બ્રિટનની રોયલ નેવીમાં ચીનની ઘૂસણખોરી ડ્રોન સિગ્નલ ચીન મોકલતા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સમગ્ર બ્રિટનમાં ખળભળાટ મચી ગયો
- ચીનના ડ્રોન્સ દ્વારા સ્પેશ્યલ ફોર્સીસની મીટિંગ, ટ્રેનિંગ શેડયુલ, સમુદ્રની અંદર નેવીની હિલચાલની માહિતી મળ્યાની સંભાવના
લંડન : બ્રિટનના રોયલ નેવીમાં ઉપયોગમાં લેવામાં આવતા કે-૩ સ્કાઉટ ઓબ્ઝર્વેશન્સ ડ્રોનને લઈને મોટું રાષ્ટ્રી સંકટ સર્જાયું છે. એક ઉચ્ચસ્તરીય તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રોન્સમાં લાગેલા કેમેરા એક ચાઇનીઝ આઇપી એડ્રેસ પર હાર્ટબ્રીટ કમ્યુનિકેશન્સ ડેટા મોકલી રહ્યા હતા. આના પગલે આખા બ્રિટનમાં મોટો હોબાળો મચી ગયો છે. ચીનની પહોંચથી રોયલ નેવી પણ બાકાત નથી તેમ કહેવાય છે.
બ્રિટિશ ડિફેન્સ કોન્ટ્રાક્ટર ક્રેકેન ટેકનોલોજી ગુ્રપ તરફથી નૌકાદળને સપ્લાય કરવામાં આવેલા ડ્રોન્સનો ઉપયોગ બ્રિટિશ રોયલ નેવી માર્ચથી કરી રહ્યુ હતુ. અત્યંત સંવેદનશીલ લશ્કરી બેઠકો અને સ્પેશ્યલ ફોર્સીઝ ટ્રેનિંગ એરીયાની આસપાસ આ ડ્રોન્સ ગોઠવવામાં આવ્યા હોવાના લીધે ડેટા લીક થવાની ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસમાં જોવા મળ્યું છે કે ડ્રોન્સમાં લાગેલા થર્ડ પાર્ટી કેમેરાના કેટલાક હિસ્સા ચીનમાં બનીને આવ્યા હતા. આ કેમેરા ચીન સ્થિત સર્વર આઇપી- એડ્રેસ પર સતત હાર્ટબીટ સિગ્નલ મોકલતા હતા. હાર્ટબીટ સિગ્નલ એવું ડિજિટલ સિગ્નલ હોય છે જે કોઈ ડિવાઇસ ઓનલાઇન હોવાની સ્થિતિમાં તેના લોકેશન અને તે ચાલુ સ્થિતિમાં હોવાની જાણકારી સતત કંટ્રોલ રૂમના સર્વરને મોકલતું રહે છે. અહેવાલ મુજબ ચિંતાની વાત એ છે કે ડ્રોન સંપૂર્ણપણે બંધ થયા પછી પણ આ કેમેરા એક્ટિવ રહેતા હતા. આ બધુ જાહેર થવાના પગલે બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે ડ્રોન્સમાંથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હટાવી દીધી. લગભગ ૧.૨ કરોડ પાઉન્ડવાળા આ ડ્રોનને લઈને સલામતીના સવાલો ઉઠતા બ્રિટિશ સંરક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
આ ડ્રોનના લીધે સ્પેશ્યલ ફોર્સીસના ચહેરા અને ટ્રેનિંગની પ્રવૃત્તિઓનું રેકોર્ડિંગ થવાનો ભય છે. બાલ્ટિક સાગરમાં નાટોની સુરક્ષામાં પણ આ ડ્રોનનો ઉપયોગ થયો છે. અમેરિકાના સ્પેશ્યલ ફોર્સીસ કમાન્ડે પણ કે-થ્રી સ્કાઉટ મોડેલ ડ્રોન ખરીદ્યા છે. શેડો સિક્યોરિટી મિનિસ્ટર એલિસા કર્ન્સે આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જ્યારે ચીનમાં બનેલા સ્પેરપાર્ટ્સવાળા કેમેરા આપણા સ્પેશ્યલ ફોર્સીસના ચહેરા, તેમની તાલીમ અને ઓપરેશન્સને રેકોર્ડ કરી રહ્યા છે તો આપણે આશ્ચર્ય ન પામવું જોઈએ. આપણે તે વાતને લઈને ગુસ્સે થવું જોઈએ કે આપણે અત્યાર સુધી ચીની ભયને લઈને જાગ્યા કેમ નહીં.
વિવાદ વધતા બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે ડ્રોન બનાવનારી કંપની ક્રેકેટ ટેકનોલોજી ગુ્રપને વર્તમાન વિવાદ અંગે સ્પષ્ટતા કરી નિવેદન કરવાની ફરજ પાડી છે.મંત્રાલયે જણાવ્યું હતું કે રુટિન સાઇબર સિક્યોરિટી સમીક્ષા દરમિયાન આ ખામી પકડાઈ. જો કે તપાસમાં એવા કોઈ પુરાવા મળયા નથી કે સંરક્ષણ મંત્રાલયના કોઈ સંવેદનશીલ ડેટા ટ્રાન્સફર થયો છે કે હેક કરાયો છે. બ્રિટનના કન્ઝર્વેટિવ પક્ષે બ્રિટિશ સેનામાં ચીનથી આયાત થતા બધા ઉપકરણોની તપાસની માંગ કર્યાના પછી બની છે.
લાખો તાઇવાનીઝોનો ડેટા ચીને તફડાવ્યાની આશંકા
તાઇપે,તાઇવાન : તાઇપે ટાઇમ્સના અહેવાલ મુજબ હુઆંગ અને વાંગ પર તાઇવાનના વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમનો ભંગ કરવાનો આરોપ છે. તેમના પર લાખો તાઇવાનીઝ નાગરિકોનો રેકોર્ડ પ્રાપ્ત કરવા, વ્યક્તિઓની ખાનગી જાણકારી ઓનલાઇન પ્રકાશિત કરવા અને તેની જાણકારી ચીનની જાસૂસી સંસ્થાઓને પૂરી પાડવાનો આરોપ છે. તાઇપેના તપાસકારોએ હુઆંગ પો-વેઇ અને વાંગ-તા વેઈની ચીની જાસૂસી પ્રવૃત્તિઓની તપાસ દરમિયાન ચીનની એક જાસૂસી સંસ્થા સાથેના નેટવર્કના સંબંધોનો પર્દાફાશ કર્યો છે. આ પ્રવૃત્તિઓમાં એક નિવૃત્ત નેવી સાર્જન્ટની વ્યક્તિગત જાણકારીનો ખુલાસો પણ સામેલ છે. તેણે જાહેરમાં ચીની સામ્યવાદી પક્ષની સામે અવાજ ઉઠાવ્યો છે.









