World

ચીનની એઆઈ-સેમીકંડક્ટર ચીપની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા બાદ હવે ચીન પણ AI ટેક્નોલોજી અને સેમીકંડક્ટર ચિપની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. બેઇજિંગ દ્વારા આ પગલું લેવાશે તો ડિફેન્સ, ઓટો, ડેટા સેન્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. ચીન આ ટેક્નોલોજીને વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંપત્તિ ગણી દેશમાં જ રાખવા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનની એઆઈ-સેમીકંડક્ટર ચીપની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી

અમેરિકા પછી ચીન પણ એડવાન્સ ટેક્નોલોજીની નિકાસની તરફેણમાં નહીં
ચીનના પ્રતિબંધથી ડિફેન્સ, ઓટોથી લઈને ડેટા સેન્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સામે મોટી સમસ્યા ઊભી થવાની આશંકા

બેઈજિંગ : અમેરિકાએ આર્ટિફિશિયલ સાયબર સુરક્ષા સંબંધે ચિંતાઓ વ્યક્ત કરતા અત્યાધુનિક એઆઈ મોડેલ્સની પહોંચ મર્યાદિત બનાવી દીધી છે ત્યારે હવે ચીન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. ચીન પણ અત્યાધુનિક એઆઈ ટેક્નોલોજી અને સેમીકંડક્ટર ચીપની અન્ય દેશોમાં નિકાસ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે. ચીન આ પગલું લેશે તો ડિફેન્સ, ઓટોથી લઈને ડેટા સેન્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સામે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ચીન એડવાન્સ એઆઈ ટેક્નોલોજીને વ્યૂહાત્મક રાષ્ટ્રીય અસ્કયામત તરીકે દેશમાં જ રાખવા માગે છે.
ચીનનું વાણિજ્યિક મંત્રાલય કથિતરૂપે ચીની એઆઈ અને સેમીકન્ડક્ટર કંપનીઓ સાથે સુરક્ષાની પદ્ધતિઓ પર ચર્ચા કરી રહ્યું છે. ચીન તેના ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવા અને વિદેશી યુઝર્સ દ્વારા એઆઈ મોડેલના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ મૂકવા પર પણ વિચાર કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીનનું માનવું છે કે તેનાથી અન્ય દેશો દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અથવા નકલનું જોખમ ઘટી જશે.
ચીનની ક્વાલકોમ, ટીએસએમસી જેવી કંપનીઓને ચીની ડિઝાઈન પર આધારિત ચીપ્સ બનાવતા રોકવા માટે નવો નિયમ બનાવવામાં આવે તેવી શક્યતા છે. એકંદેર ડ્રેગન પોતાની ચીપ ડિઝાઈન પર નિયંત્રણ કરવા અને તેને પોતાના દેશની અંદર જ રાખવા માગે છે.
જોકે, હજુ સુધી એઆઈ નિષ્ણાતો સાથે સંકળાયેલા પ્રતિબંધ ફાઈનલ કરાયા નથી, પરંતુ તેને ચીનની નિકાસ પ્રતિબંધ અથવા સ્ટે હોય તેવી વસ્તુઓની સત્તાવાર યાદીમાં તેનો સમાવેશ કરાય તેવી સંભાવના છે. જોકે, મહત્વની બાબત એ છે કે અત્યાધુનિક સેમીકન્ડક્ટર ચીપ્સના ઉત્પાદનની બાબતમાં ચીન સૌથી મોટું ખેલાડી નથી. તાઈવાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા આ બાબતમાં ચીન કરતા આગળ છે. ચીન મુખ્યરૂપે ચીપ પેકેજિંગ અને કેટલીક ખાસ કેટેગરીની ચિપ્સનું ઉત્પાદન કરે છે.
ગયા સપ્તાહે પશ્ચિમ એશિયાના ભૂ-રાજકીય તણાવ વચ્ચે ચીને હિલિયમ ગેસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી.