World

VIDEO : ભારતના ડ્રીમ પ્રોજેક્ટ પર સંકટ: ચાબહાર પોર્ટ પર અમેરિકાનો ભીષણ હુમલો, કંટ્રોલ ટાવર તબાહ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટ પર બોમ્બમારો કરતાં મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યો છે. આ ટાવરનો ઉપયોગ નાગરિક કાર્યો માટે થતો હતો. આ પોર્ટ ભારતનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને જોડે છે. 9 જુલાઈ પછીનો આ બીજો હુમલો છે, જેનાથી ભારતના પ્રોજેક્ટને અસર થવાની અને મોંઘવારી વધવાની ચિંતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ભારતના ડ્રીમ પ્રોજેક્ટ પર સંકટ: ચાબહાર પોર્ટ પર અમેરિકાનો ભીષણ હુમલો, કંટ્રોલ ટાવર તબાહ

US Attacks Chabahar Port : અમેરિકાએ ઈરાન સ્થિત ચાબહાર પોર્ટ પર ભયાનક બોંબમારો કર્યો છે. અહેવાલો મુજબ, અમેરિકન સેનાએ આ મહત્વપૂર્ણ બંદર પર આવેલા મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર પર મિસાઇલો ઝીંકતા ટાવર સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ સુવિધા પર અમેરિકાનો આ બીજો સીધો હુમલો છે. અમેરિકાએ દક્ષિણ ઈરાનના ચાબહારમાં સામાન્ય નાગરિકોના ઉપયોગવાળા મેરીટાઇમ કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યો છે.

ચાબહાર ભારતનો મહત્તવનો પ્રોજેક્ટ

વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ પોર્ટ ઈરાન અને ભારત માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ પોર્ટ હોર્મુઝ જળમાર્ગની બહાર ઊંડા પાણીમાં સ્થિત દેશનું એક માત્ર પોર્ટ છે, જે ઈરાનને ખાડી દેશોમાંથી પસાર થયા વિના સીધી હિંદ મહાસાગર સુધી પહોંચ આપે છે. તે ભારતની મદદથી બનેલા ચાબહાર કોરિડોરનું મુખ્ય કેન્દ્ર પણ છે, જે પાકિસ્તાનને સંપૂર્ણ બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને જોડે છે. જોકે, આ હુમલો ભારતનો પ્રોજેક્ટ છે તે જ ચોક્કસ જગ્યા પર કરાયો છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકી નથી.

પોર્ટ પર બીજી વખત હુમલો

ચાબહાર પોર્ટ પર હુમલો થવો એ હોર્મુઝ ચેકપોઇન્ટની બહાર વેપાર કરવાની અને કામકાજ ચલાવવાની ઈરાનની ક્ષમતા પર સીધો પ્રહાર છે. ઈરાનના પોર્ટ્સ અને મેરીટાઈમ અફેર્સ ઑથોરિટીના જણાવ્યા મુજબ, હુમલાના કારણે વોચટાવરને મોટું માળખાગત નુકસાન થયું છે. આ ટાવરને 9 જુલાઈએ થયેલા અગાઉના હુમલામાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ ટાવરનો ઉપયોગ મુખ્યત્વે માછીમારોના રેસ્ક્યુ ઓપરેશન અને દરિયાઈ વેપારની સુરક્ષા જેવા નાગરિક કાર્યો માટે થતો હતો. હુમલાના કારણે પોર્ટ કોમ્પ્લેક્સમાં આવેલી બે ડોકિંગ સુવિધાઓને પણ નુકસાન થયું છે, જેના લીધે શહેર અને પોર્ટના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

ભારત માટે ચિંતાજનક સ્થિતિ

ચાબહાર પોર્ટ ભારતની વિદેશ નીતિ અને વ્યૂહાત્મક રમતનો એક અત્યંત મજબૂત ભાગ અને 'ડ્રીમ પ્રોજેક્ટ' રહ્યો છે. ભારતે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને રશિયા સુધી વ્યાપારી પહોંચ બનાવવા માટે અહીં મોટું રોકાણ કર્યું છે. મે 2024માં જ ભારતે ચાબહારના શાહિદ બેહેશ્તી ટર્મિનલને 10 વર્ષ સુધી ઓપરેટ કરવા માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતને આ મોટા પ્રોજેક્ટ પર અસર થવાનો અને ખાડી દેશોમાંથી તેલનો પુરવઠો ખોરવાવાને કારણે મોંઘવારી વધવાનો ગંભીર ડર સતાવી રહ્યો છે.

બીજી તરફ, હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઈરાને ઈસ્લામાબાદ શાંતિ વાર્તાનો અંત લાવવાની જાહેરાત કરી દીધી છે.