Get The App

લ્યો! અમેરિકાએ ફરી દાવ કર્યો, 'PoK' અને 'અક્સાઈ ચીન' ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
America Changed Its Stand on PoK and Aksai Chin


America Changed Its Stand on PoK and Aksai Chin: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ(USTR)ની કચેરીએ સોશિયલ મીડિયા પર ભારતનો એક એવો નકશો શેર કર્યો હતો જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK) અને ચીનના કબજા હેઠળના અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. જોકે, ટૂંક સમયમાં જ અમેરિકાએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી હટાવી લેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

શું હતો સમગ્ર મામલો?

ગયા અઠવાડિયે USTR એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો(જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે) માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી. અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી, અમેરિકા-ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે.' 

પરંતુ આ પોસ્ટ સાથે જોડાયેલા નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં PoKને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો હતો તેમજ અકસાઈ ચીન પણ ભારતનું અભિન્ન અંગ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે આ એક મોટી ઘટના ગણાય કારણ કે સામાન્ય રીતે પશ્ચિમી દેશો વિવાદિત વિસ્તારોને અલગ રીતે દર્શાવતા હોય છે. પરંતુ હવે આ પોસ્ટ હટાવી લેવાતા અમેરિકાના 'સ્ટેન્ડ' પર સવાલો ઉઠી રહ્યા છે.

ભારતનું અડગ વલણ

ભારત વર્ષોથી આંતરરાષ્ટ્રીય મંચો પર સ્પષ્ટ કરતું આવ્યું છે કે સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ(અક્સાઈ ચીન સહિત) ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને હંમેશા રહેશે. અગાઉ જ્યારે ચીને તેના 'સ્ટાન્ડર્ડ મેપ'માં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન પર દાવો કર્યો હતો, ત્યારે પણ ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકા દ્વારા પહેલા નકશો મૂકવો અને પછી હટાવવો એ રાજદ્વારી દબાણ હોઈ શકે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

આ પણ વાંચો: ટ્રેડ ડીલ થઈ ગયા બાદ પણ ટ્રમ્પે કહ્યું - ટેરિફ દ્વારા મેં ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું

ટ્રેડ ડીલ અને ટેરિફમાં ઘટાડો

નકશાના વિવાદ વચ્ચે બંને દેશોએ શુક્રવારે રાત્રે દ્વિપક્ષીય ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાને મંજૂરી આપી દીધી છે. આ કરાર હેઠળ બંને દેશો અનેક વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયા છે. આ ડીલથી ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર નવી ઊંચાઈએ પહોંચશે અને ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે તેવી અપેક્ષા છે.

લ્યો! અમેરિકાએ ફરી દાવ કર્યો, 'PoK' અને 'અક્સાઈ ચીન' ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ 2 - image