ઢાકાની ઝૂંપડપટ્ટીને 'દિલ્હી' બતાવી રહ્યા છે ચાઈનીઝ વ્લોગર્સ! ભારત વિરુદ્ધ મોટા ષડ્યંત્રનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chinese Vloggers' Fake Anti-India Propaganda : બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગરીબ વસાહતોમાં ચીની નાગરિકો દ્વારા વીડિયો બનાવીને તેને ભારતના સ્થળ તરીકે પ્રસારિત કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઢાકાના અખબાર 'પ્રોથમ આલો'ના અહેવાલ અનુસાર, લગભગ 150 ચીની નાગરિકો ઢાકાના અલગ-અલગ વિસ્તારોમાંથી લાઇવસ્ટ્રીમિંગ કરી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ ત્યાંના અત્યંત પછાત જીવનને ભારતીય સ્થિતિ ગણાવી ભારતીયો વિરુદ્ધ અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ ભારત વિરુદ્ધના કોઈ દુષ્પ્રચાર અભિયાનનો ભાગ હોવાની આશંકા ઊભી થઈ છે.
ચીની સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરી બોલી રહ્યા છે જૂઠાણું
ચીની નાગરિકો ઢાકાના તેકપારા અને ઉત્તરા જેવા ગરીબ વિસ્તારોની સાંકડી ગલીઓમાં વીડિયો બનાવીને તેને વીચેટ, ડોયિન, બિલીબિલી અને યુકુ જેવા ચીની પ્લેટફોર્મ પર લાઇવ પ્રસારિત કરે છે. પ્રસારણ દરમિયાન તેઓ આ વિસ્તારોને ભારતના પાટનગર નવી દિલ્હી તરીકે રજૂ કરે છે. તપાસ દરમિયાન 'મિયાંમિયાં' નામના એક વ્લોગરે કહ્યું હતું કે, ‘આ નવી દિલ્હી છે. અહીંના ઘરો ખૂબ ગંદા છે, ટીનની છત છે અને પંખા પણ નથી. અહીં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે." અન્ય એક વ્લોગરે સ્થાનિક ચાની દુકાન પર ઊભા રહીને ત્યાંની ચા ગૌમૂત્રમાંથી બનેલી હોવાનો અત્યંત વાંધાજનક દાવો કર્યો હતો. આ ઉપરાંત કેટલીક ચીની મહિલાઓ પોતે ભારતમાં પરણેલી હોવાના અને અહીં પરિવાર સાથે રહેતા હોવાના ખોટા દાવા પણ કરી રહી હતી.
ઘણા મહિનાઓથી ચાલી રહી છે ગતિવિધિ
આ પ્રવૃત્તિ માત્ર એક-બે વીડિયો પૂરતી સીમિત નથી. 'ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ' અને 'કાલેર કંઠો' જેવા બાંગ્લાદેશી માધ્યમોના અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી આ ચીની વ્લોગર્સ કૂલિંગ ફેન સાથેના આઇફોન લઈને સતત કલાકો સુધી શૂટિંગ કરતા જોવા મળ્યા છે. તેઓ વીડિયોના શીર્ષકોમાં ગરીબ અને ઝૂંપડપટ્ટી જેવા શબ્દો વાપરીને પોતાની જાતને મદદગાર તરીકે રજૂ કરે છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આ લોકો ભાષા સમજ્યા વિના સતત દરેક દુકાનમાં જઈને શૂટિંગ કરે છે, પરંતુ તેમની સાચી યોજના શું છે તેની કોઈને ખબર નથી.
સ્થાનિક લોકોની પ્રાયવસીનો ભંગ અને નાણાંની લાલચ
આ વ્લોગર્સ માત્ર ખોટી ઓળખ જ નથી ઊભી કરી રહ્યા, પરંતુ સ્થાનિક લોકોની ગોપનીયતાનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. તેઓ રહેવાસીઓની પરવાનગી લીધા વિના તેમના ઘરોમાં, રસોડામાં અને બાથરૂમ સુધી શૂટિંગ કરવા પહોંચી જાય છે. આ કામમાં મદદ મેળવવા માટે તેઓ સ્થાનિક ગાઇડ અને મહિલાઓને દરરોજ 500થી 1,000 ટાકા જેવી રકમ ચૂકવીને પોતાની સાથે રાખે છે.
પોલીસ તપાસ શરૂ છતાં અસલ હેતુ અકબંધ
ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, ચીની નાગરિકો દ્વારા વીડિયો બનાવવાની બાબત તેમના ધ્યાને આવી છે. જોકે આ મોટા પાયે ચાલી રહેલી પ્રવૃત્તિ પાછળનો ચોક્કસ હેતુ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયો નથી. સમગ્ર મામલાની માહિતી ઉચ્ચ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે અને આ સંદર્ભે તપાસ ચાલુ છે.




