જિનપિંગ-ટ્રમ્પ મુલાકાત પહેલાં અમેરિકા-ચીનમાં મતભેદ! ચીને અમેરિકાને બતાવી 4 રેડ લાઇન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-China Relations : ચીનના રાષ્ટ્રપ્રમુખ શીન જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (China President Xi Jinping And US President Donald Trump) વચ્ચે યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પહેલાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ જોવા મળી રહ્યો છે. ચીનના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત પૂર્વે ચીને અમેરિકા સામે પોતાના આકરા વલણનો સંકેત આપતા 4 મહત્ત્વની ‘રેડ લાઇન્સ’ સ્પષ્ટ કરી દીધી છે. અમેરિકા સ્થિત ચીનના રાજદૂતે સમાચાર પત્ર ‘પીપલ્સ ડેઇલી’માં 23 સપ્ટેમ્બરના રોજ લેખ લખીને સ્પષ્ટ કર્યું છે કે, આ બાબતો પર ચીન કોઈપણ પ્રકારનું સમાધાન કે દબાણ સહન કરશે નહીં.
સંબંધો સુધારવા ચીને નક્કી કરી 4 રેડ લાઇન
ચીની રાજદૂત શે ફેંગ દ્વારા અખબારમાં લખવામાં આવ્યું છે કે, ‘બંને દેશો વચ્ચેના મતભેદોનો ઉકેલ પરસ્પર સદ્ભાવ અને સન્માન પર નિર્ભર કરે છે. ચીન માટે 4 ક્ષેત્રો અતિ મહત્ત્વપૂર્ણ છે અને તેને પડકારી શકાય નહીં. આ યાદીમાં પ્રથમ અને સૌથી મોટો મુદ્દો તાઈવાનનો છે. આ સિવાય લોકશાહી અને માનવાધિકાર, ચીનનો વિકાસ માર્ગ તેમજ તેની રાજકીય વ્યવસ્થા અને ચીનના વિકાસ કરવાના અધિકારનો સમાવેશ થાય છે. આ ચારેય પાયાના મુદ્દાઓ પર કોઈ બાંધછોડ શક્ય નથી.’
અમેરિકા ખોટા બહાના બનાવવાનું બંધ કરે : ચીની રાજદૂત
ચીની રાજદૂતે વોશિંગ્ટનને ચેતવણી આપતા જણાવ્યું કે, ‘અમેરિકાએ ચીનને દબાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક અસંતુલન અને બંધુઆ મજૂરી જેવા મનઘડંત બહાના બનાવવાનું હવે બંધ કરવું પડશે. જ્યારે ચીન અને અમેરિકા સાથે મળીને કામ કરે છે ત્યારે બંને દેશોને મોટો ફાયદો થાય છે, પરંતુ જો બંને વચ્ચે સીધો સંઘર્ષ થશે તો બંને પક્ષોને ભારે આર્થિક અને રાજકીય નુકસાન વેઠવું પડશે.’
સાર્વભૌમત્વ અને સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં : ચીન
ચીને સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને મેસેજ આપ્યો છે કે, ‘દેશની સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસના હિતોનું કોઈપણ ભોગે ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. ચીન શાંતિપૂર્ણ વિકાસના માર્ગે આગળ વધવા કટિબદ્ધ છે અને અમેરિકા પણ આ જ સકારાત્મક દિશામાં આગળ વધે તેવી અપેક્ષા રાખે છે.’
ઉલ્લેખનીય છે કે તાઈવાન સરકારના ઉગ્ર વિરોધ છતાં ચીન સતત તાઈવાનને પોતાના દેશનો અભિન્ન હિસ્સો ગણાવતું આવ્યું છે, જેને લઈને બંને વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે.




