World

અમેરિકાના કારણે આ દેશમાં ડીઝલનું એક ટીપું પણ નથી! દિવસમાં માંડ બે કલાક વીજળી મળે છે

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
કેરેબિયન દેશ ક્યુબા અત્યારે તેના ઈતિહાસના સૌથી ખરાબ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. દેશના ઊર્જા અને ખાણ મંત્રી વિસેન્ટ ડે લા ઓ એ જાહેરમાં સ્વીકાર્યું છે કે દેશમાં હવે ડીઝલ અને ઓઇલનો જથ્થો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે દેશની વીજળી વ્યવસ્થા 'ગંભીર સ્થિતિ'માં છે અને સરકાર પાસે હવે કોઈ રિઝર્વ સ્ટોક બાકી નથી. હાલમાં ક્યુબાનું પાવર ગ્રીડ માત્ર સ્થાનિક ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને સૌર ઊર્જાના આધારે માંડ ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના કારણે આ દેશમાં ડીઝલનું એક ટીપું પણ નથી! દિવસમાં માંડ બે કલાક વીજળી મળે છે
(IMAGE - IANS)

Cuba run out of diesel and fuel oil: કેરેબિયન દેશ ક્યુબા અત્યારે તેના ઇતિહાસના સૌથી ખરાબ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. દેશના ઊર્જા અને ખાણ મંત્રી વિસેન્ટ ડે લા ઓ એ જાહેરમાં સ્વીકાર્યું છે કે દેશમાં હવે ડીઝલ અને ઓઇલનો જથ્થો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે દેશની વીજળી વ્યવસ્થા 'ગંભીર સ્થિતિ'માં છે અને સરકાર પાસે હવે કોઈ રિઝર્વ સ્ટોક બાકી નથી. હાલમાં ક્યુબાનું પાવર ગ્રીડ માત્ર સ્થાનિક ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને સૌર ઊર્જાના આધારે માંડ ચાલી રહ્યું છે.

હવાનામાં 20થી 22 કલાક વીજકાપ

રાજધાની હવાના સહિત દેશના અનેક વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. લોકોએ દરરોજ 20થી 22 કલાક સુધી અંધારામાં રહેવું પડે છે. વીજળીના અભાવે ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. ક્યુબાએ છેલ્લા બે વર્ષમાં 1300 મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા તૈયાર કરી છે, પરંતુ ઇંધણ સંકટ અને પાવર ગ્રીડની અસ્થિરતાને કારણે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ બેવડાઈ છે.

અમેરિકન પ્રતિબંધો અને ઇંધણ નાકેબંધી જવાબદાર

ક્યુબા સરકાર આ કટોકટી માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ઇંધણ નાકેબંધીને જવાબદાર ગણાવી રહી છે. ખાસ કરીને અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને પરિવહનના ભાવ વધ્યા છે. જાન્યુઆરી 2026થી મેક્સિકો અને વેનેઝુએલાએ પણ ક્યુબાને ઇંધણ મોકલવાનું બંધ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, જે દેશો ક્યુબાને ઇંધણ મોકલે છે તેમના પર ટૅરિફ લગાવવાની ચેતવણીને કારણે આ દેશોએ હાથ પાછા ખેંચી લીધા છે. ડિસેમ્બર પછી માત્ર એક રશિયન ટેન્કર 'અનાતોલી કોલોડકિન' જ ક્યુબા પહોંચી શક્યું હતું.

આ પણ વાંચો: જર્મનીમાં માનવતા શર્મસાર: એક ડૉક્ટરે 12 વર્ષ સુધી 100થી વધુ બાળકો પર દુષ્કર્મ આચર્યું

યુએન દ્વારા નાકેબંધીને 'ગેરકાનૂની' જાહેર કરાઈ

સંયુક્ત રાષ્ટ્ર(UN)એ તાજેતરમાં જ અમેરિકાની આ ઈંધણ નાકેબંધીને ગેરકાનૂની ગણાવી છે. યુએન મુજબ, આ નાકેબંધીને કારણે ક્યુબાના લોકોના વિકાસના અધિકાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ પર માઠી અસર પડી છે. અંદાજે 1 કરોડની વસ્તી ધરાવતો આ દેશ હાલમાં આંતરરાષ્ટ્રીય મદદની આશા રાખી રહ્યો છે, કારણ કે ઊર્જા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ક્યુબા કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવા તૈયાર છે જે તેમને ઇંધણ વેચવા માંગતા હોય.