પીડિતોની મજાક, કોર્ટના આદેશની અવગણના... કોમેડિયન ફસાયો, સુપ્રીમ કોર્ટે ફટકાર્યો મોટો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Slams Comedian Samay Raina : કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે અદાલતના અગાઉના આદેશોનું પાલન ન કરવા અને કોર્ટને ગેરમાર્ગે દોરવાના મામલે સમય રૈના પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સખત વલણ અપનાવતા જણાવ્યું હતું કે, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત લોકોની મજાક ઉડાવવાના કેસમાં સમય રૈનાએ કોર્ટના આદેશોનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું છે. સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયાની અંદર દંડની રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે જણાવ્યું હતું કે, સમય રૈનાએ કોર્ટને ગેરમાર્ગે દોરી છે, તે વાત પર શંકા કરવાનું અમારી પાસે કોઈ કારણ નથી. સીજેઆઈએ એમ પણ કહ્યું કે, તેમણે આ કોર્ટના આદેશોનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું છે. આ ગેરવર્તણૂક ત્યારે વધુ ગંભીર બની જાય છે, જ્યારે રેકોર્ડ પર કંઈ ન હોવા છતાં પાલન સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરવાનો દાવો કરવામાં આવે છે. આથી અમે 3 લાખ રૂપિયાનો દંડ લગાવીએ છીએ, જે 2 અઠવાડિયાની અંદર જમા કરાવવો પડશે.
"તેઓ કેવા પ્રકારના યુથ આઇકોન છે"
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું હતું કે, 'મને ખબર નથી કે, તેઓ કેવા પ્રકારના યુથ આઇકોન છે. આ વિચારીને જ મને ધ્રુજારી ઉપડે છે. સમય રૈના શો તો કરી રહ્યા છે, પરંતુ કોર્ટના આદેશ છતાં, તેમણે SMA ફાઉન્ડેશન કે SMAથી પીડિત લોકોનો કોઈ સંપર્ક કર્યો નથી.'
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શું કહ્યું?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, તાજેતરમાં જ સમય રૈનાએ એક નવો શો શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે, હવે શરૂઆતમાં તેઓ કંઈક એવું કરી રહ્યા છે, જે તેમણે અગાઉની સિરીઝમાં નહોતું કર્યું, તેઓ લીંબુ-મરચાં લટકાવે છે. તુષાર મહેતાએ ઉમેર્યું કે, તેમણે કોઈનું નામ લીધું નથી, પરંતુ આ બાબત સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું આ બાબતમાં પડવા નહોતો માંગતો, પરંતુ સમય રૈનાએ SMA ફાઉન્ડેશન કે, આ બીમારીથી પીડિત લોકોનો કોઈ સંપર્ક સાધ્યો નથી.
કોર્ટે બે અઠવાડિયાનો સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ આ કોર્ટ સમક્ષ આપેલા વચનોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. એવું કહીને કે પાલન સોગંદનામું ગઈકાલે જ દાખલ કરી દેવામાં આવ્યું હતું, આ ગેરવર્તણૂકને વધુ ગંભીર બનાવવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે આવું કોઈ સોગંદનામું દાખલ કરાયું નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 2 અઠવાડિયાની અંદર 3 લાખ રૂપિયાનો દંડ જમા કરાવવાની શરતે પાલન સોગંદનામું દાખલ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. જો સોગંદનામું દાખલ કરવામાં નહીં આવે તો, કડક કાર્યવાહી કરવામાં આવશે.









