Get The App

એપસ્ટિન ફાઈલ્સમાં 169 વખત નામનો ઉલ્લેખ હોવાના દાવા બાદ દલાઈ લામાની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
Dalai Lama


Dalai Lama Name In Epstein Files Clarification: અમેરિકા સહિત દુનિયાભરમાં ખળભળાટ મચાવી દેનાર એપસ્ટિન ફાઈલ્સમાં હવે તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાનું નામ સામે આવ્યું છે. અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એપસ્ટિન ફાઈલ્સના દસ્તાવેજમાં દલાઈ લામાના નામનો 169 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે, ત્યારે દલાઈ લામાએ પ્રેસનોટ જાહેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે. 

દલાઈ લામાએ શું કહ્યું?

એપસ્ટિન ફાઈલ્સમાં નામ હોવાના દાવા મામલે દલાઈ લામાએ પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું છે કે, "એપસ્ટિન ફાઈલ્સ" સંબંધિત કેટલાક તાજેતરના મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દલાઈ લામાને જેફરી એપસ્ટિન સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સ્પષ્ટપણે પુષ્ટિ કરીએ છીએ કે દલાઈ લામા ક્યારેય જેફરી એપસ્ટિનને મળ્યા નથી, ન તો તેમણે તેમના વતી કોઈને મળવા કે સંપર્ક કરવાની મંજૂરી આપી છે."

તમને જણાવી દઈએ કે, અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં દલાઈ લામાના નામનો 169 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી અફવાહ તેજ બની છે. જ્યારે કેટલાક મેઈલ્સમાં વર્ષ 2012માં કોઈ ઈવેન્ટમાં બંનેના હોવાની વાત કહેવામાં આવી છે. જોકે, આ મામલે દલાઈ લામાના કાર્યાલય દ્વારા તાત્કાલિક પ્રેસનોટ બહાર પાડીને સ્પષ્ટતા કરી છે. જેમાં એપસ્ટિન ફાઈલમાં લગાયેલા આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: જેફરી એપસ્ટિન ઈઝરાયલી જાસૂસ હતો? FBIના સિક્રેટ ડોક્યુમેન્ટમાં ખુલાસો, નેતન્યાહૂ ભડક્યાં

દલાઈ લામાના 'X' એકાઉન્ટ પર જાહેર કરાયેલી પ્રેસનોટમાં તેમના કાર્યાલયે એપસ્ટિન ફાઈલ્સના દાવાને ખોટા અને ભ્રામક અફવાહ ગણાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ફાઈલ્સમાં મોટાભાગે નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં કોઈ ફોટોગ્રાફ્સ નથી, કોઈ નાણાકીય વ્યવહારો નથી, સીધી મુલાકાતોના કોઈ પુરાવા નથી. 

એપસ્ટિનના દસ્તાવેજોમાં ઘણા સેલિબ્રિટીઓના નામનો ઉલ્લેખ છે. તેમના શિષ્યોએ કહ્યું કે, "દલાઈ લામા, કરુણા અને શાંતિના પ્રતીક છે. તેઓ આવી અફવાઓ પર ક્યારેય ધ્યાન આપતા નથી. ગુરુજીનું જીવન સત્ય અને અહિંસા પર આધારિત છે. અસત્યનો પડછાયો પણ તેમની સાથે રહી શકતો નથી. અફવાઓ વિશ્વમાં ઝડપથી ફેલાય છે, પરંતુ સત્ય સમય સાથે ખુદ ઉજાગર થાય છે."