હું હત્યારાને માફ કરું છું...', ટ્રમ્પે ચાર્લી કિર્કને શહીદનો દરજ્જો આપતાં પત્નીનું મોટું નિવેદન
USA President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણપંથી કાર્યકર ચાર્લી કિર્કને અમેરિકાની આઝાદીના શહીદ તરીકે જાહેર કર્યા છે કિર્કની પત્નીએ પતિના હત્યારાને માફ કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કિર્કીની યાદીમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે, કિર્ક લોકોના હૃદયમાં હંમેશા જીવિત રહેશે. તેઓ અમેરિકાની આઝાદી માટે જીવ આપનારા શહીદ છે.
ચાર્લી કિર્ક ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, કિર્કે અથાગ પરિશ્રમ કર્યો. તેમણે જ મને આખા દેશમાં ફરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે, યૂટા યુનિવર્સિટીના એક કાર્યક્રમના સંબોધન દરમિયાન કિર્કની ગરદન પર ગોળી મારવામાં આવી હતી. તેમની હત્યાના આરોપમાં 22 વર્ષીય ટાઈલર રોબિન્સની ધરપકડ કરવામાં આવી છે. સરકારી વકીલે જણાવ્યું કે, હું ટાઈલર માટે મોતની સજા માગીશ. હત્યા પાછળનો ઉદ્દેશ હજુ સ્પષ્ટ થયો નથી. અંદાજ છે કે, કિર્ક વામપંથીઓ માટે રોડાસમાન બન્યા હતા. આથી રાજકીય ષડયંત્ર હેઠળ તેમને ઠાર કરવામાં આવ્યા છે.
ટ્રમ્પ લિબરલ્સ પર ભડક્યા
ડોનાલ્ડ ટ્રમ્પ લિબરલ્સ પર ભડક્યા છે. તેમણે આ હત્યાની સંપૂર્ણ અને ઝડપી તપાસનો આદેશ આપ્યો છે. હત્યાના આરોપીઓને આકરીથી આકરી સજા આપવા નિર્દેશ કર્યો છે. તેમણે કહ્યું કે કિર્કે પોતાના વિરોધીઓને ક્યારે પણ નફરતની નજરથી જોયા નથી. તેમના પત્ની એરિકા કિર્ક આ કાર્યક્રમમાં ટ્રમ્પના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમની પત્નીએ કહ્યું કે, 'હું હત્યારાને માફ કરૂ છું. ઈસુ ભગવાને માર્ગે ચાલીશ, કિર્ક પણ તેમના માર્ગે ચાલતા હતાં.'
![]() |
Image: IANS, આરોપી ટાઈલર રોબિન્સન |
25 વર્ષની સજા થવાની શક્યતા
રોબિન્સન પર કિર્કની જાણીજોઈને હત્યા કરવાનો આરોપ છે. રોબિન્સનના પરિવારે આ હત્યા મામલે કોઈ નિવેદન કે સ્પષ્ટતા આપી નથી. રોબિન્સન દોષિત પુરવાર થયો તો તેને મૃત્યુદંડ, આજીવન કારાવાસ, અને પેરોલ વિના આજીવન કારાવાસ અથવા ઓછામાં ઓછી 25 વર્ષની સજા થઈ શકે છે. તેણે કથિત રૂપે કિર્કના રાજકીય વિચારોને નિશાન બનાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. કિર્કની હત્યા બાળકોની સામે કરવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ તેમની ગોળી મારી હત્યા કરી હતી.
વામપંથીના વિરોધી હતા કિર્ક
કિર્ક એનજીઓ ટર્નિંગ પોઈન્ટ યુએસએના કો-ફાઉન્ડર હતા. તેમણે આ સંગઠનની સ્થાપના યુનિવર્સિટી અને કોલેજમાં લિબરલ્સનો વિરોધ કરવા માટે કરી હતી. અમેરિકામાં તેમનું નેટવર્ક એટલું મજબૂત હતું કે, વામપંથી તેમનાથી ડરતા હતા. તેમના એનજીઓની વાર્ષિક આવક 85 મિલિયન ડોલર આસપાસ હતી. 2024માં 3300 કોલેજ સુધી તેમનું સંગઠન વિસ્તર્યું હતું. ચૂંટણી સમયે કિર્કે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપતાં મોટાભાગના યુવાનોને ટ્રમ્પ સમર્થક કર્યા હતાં. આથી કિર્કની હત્યા ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટા ઝટકા સમાન છે.