World

શાંતિ મંત્રણામાં મડાગાંઠ પડતાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન પર ફરી બોમ્બીંગ કરવા વિચારે છે : રીપોર્ટ

By GS Team
23 May 20262 mins read
શાંતિ મંત્રણામાં મડાગાંઠ પડતાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન પર ફરી બોમ્બીંગ કરવા વિચારે છે : રીપોર્ટ

- વ્હાઈટ હાઉસમાં શુક્રવારે ટ્રમ્પે હાઈ લેવલ મીટિંગ યોજી જેમાં ઉપપ્રમુખ જે ડી વાન્સ સંરક્ષણ મંત્રી પેટ હેગસેથ, સીઆઈએ ડિરેક્ટર જ્હોન રેટક્લિફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન ઉપર ફરી બોમ્બીંગ કરવા વિચારે છે. કારણ કે તે ઇરાન-અમેરિકા વચ્ચે યોજાયેલી શાંતિ-મંત્રણામાં કોઈ પ્રગતિ થતી નથી ઉલટાની મડાગાંઠ પડી રહી છે. આથી પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં નેશનલ સિક્યુરીટી મીટીંગ રાખી હતી. જેમાં પરિસ્થિતિનું આકલન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં ઉપપ્રમુખ જે ડી વાન્સ, સંરક્ષણ મંત્રી પેટ હેગસેથ, સીઆઈએના ડીરેક્ટર જ્હોન રેટક્લિફ તથા વ્હાઈટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સુચી વિલેસ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ મીટીંગ દરમ્યાન અધિકારીઓએ તેટલું તો કબુલ્યું જ હતું કે શાંતિ મંત્રણા મુશ્કેલ બનતી જાય છે. તેમાં ખાસ પ્રગતિ થતી નથી. શાંતિ-કરારો થઈ શક્યા જ નથી.

બીજી તરફ ઇરાનના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે હજી મંત્રણાઓ ચાલી રહી છે.

તે સર્વવિદિત છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો મુખ્ય હેતુ ઇરાનની પરમાણુ ક્ષમતા તદ્દન મર્યાદિત રાખવાની છે અને તહેરાનને મીયર-એટમિક પાવર બનતું રોકવાનો છે. ઇરાનના યુરેનિયમ એનરિચમેન્ટને લાંબા સમય સુધી અટકાવવા ઉપરાંત કડક-તપાસ અને ઇરાનનો તે પ્રદેશમાં લશ્કરી વિસ્તાર રોકવાનો છે.

અમેરિકાની મુખ્ય માગણીઓ આ પ્રમાણે છે :

* ૨૦ વર્ષ સુધી ઇરાને તેનો યુરેનિયમ એનરિચમેન્ટ કાર્યક્રમ મોકૂફ રાખવો.

* ઇરાન પાસે અત્યારે એનરિચ્ડ યુરેનિયમ (સમૃદ્ધ યુરેનિયમ)નો જે જથ્થો છે તે (અમેરિકાને) આપી દેવો અથવા બીજા કોઈ વિશ્વાસનીય દેશને આપવો.

* ઇલ્ફરાન, નાતાન્ઝ અને ફોરડોવ સ્થિત સહિતની તમામ ન્યુક્લિયર ફેસિલીટીઝ (પરમાણુ સંસ્થાઓ) બંધ કરવી અથવા છુટી પાડી દેવી.

* તેની ન્યુક્લિયર સાઈટ્સ તથા સેન્ટ્રીફ્યુઝ સંયંત્રો, કડક અંતરરાષ્ટ્રીય નિગરાની નીચે મુકવાં.

* ઇરાને તેનો બેલાસ્ટિક-મિસાઈલ કાર્યક્રમ મર્યાદિત રાખવો.

* ઇરાને, હીઝબુલ્લાહ, હમાસ અને હુથી જેવા પ્રાદેશિક પ્રોક્સી જૂથોને સપોર્ટ આપવો બંધ કરવો.

* ઇરાને ટોલ સીસ્ટમ તથા અન્ય નિયંત્રણો હોર્મુઝ ઉપરથી દૂર કરવા.

ઇરાને યુદ્ધ ખર્ચ માટે માગેલું ખૂબ મોટું વળતર તથા તેની ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવાની માગણી અમેરિકાના ટોચના અધિકારીઓ અસ્વીકાર્ય ગણે છે.

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે શાંતિ મંત્રણામાં પ્રગતિ થઈ રહી હોવાના શુભ સંકેતો મળે છે પરંતુ ઇરાનનું નેતૃત્વ મંત્રણાને વધુને વધુ ગૂંચવી રહે છે.