'ટ્રમ્પે ચીન જવાની જરૂર જ શી હતી ?' : વિશ્લેષકો
શી. જિનપિંગે ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે, 'જો તાઈવાન મુદ્દાને ખોટી રીતે હાથ પર લેવાશે તો અમેરિકા-ચીન વચ્ચે ટકરાવ જામી પડશે'
બૈજિંગ: બૈજિંગમાં મળી રહેલી દુનિયાની સૌથી સબળ શક્તિઓની મુલાકાત અચાનક તનાવપૂર્ણ બની રહી. જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મૈત્રી અને શાનદાર ભવિષ્યની વાત કરતા હતા ત્યારે ચીનના પ્રમુખ શી. જિનપિંગે સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે, જો તાઈવાનનો મુદ્દો ખોટી રીતે હાથ પર લેવાશે તો અમેરિકા અને ચીન વચ્ચે ટકરાવ જામી પડશે.
ભવ્ય સ્વાગત, રેડ કાર્પેટ અને મુસ્કુરાહટની પાછળ ઘેરી તંગદિલી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
દુનિયા આખીની નજર આ હાઈ-સ્ટેક બેઠક પર છે.
ન્યૂઝ એજન્સી એસોસિએટેડ ફ્રી પ્રેસ (એએફપી) ના રિપોર્ટ પ્રમાણે, જાણવા મળ્યું છે કે, ચીનના પ્રમુખ શી. જિનપિંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તાઈવાન મુદ્દાને યોગ્ય રીતે સંભાળવામાં નહીં આવે તો તે પ્રશ્ન બંને દેશોને સંઘર્ષ તરફ દોરી જશે.
આજે ગુરૂવારે બૈજિંગમાં શરૂ થયેલી આ મહત્વની શિખર પરિષદમાં પ્રારંભથી જ શી. જિનપિંગે આ ધમકી ઉચ્ચારી હતી. તે બેઠકમાં કેટલાક મુશ્કેલ અને સંવેદનશીલ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઇ હતી. વ્હાઇટ હાઉસ જણાવે છે કે, બૈજિંગના ગ્રેટ-હોલ- ઓફ ધ થીમલમાં યોજાયેલા આ બેઠક પૂરી થઈ ગઈ છે.
ટ્રમ્પે પોતાના ઉદ્ધાટન પ્રવચનમાં પોતાની મહેમાનગતિની પણ પ્રશંસા કરી. તેઓએ શી. જિનપિંગને મહાન નેતા અને મિત્ર કહ્યા. તેઓએ તેમ પણ કહ્યું કે, બંને દેશોનું ભવિષ્ય શાનદાર બની રહેશે. પરંતુ ટ્રમ્પના સ્વાગતના ભવ્ય કાર્યક્રમ છતાંયે શીનું વલણ સખ્ત રહ્યું હતું અને કહ્યું કે, બંને દેશોએ ભાગીદાર બનવું જોઈએ. પ્રતિદ્વંદ્વી નહીં.'
શી. જિનપિંગે શરૂઆતથી જ તાઈવાનનો મુદ્દો ઉઠાવ્યો.
સંપૂર્ણતઃ લોકશાહી રીતે ચાલી રહેલા આ ટાપુ રાષ્ટ્ર તાઈવાનને ચીન પોતાનું જ ગણે છે. તેને પોતાનો એક પ્રાંત હોવાનું તેના નકશાઓમાં પણ દર્શાવી રહ્યું છે. ચીનની સરકારી ચેનલ સી.સી.ટીવી જણાવે છે કે, પ્રમુખ શી. જિનપિંગે કહ્યું હતું કે ઃ તાઈવાનનો પ્રશ્ન ચીન-અમેરિકા સંબંધોમાં સૌથી મહત્વનો મુદ્દો છે. સાથે ચેતવણી આપતાં કહ્યું કે, આ મુદ્દાને ખોટી રીતે હાથમાં લેવામાં આવશે તો તેથી ચીન-અમેરિકા સંબંધો બેહદ ખતરનાક સ્થિતિમાં પહોંચી જશે.
લગભગ ૧૦ વર્ષમાં કોઇ અમેરિકી પ્રમુખની યોજાયેલી આ પહેલી ચીન યાત્રા છે. ટ્રમ્પનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. સૈન્ય બેન્ડ અને ૨૧ તોપની સલામી પણ અપાઇ. સમગ્ર માર્ગ ઉપર વેલકમના નારા લગાડતા સ્કૂલના બાળકો પણ હતાં. પરંતુ શી. જિનપિંગે પ્રાચીન ગ્રીક સિદ્ધાંત ટયુસીડીડીઝ ટ્રેપનો ઉલ્લેખ કરતા હોય તેવું જ વલણ અખત્યાર કર્યું છે. તે સિદ્ધાંત પ્રમાણે કોઇ ઉભરતી શક્તિ, કોઈ નીચી પડેલી શક્તિને પડકાર આપે છે. ત્યારે યુદ્ધ અનિવાર્ય બને છે. શી એ આ બેઠકમાં કહ્યું, શું ચીન અને અમેરિકા તે ટસુયીડીડીઝઃટ્રેપથી ઉપર ઊઠી શકશે ?'
આ પ્રશ્ન અનુત્તર રહ્યો હતો. ટૂંકમાં ટ્રમ્પની ચીન યાત્રા પહેલા પગલે જ તણાવ ભરી બની રહેતાં કેટલાક વિશ્લેષકો તો તેમ કહે છે કે, ટ્રમ્પે ચીન જવાની જરૂર જ શી હતી ?


