World

દિતવાહ વાવાઝોડાના કારણે 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા 300 ભારતીયો, શ્રીલંકામાં 123ના મોત

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
વિનાશક 'દિતવાહ' વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં, શ્રીલંકામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હવે આ ભયાનક વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિતવાહ વાવાઝોડાના કારણે 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા 300 ભારતીયો, શ્રીલંકામાં 123ના મોત
(IMAGE - IANS)

300 Indian Passengers Stranded in Colombo: વિનાશક 'દિતવાહ' વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં, શ્રીલંકામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હવે આ ભયાનક વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે.

દિતવાહને કારણે 300 ભારતીયો કોલંબોમાં ફસાયા

વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચેની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ રદ થવાને લીધે લગભગ 300 ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી કોલંબોના બંદારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયેલા છે. આ ફસાયેલા મુસાફરોમાં આશરે 150 લોકો તમિલનાડુના છે, જેઓ દુબઈથી શ્રીલંકા થઈને ભારત આવી રહ્યા હતા.

ભારતીય દૂતાવાસને મદદ માટે સૂચના

એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોએ ગંભીર આરોપો લગાવ્યા છે કે ખરાબ હવામાન અને ઓપરેશનમાં અવરોધના કારણે તેમને ખોરાક, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલું ભરતા જાહેર વિભાગના સચિવને કોલંબોમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવા અને ફસાયેલા તમિલ મુસાફરોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે. 

ભારત તરફથી શ્રીલંકાને માનવતાવાદી સહાય

અધિકારીઓએ ભારતીય હાઇ કમિશન સાથે વાતચીત કરીને એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મુસાફરો માટે મદદની માગ કરી છે. ભારત સરકારે પણ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને માનવતાવાદી મદદ પહોંચાડી છે. પીએમ મોદીએ પણ આ વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રીલંકાને ઇમરજન્સી સહાય મોકલી હતી.

આ પણ વાંચો: 'જેલ કા તાલા તૂટેગા, ઈમરાન ખાન છૂટેગા' : પીટીઆઈનો સૂત્રોચ્ચાર

'દિતવાહ' વાવાઝોડું ભારત તરફ, IMDનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર, શ્રીલંકામાં વિનાશ કર્યા બાદ 'દિતવાહ' વાવાઝોડું હવે ભારતના ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણી આંધ્ર પ્રદેશના દરિયાકિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. IMDએ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. એવી આગાહી છે કે વાવાઝોડું રવિવારની સવાર સુધીમાં ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણી આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પહોંચી જશે. આ સમય દરમિયાન ભારે વરસાદની સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.