પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદ: મહિલા સ્ટાફને હટાવવાના આરોપ બાદ હોબાળો, એફિલ ટાવર બંધ કરવો પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Eiffel Tower Shuts Briefly As Staff Protest Sidelining Of Female Workers During Baps Visit | વિશ્વની સૌથી જાણીતી ધરોહરોમાં સામેલ ફ્રાન્સના પેરિસ સ્થિત એફિલ ટાવર પર અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં તેને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. શનિવારે હિન્દુ ધાર્મિક સંગઠન BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોના પ્રતિનિધિમંડળની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટાવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો બાદ પગલે સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે હવે ફ્રાન્સના નેતાઓ પણ મેદાને આવ્યા છે.
મહિલા સ્ટાફને ફરજ પરથી હટાવવાનો આરોપ
યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જ્યારે BAPSના સંતો તથા કાર્યકરો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મહિલા કર્મચારીઓને તેમની ફરજના સ્થળેથી હટી જવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ ફરજ બજાવી શકે.

સ્ટાફના ભારે વિરોધના કારણે થોડો સમય માટે બંધ રહ્યો એફિલ ટાવર
યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડેવોઇન એ ન્યૂઝ એજન્સી રોઇટર્સ સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો કે, જ્યારે પ્રતિનિધિમંડળ પસાર થઈ રહ્યું હતું, ત્યારે મહિલાઓને તેમના વર્કસ્ટેશન છોડવા માટે કહેવામાં આવ્યું હતું જેથી પુરુષો તેમની જગ્યા લઈ શકે. સપ્તાહના અંતે કર્મચારીઓ વચ્ચે તણાવ વધતો ગયો, જેના કારણે સોમવારે સવારે કર્મચારીઓએ એક બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો.
મેનેજમેન્ટ મહિલા સ્ટાફની માફી માંગી
કર્મચારીઓની આ બેઠકને કારણે એફિલ ટાવર સામાન્ય સમય કરતાં મોડો ખુલ્યો હતો. ટાવરના ગેટ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર એફિલ ટાવર ખુલવામાં વિલંબ થયો છે. ડેવોઇને જણાવ્યું હતું કે આ મામલે મેનેજમેન્ટે સ્ટાફની માફી માંગી લીધી છે.
BAPSએ કહ્યું- કોઈને અસુવિધા થઈ હોય તો અમે માફી માંગીએ છીએ
બીજી તરફ, BAPS દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે અને મુલાકાતીઓની અવરજવર સામાન્ય રહે તે હેતુથી આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે સંકલન સાધીને કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કોઈપણ અન્ય પ્રવાસીને પ્રવેશ નકારવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના અમારા ધ્યાને આવી નથી. તેમ છતાં, આ પરિસ્થિતિને કારણે જેમને પણ દુઃખ થયું હોય કે અસુવિધા થઈ હોય તે તમામે તમામની અમે માફી માંગીએ છીએ. અમે પરસ્પર આદર અને સેવાના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધ છીએ અને આ ઘટના અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ.
પેરિસના મેયરે આપ્યા તપાસના આદેશ
પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે એફિલ ટાવર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન પાછળના આરોપોની તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે કામદારોની ચિંતાઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિ મુક્તપણે કામ કરવા અને હરવા-ફરવા માટે સક્ષમ હોવી જોઈએ. પેરિસમાં દરેક જગ્યાએ, જેમાં તેના સૌથી આઇકોનિક સ્થળો પણ સામેલ છે, સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા જળવાવી જ જોઈએ.
ઓપરેટિંગ કંપનીનો પણ BAPS પર આરોપ
એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ કહ્યું હતું કે, BAPSએ "મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રહે" તે રીતે મુલાકાત ગોઠવવાની વિનંતી કરી હતી.
ફ્રાન્સના નેતાઓમાં પણ ભારે રોષ
આ વિવાદ પર ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રૉન-પિવેટે કહ્યું કે, વિદેશી મુલાકાતીઓની માંગણીઓને પહોંચી વળવા માટે મહિલાઓને એક તરફ ખસી જવાનું કહેવામાં આવે તે હું સ્વીકારવાનો ઇનકાર કરું છું. અન્ય લોકોનું સ્વાગત કરવાનો અર્થ ક્યારેય આપણા મૂલ્યો છોડી દેવાનો નથી હોતો. ફ્રાન્સમાં જાહેર જીવનમાં મહિલાઓની સંપૂર્ણ હાજરી છે. કોઈ તેમને અદૃશ્ય થઈ જવાનું કહી શકતું નથી.
નોંધનીય છે કે BAPS દ્વારા રવિવારે પેરિસ નજીક ફ્રાન્સમાં તેમના પ્રથમ મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.




