણ જણાવ્યું છે. ટ્રમ્પના મતે, તેમને સ્વિટ્ઝર્લૅન્ડના એક મહિલા નેતાની વાત કરવાની આક્રમક શૈલી પસંદ ન આવી, જેના પરિણામે તેમણે ટૅરિફમાં રાહત આપવાને બદલે તેમાં વધારો કરી દીધો. આ ખુલાસો ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
આક્રમક વાતચીત અને ટૅરિફમાં વધારો
ટ્રમ્પે સ્વિસ આ અંગે વાત કરતા કહ્યું કે, 'મેં સ્વિટ્ઝર્લૅન્ડ પર 30% ટૅરિફ લગાવ્યો હતો. ત્યારબાદ મને ત્યાંના એક મહિલા નેતાનો ફોન આવ્યો. તેઓ વારંવાર એક જ વાત દોહરાવતા હતા કે સ્વિટ્ઝર્લૅન્ડ એક નાનકડો દેશ છે અને તેઓ આટલો ટૅરિફ સહન નહીં કરી શકે. તેમની વાત કરવાની રીત ખૂબ જ આક્રમક હતી અને તેઓ ફોન મૂકવા તૈયાર નહોતા. મને તેમની આ રીત પસંદ ન આવી, એટલે મેં ટૅરિફ ઘટાડવાને બદલે વધારીને 39% કરી દીધો. ભલે તે દેશ નાનો હોય, પણ અમેરિકા સાથે તેનો 42 બિલિયન ડૉલરની ટ્રેડ ડેફિસિટ(વેપાર ખાધ) ઘણી મોટી છે.
સ્વિટ્ઝર્લૅન્ડની રાજકીય વ્યવસ્થા અને ટ્રમ્પનો દાવો
રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પ તે મહિલા નેતાને વારંવાર 'વડાપ્રધાન' તરીકે સંબોધતા હતા, જ્યારે વાસ્તવમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું પદ હોતું નથી. ત્યાં સાત સભ્યોની 'ફેડરલ કાઉન્સિલ' સરકાર ચલાવે છે. ટ્રમ્પે અગાઉ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સ્વિટ્ઝર્લૅન્ડ કોઈ પણ ટૅરિફ ચૂકવ્યા વિના અમેરિકામાં સામાન નિકાસ કરી રહ્યું હતું, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: લ્યો! અમેરિકાએ ફરી દાવ કર્યો, 'PoK' અને 'અક્સાઈ ચીન' ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
ભારત સાથેની મિત્રતા અને ટ્રેડ ડીલ
સ્વિટ્ઝર્લૅન્ડ સામે કડક વલણ અપનાવનારા ટ્રમ્પે ભારત સાથે નરમાશ દાખવી છે. તાજેતરમાં જ ભારત અને અમેરિકા વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ થઈ છે, જેના હેઠળ ભારત પરના ટૅરિફ ઘટાડીને માત્ર 18% કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ અંગે જાહેરાત કરી હતી. ભારત સાથેની આ સમજૂતીથી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનશે અને ભારતીય ઉત્પાદનોને અમેરિકામાં મોટું બજાર મળશે.








