- ટ્રમ્પ ઇરાન યુદ્ધમાં સમાધાનના જ્યારે નેતન્યાહુ ઘમાસાણના પક્ષમાં
- ઇરાન સાથે સમાધાનનો માર્ગ અપનાવીને ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો: ટ્રમ્પને નેતન્યાહુની ચેતવણી
- ઇરાનને અમે જીતી લીધું છે: ટ્રમ્પનો હાસ્યાસ્પદ દાવો
વોશિંગ્ટન : ઇરાન સાથેના યુદ્ધના મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ વચ્ચે એક કલાકથી પણ વધુ સમય ચાલેલી ટેલિફોનિક વાર્તામાં શાબ્દિક તડાફડી થઈ હતી. ટ્રમ્પ હજી પણ ઇરાન સાથેની ડિપ્લોમસીને એક તક આપવા માંગતા હતા, જ્યારે નેતન્યાહુ તો સીધા ઇરાન પર હુમલા કરવા માંગતા હતા. તેમણે ટ્રમ્પને જણાવ્યું હતું કે તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો.
નેતન્યાહુ ઇરાનની લશ્કરી ક્ષમતા ઘટાડવા માટે તેના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રકચર પર ફરીથી હુમલા શરૂ કરવા માંગે છે. અમેરિકન વેબસાઇટના જણાવ્યા મુજબ ફોન કોલ પછી બીબી એટલે કે નેતન્યાહુ અત્યંત નારાજ અને બેચેન નજરે પડયા હતા. આ ફોન કોલ પછી તે અત્યંત ગુસ્સામાં અને તનાવમાં હતા. નેતન્યાહુને લાગી રહ્યુ છે કે ઇરાન વાતચીતનો ઉપયોગ ફક્ત તેની ક્ષમતા વધારે મજબૂત કરવા કરી રહ્યુ છે. આ સંજોગોમાં ઇરાન પર હુમલો કરવામાં જેટલો વિલંબ થશે તેટલી વધારે તકલીફ પડશે. ટ્રમ્પની સ્ટ્રેટેજી સાથે નેતન્યાહુ સંમત નથી.
વાસ્તવમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન પરના પ્રસ્તાવિત હુમલાને તાજેતરમાં ટાળી દેવામાં આવ્યો છે. કતાર, યુએઈ અને બીજા અરબ દેશોએ ઇરાન સાથે તનાવ ઘટાડવાની અપીલ કરી હતી. તેના પછી તેમણે લશ્કરી કાર્યવાહી રોકી દીધી છે. તેની સાથે પાકિસ્તાન અને કતારની મધ્યસ્થીમાં નવો જ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ અમેરિકા અને ઇરાન વચ્ચેના સમાધાનની રૂપરેખા તૈયાર કરવાનો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાદાપત્ર તૈયાર કરવામાં આવ્યો છે, જેના પર અમેરિકા-ઇરાન સહીસિક્કા કરી શકે છે. આ પ્રસ્તાવ હેઠળ ૩૦ દિવસ સુધી વાતચીત ચાલશે. તેમા ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની ખાડી ખોલવા પર ચર્ચા થશે. જો કે ટ્રમ્પે જણાવ્યું હતું કે જો વાતચીત સફળ ન રહી તો અમેરિકા ફરીથી યુદ્ધનો રસ્તો અપનાવી શકે છે.બીજી બાજુ ઇરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે ૧૪ સૂત્રીય પ્રસ્તાવના આધારે જ વાતચીત આગળ ધપાવશે. આ બાબત દર્શાવે છે કે અમેરિકા અને ઇઝરાયેલ ઇરાનને લઈને એકમત નથી. આ બધા વચ્ચે ટ્રમ્પે હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે અમે ઇરાનને જીતી લીધં૪ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે યુદ્ધ મહિના કરતાં થોડો વધુ સમય ચાલ્યુ છે, બાકીનો સમય તો યુદ્ધવિરામ જ રહ્યો છે. જો કે ટ્રમ્પના ઇરાનને જીતવાના દાવાની નિષ્ણાતોએ મજાક ઉડાવતા જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડી પણ ન ખોલાવી શકતુ અમેરિકા ઇરાન યુદ્ધ જીતવાનો દાવો કરે છે.
જો કે નેતન્યાહુની વાત સાચી પાડતા હોય તેમ ઇરાન અત્યંત ઝડપથી તેની લશ્કરી ક્ષમતા ફરીથી મેળવી રહ્યું છે. ઇરાન ડ્રોનનું ઉત્પાદન ફરીથી શરૂ કરી દીધું છે. ઇરાન મિસાઇલ પોઝિશન રિપ્લેસ કરી કરી છે. યુદ્ધમાં નુકસાન પામેલી આવશ્યક વેપન સિસ્ટમ્સનું રિપેરિંગ કર્યુ છે અને ઇક્વિપમેન્ટ તથો પ્રોડકશન લાઇન શરૂ કરી દીધી છે. આનો સીધો અર્થ એમ થાય કે યુદ્ધ ફરીથી શરૂ થાય તો ઇરાન ફરીથી ખાડીના બીજા દેશો માટે ભયજનક બની શકે છે. પહેલા તો કહેવાતુ હતુ કે ઇરાને અમેરિકન હુમલામાંથી તેના અડધા ઉપરાંત મિસાઇલ લોન્ચર બચાવી લીધા છે, પરંતુ હવે માને છે કે ઇરાને ૫૦ ટકા નહીં પણ ૭૫ ટકા મિસાઇલ લોન્ચર બચાવી લીધા છે. આ ઉપરાંત ચીન અને રશિયાની પણ તેને મદદ મળી છે તેમ કહેવાય છે. ચીન તેને મિસાઇલ બનાવવા માટેના ઉપકરણો પૂરા પાડી રહ્યું છે.
ટ્રમ્પે અગાઉ જણાવ્યું હતું કે તે ઇરાન પર હુમલો કરવા તૈયાર હતા, પરંતુ કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના ખાડી દેશોની વિનંતીના પગલે હુમલાનું આયોજન મોકૂફ રાખ્યું હતું. પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત શાંતિ કરારનો સુધારેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને અમેરિકા-ઇરાન વચ્ચેની ખાઈ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જો કે વાટાઘાટકારોને ઇરાનને લઈને હજી પણ અનિશ્ચિતતા લાગે છે. અમેરિકન લશ્કરે જણાવ્યું હતું કે તેણે ઓમાનના અખાતમાં અમેરિકન ઘેરાબંધી તોડવાનો પ્રયત્ન કરી રહેલા ઇરાનના ટેન્કરને જપ્ત કર્યુ છે. આમ ટ્રમ્પ તંત્રએ આ પગલું લઈને હોર્મુઝની ખાડી ખોલવાના ઇરાન પર વધુ દબાણ આણ્યું છે. ટ્રમ્પ તંત્રએ એપ્રિલમાં ઘેરાબંધી શરૂ કર્યા પછી ઇરાનનું પાંચમુ જહાજ પકડયું છે.


