'ક્રૂડ ભંડારી' ઇરાનમાં તળિયું દેખાયું, બે મહિના ચાલે તેટલું જ પેટ્રોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકાની લશ્કરી અને આર્થિક નાકાબંધીથી ખાડી દેશને કમરતોડ ફટકો પડયો
- અમેરિકાએ ઓઇલ રીફાઇનરીઓ ફૂંકી મારતા ઇરાન પાસે તેનું સમારકામ કરાવવાના પૈસા જ નથી : ઇરાનમાં મોંઘવારીનો દર 70 ટકા
દુબઈ : કહેવાય છે માણસનો દિવસ ફરે છે ત્યારે છતાં દિવસે અંધારુ છવાય છે. ઇરાનની સ્થિતિ આજે એવી છે. વર્ષો સુધી અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને તાજેતરમાં અમેરિકા સાથે યુદ્ધ કર્યા પછી ઇરાન કંગાળ બની ગયું છે. એક સમયે વિશ્વના મોટાભાગના દેશોને ક્રૂડનો પુરવઠો પૂરુ પાડતુ ઇરાન પોતે આજે પેટ્રોલ માટે વલખા મારી રહ્યુ છે. ઇરાન પાસે ફક્ત બે મહિના સુધી ચાલે તેટલો જ પેટ્રોલનો પુરવઠો છે.
અમેરિકાએ વ્યૂહાત્મક હુમલા કરીને ઇરાનની ઓઇલ પ્રોસેસ કરતી રીફાઇનરીઓને ધ્વસ્ત કરી નાખી છે. તેથી ઇરાન પાસે ઓઇલનું પ્રોસેસિંગ કરીને તેની નિકાસ કરવાની ક્ષમતા જ રહી નથી. બીજી બાજુએ ઇરાનનું ઓઇલ લઈ જતાં ટેન્કરોેને અમેરિકા આગળ વધવા દેતું નથી, તેને નિષ્ક્રીય કરી દે છે. આમ અમેરિકાએ ઇરાનની બરોબરની લશ્કરી અને આર્થિક ઘેરાબંધી કરી છે. ઇરાન પાસે પોતાની જ નુકસાન પામેલી ઓઇલ રિફાઇનરીઓનું રિપેરિંગ કરાવવાના નાણા નથી. આજે તેની સ્થિતિ તેના જ સહયોગી રશિયા જેવી થઈ છે. ઇરાને પણ રશિયાની જેમ પેટ્રોલની આયાત કરવાની ફરજ પડી રહી છે. છેલ્લા કેટલાક દાયકામાં પ્રતિબંધોનો સામનો કરીને પણ ઇરાન ફ્રન્ટ કંપનીઓ, બેનામી ટેન્કરો અને દાણચોરીના નેટવર્ક દ્વારા ઓઇલ પુરવઠો વિશ્વમાં પૂરો પાડી કમાણી કરતુ હતુ. હવે તેનાથી આ પણ થઈ શકે તેમ નથી. ઇરાન પાસે વિદેશી ચલણનો ભંડાર પણ ખતમ થઈ ગયો છે. અમેરિકાની નાકાબંધીની અસર સીધી ઇરાનની સામાન્ય પ્રજા પર પડી રહી છે. રિયાલની કિંમત પ્રતિ ડોલર ૨૨ લાખ થઈ ગઈ છે, જે ગયા વર્ષે ૧૦ લાખ રિયાલ હતી. ખાવાપીવાની ચીજોનો ભાવ અને જીવન જરુરી ચીજવસ્તુનો ભાવ બમણો થઈ ગયો છે. મોંઘવારીનો દર ૭૦ ટકાએ પહોંચી ગયો છે. બેરોજગારી ૯.૧ ટકા છે. તહેરાનમાં એક ખાનગી ક્ષેત્રના કર્મચારીએ જણાવ્યું હતું કે દરેક પસાર થતાં દિવસ સાથે અમે વધુને વધુ ગરીબ થઈ રહ્યા છીએ. આમ ભૂખમરા અને ઇંધણની અછતના લીધે ઇરાન પાસે હવે અત્યંત મર્યાદિત વિકલ્પો બચ્યા છે.