ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા

- ટેરીફ બોમ્બ અને 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'નો ટેરર મચાવતો મંત્ર
- ટ્રમ્પ ચૂંટણી જ 'અમેરિકા ફર્સ્ટ' અને 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'ના મંત્ર કહો કે વચન સાથે જીત્યા હતાં પણ તે આવતા સાથે જ આ હદના આક્રમક બનશે તેનો વિશ્વને અંદાજ નહોતો. તેમણે ભારત, બ્રાઝીલ, કેનેડા, ચીન, મેકસિકો સહીત કેટલાક દેશો પર કમરતોડ ટેરીફ ઝીંક્યો અને હજુ વધારો કરવાની ધમકી ચાલુ જ છે. ભારત પર 50 ટકા ટેરીફ ઝીંકાઈ છે. ટ્રમ્પે અમેરિકાના યુવાનોની નોકરી h1b વિઝા ધારકો છીનવી રહ્યા છે તેમ જણાવી હાલના વિદેશી વિદ્યાર્થીઓમાંથી કોઈને નોકરીમાં રાખવા હોય તો કંપનીએ એક લાખ ડોલર આપવા પડશે તેવો કાયદો બનાવ્યો. અમેરિકાની નીતિઓની ટીકા કરનાર વિદ્યાર્થીઓ કે h1b વિઝા ધારકોના વિઝા રદ કરવાનો નિર્ણય પણ લેવાયો. ગ્રીન કાર્ડ અને સીટીઝન માટેના નિયમો કડક બનાવ્યા તેમજ ગેરકાયદેસર વસાહતીઓને દેશમાંથી બહાર કરવાની શરૂઆત કરી. અમેરિકાની લોકશાહી અસ્મિતાને ટ્રમ્પે તળિયે લાવી દીધી છે.
અમેરિકાના ૪૭માં પ્રમુખ તરીકે ૭૮ વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ બીજી વખત શપથ લીધા.૨૦૧૭થી ૨૦૨૧ની ટર્મમાં તેઓ પ્રમુખ હતા. ૨૦૨૧થી ૨૦૨૫ બાઈડેન પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ટ્રમ્પની શપથ વિધિના તે દિવસે વોશિંગ્ટનમાં પવનના ભારે સુસવાટા સાથે હિમ થીજવતી ઠંડી હોઇ શપથ વિધિનો કાર્યક્રમ કેપિટલ હિલ સંકુલમાં આવેલ હોલમાં બંધબારણે રાખવામાં આવ્યો હતો. જેમ્સ વાન્સે ઉપ પ્રમુખ તરીકેના શપથ લીધા હતા. ટ્રમ્પે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલા હેરીસને પરાસ્ત કરીને જીત મેળવી હતી. તત્કાલીન પ્રમુખ જો બાઈડેન તો સ્વાભાવિક રીતે શાસન ટ્રમ્પને સુપ્રત કરવાની વિધિ હોઇ સમારંભમાં હોય જ પણ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, બરાક ઓબામા, જ્યોર્જ બુશ ઉપરાંત હિલેરી ક્લિન્ટન, લોરા બુશ, ડીક ચેન્ની, અલ ગોર અને વિદેશના નેતાઓ કે તેમના પ્રતિનિધિ સહીત ૬૦૦ મહેમાનો હાજર રહ્યા હતા.
ટ્રમ્પના પત્ની મેલોનીયા ખુશમિજાજ જણાતા હતા. તેઓના સંતાનો અને જમાઈની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી. બાઈડેન પ્રચારના છેલ્લા તબક્કે નાદુરસ્ત તબિયતને કારણે સ્પર્ધામાંથી ખસી જતા ડેમોક્રેટિક પક્ષે કમલા હેરીસને વિકલ્પમાં ઉતાર્યા હતા અને તેમણે પરાજય જોવો પડયો હતો. મતદારો સમક્ષ અમેરિકાને ફરી મહાન દેશ બનાવવાનો અને 'અમેરિકા ફર્સ્ટ'નું વચન આપીને ટ્રમ્પે આ ચૂંટણી જીતી હતી.
લોસ એન્જલેસમાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શન હિંસક બન્યું
અમેરિકાના લોસ એન્જલેસમાં ગેરકાયદેસર રહીશોેની સંભવિત વસાહતો પર દરોડા પાડવા પ્રમુખ ટ્રમ્પે ૨૦૦૦ સૈનિકોની ફોજ ઉતારી કેમ કે કેલિફોર્નિયામાં ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે અને તેઓએ ટ્રમ્પની આ રીતની સખ્તાઈ સામે વાંધો હોઇ તેઓએ પોલીસ દળ પૂરતું નહોતું પાડયું. દેખાવકારો પર અર્ધ સૈન્ય દળોએ ભીંસ વધારી એટલે તેઓ હિંસક બન્યા અને તેમાં અસામાજિક તત્વો પણ ભળ્યા એટલે દુકાનોમાં લૂંટફાટ પણ થઇ. મોટર કારો બાળવામાં આવી. ડેમોક્રેટિક અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ ટ્રમ્પના વિરોધમાં રેલી અને રસ્તા રોકો દેખાવ થયા.