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ પણ કહી ચૂક્યા છે કે ઇરાન સંઘર્ષ આ વર્ષના અંત સુધીમાં ખતમ થઈ જશે. અમેરિકાએ ઇરાન પર વ્યૂહાત્મક હુમલા સાથે તેની આકરી નાકાબંધી કરી છે અને તેને મદદ કરવા સામે વિશ્વના દેશોને આકરી ચેતવણી આપી છે. ચીન જેવું ચીન પણ અમેરિકા સાથે સહયોગ કરી રહ્યું છે. યુએઈ જેવા દેશે પણ ઇરાન સાથેના આર્થિક સંબંધ તોડી નાખતા ઇરાનને ફટકો પડયો છે. હાલમાં ઇરાનના કોઈની સાથે આર્થિક સંબંધ નથી.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તો ઇરાન સાથેના યુદ્ધને યુદ્ધ ગણવાનો પણ ઇન્કાર કરી દીધો છે. તેઓએ આને ફક્ત લશ્કરી સંઘર્ષ ગણાવ્યો છે. જાણે બટાટાને મસળી નાખતા હોય તેવી વાત છે. તેમણે જણાવ્યું હતું કે હું ઇરાન સાથેના યુદ્ધને યુદ્ધ નહીં પણ એક સામાન્ય લશ્કરી સંઘર્ષ માનું છું. અમે અગાઉના યુર્દ્ધમાં હજારો જવાનોને ગુમાવ્યા હતા, તેની તુલનાએ તો આ સંઘર્ષ કશું જ નથી. અત્યાર સુધીમાં અમારા ફક્ત ૧૮ જવાનના જ મૃત્યુ થયા છે. જ્યારે વિયેતનામ યુદ્ધમાં અમે એક લાખ સૈનિક ગુમાવ્યા હતા. આ સિવાય આ યુદ્ધમા ૩૭.૫ અબજ ડોલરની જંગી રકમ ખર્ચાઈ તેના અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના બીજા યુદ્ધો, લશ્કરી આક્રમણોની વાત કરીએ તો તેની તુલનાએ આ ઘણી ઓછી રકમ છે. હોર્મુઝ પર ઇરાને કબ્જો જમાવ્યો, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, અમે આ માર્ગ મોટાભાગે ખોલી જ દીધો છે તેમ કહી શકાય. ઇરાને હોર્મુઝ પર લગભગ તેનું નિયંત્રણ ગુમાવી દીધું છે. આ સપ્તાહમાં જ અમે વિવિધ ટેન્કરો દ્વારા ૧.૮ કરોડ બેરલ ઓઇલ વૈશ્વિક બજારમાં ઠાલવવામાં સફળતા મેળવી હતી. અમે ઇરાનને પંગુ કરી નાખ્યું છે.
આ દરમિયાન અમેરિકાએ ખાર્ગ દ્વીપ પાસે ઇરાનના ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો છે. અમેરિકાએ એક પછી એક ચાર મિસાઇલ છોડયા. આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇરાનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ખાર્ગ દ્વીપની જોડે ઇરાનના એક ટેન્કર પર અમેરિકાની ચાર મિસાઇલ ત્રાટકી અને હવે તેને ખાલી કરવામાં આવી રહ્યુ છે. બીજી બાજુએ હુથીઓનું કહેવું છે કે યમનના સરકારી દળોના હુમલામાં ત્રણના મોત થયા છે.
ઈરાન યુદ્ધ અને ટેરિફના કારણે અમેરિકામાં મોંઘવારી વધી
અમેરિકામાં ડીઝલ પ્રતિ ગેલન ૫.૮૮ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યુ
ટ્રાન્સપોર્ટેશનના કારણે ચીજો મોંઘી: કંપનીઓએ ચાર્જ વધાર્યા : મીડટર્મ પહેલાં ટ્રમ્પ પર દબાણ વધશે
શિકાગો : ઈરાન સાથે છ મહિનાથી ચાલુ રહેલા યુદ્ધએ વૈશ્વિક ઈંધણ પૂરવઠો વિક્ષેપિત કરતા અમેરિકામાં ડીઝલની કિંમતો ૫.૮૮ ડોલર પ્રતિ ગેલનની રેકોર્ડ સરેરાશ સુધી પહોંચી ગઈ છે. આ વધારાથી પરિવહન તેમજ વ્યાવસાયિક ખર્ચ વધવાની સંભાવના છે જેનાથી આખરે અનાજ, ડિલીવરી અને દૈનિક જરૂરની વસ્તુઓ મોંઘી થતા ગ્રાહકો પર અસર પડવાની સંભાવના છે. ઈંધણ કટોકટી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ આગામી નવેમ્બરના વચગાળાની ચૂંટણી અગાઉ નવા રાજકીય પડકારો સર્જી શકે છે.
ડીઝલ ટ્રક, ટ્રેનો, જહાજ, કૃષિ ઉપકરણો અને માછીમારી બોટો માટે જરૂરી હોવાથી અર્થતંત્રમાં વસ્તુઓના પરિવહન માટે મહત્વનું છે. પરિણામે ઈંધણની વધતી કિંમતો અત્યારથી ઉદ્યોગોને અસર કરી રહી છે અને અનેક કંપનીઓએ ઈંધણ તેમજ પરિવહન સરચાર્જ લાદવાનું શરૂ કરી દીધું છે. એમેઝોન, યુપીએસ, ફેડએક્સ અને અમેરિકી પોસ્ટલ સેવાઓએ કેટલીક ડિલિવરીઓ પર વધારાની ફી લાદી છે જ્યારે રિટેલરો પણ ગ્રાહકો પર વધુને વધુ પરિવહન ખર્ચ નાખી રહ્યા છે.
ઈંધણ ખર્ચ સામે ખાસ કરીને અનાજ ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે કારણ કે ઝડપથી નષ્ટ થતા અનાજ માટે ઝડપી પરિવહન અને રેફ્રિજરેશનની જરૂર પડે છે. ઈંધણનો ખર્ચ હાલ કુલ અનાજ ખર્ચનો પંદર ટકા હોવાથી ડીઝલ કિંમતો અનાજના ફુગાવામાં મહત્વનું પરિબળ છે. નિષ્ણાંતોના મતે ઈંધણના ભાવ વધારાનો પૂર્ણ પ્રભાવ ગ્રાહકો સુધી પહોંચતા સમય લાગશે કારણ કે હાલના પરિવહન કરારો કેટલોક ખર્ચ ભોગવી લેશે, પણ કરાર રિન્યુ કરતી વખતે અને સરચાર્જ વિસ્તારતી વખતે કિંમતના દબાણ વધુ તીવ્ર બનશે.
નવેસરથી થયેલો ઈંધણ ભાવ વધારો તેલ ઉત્પાદન અને શિપિંગમાં વિક્ષેપો પછી થયો છે, ખાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વની હોર્મુઝ ખાડી ફરતેના સંઘર્ષ પછી વધુ વકર્યો છે. બ્રેન્ટ ક્રૂડ યુદ્ધ પહેલા ૭૦ ડોલર પ્રતિ બેરલથી વધીને ૯૫ ડોલરથી વધુ થઈ ગયું છે. ગેસોલીનની કિંમતો પણ ૪.૧૫ ડોલર પ્રતિ ગેલન પહોંચી ગઈ છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે રિફાઈન્ડ ઈંધણનો ઘટતો જથ્થો સમગ્ર સ્થિતિને વ્યાપક ઊર્જા કટોકટી તરફ ધકેલી દેશે, ખાસ કરીને આયાત પર નિર્ભર એશિયા અને આફ્રિકાના દેશો માટે મોટી કટોકટી સર્જાઈ શકે.




