World

માનવતાના ભલા માટે ચીન-ભારતે એક થવું જરૂરી : જિનપિંગ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં BRICS સંમેલન પૂર્વે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે 50 મિનિટની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. જિનપિંગે ભારત-ચીન સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, માનવજાતના ભલા માટે બંને દેશોનું એક થવું જરૂરી છે. સરહદ વિવાદ ઉકેલવા અને વેપાર-સાંસ્કૃતિક સંબંધો વધારવા પર પણ સહમતી સધાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવતાના ભલા માટે ચીન-ભારતે એક થવું જરૂરી : જિનપિંગ
  • ચીનના પ્રમુખ-વડાપ્રધાન મોદી વચ્ચે ૫૦ મિનિટ દ્વિપક્ષીય બેઠક
  • મુશ્કેલ આંતરરાષ્ટ્રીય વાતાવરણ અને પડકારો વચ્ચે ગ્લોબલ સાઉથના મહત્વના સભ્યો ભારત-ચીન મોટી જવાબદારી નીભાવે : પ્રમુખ
  • બ્રિક્સ દેશોને ઈતિહાસના સાચા પક્ષ સાથે મજબૂતીથી ઊભા રહેવા જિનપિંગની હાકલ

નવી દિલ્હી : ભારતના અધ્યક્ષપદે યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલન માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી શનિવારે ભારત આવ્યા હતા. બ્રિક્સ સંમેલન પહેલાં જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે ૫૦ મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકતા કહ્યું કે, માનવજાતના ભલા માટે ચીન અને ભારતનું એક થવું જરૂરી છે.
નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં ભારત અને ચીનની દ્વિપક્ષીય બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે કહ્યું કે 'ગ્રેટર બ્રિક્સ સહયોગ' હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળા વિકાસ માટે ભારત અને ચીને સાથે મળીને કામ કરવું જોઈએ. બંને દેશ એકબીજાની ખૂબીઓમાંથી શીખી શકે છે અને સંયુક્ત વિકાસ હાંસલ કરી શકે છે. ચીન ભારત સાથે પોતાના સંબંધોને રણનીતિક અને લાંબાગાળાની દૃષ્ટિથી જૂએ છે.
પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત અને ચીનના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સુધર્યા છે તેવા સમયે આ બેઠક થઈ છે. જિનપિંગે ભારપૂર્વક કહ્યું કે, બંને દેશોએ મતભેદોને વિવાદ બનવા દેવા જોઈએ નહીં. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, દ્વિપક્ષીય બેઠકમાં કેટલીક બાબતો પર સહમતી સધાઈ છે, જેમાં સરહદ વિવાદનો નિષ્પક્ષ અને સ્વીકૃત સમાધાન શોધવા, વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવા, બંને દેશોના લોકો વચ્ચે પારસ્પરિક સંબંધો વધારવા, આર્થિક અને વ્યાપારિક ચિંતાઓનું સમાધાન શોધવા પર ભાર મૂકાયો હતો.
આ સિવાય બ્રિક્સ સંમેલનમાં શી જિનપિંગે કહ્યું કે, મુશ્કેલ આંતરરાષ્ટ્રીય વાતાવરણ અને પરસ્પરમાં જોડાયેલા પરિવર્તનો તથા પડકારો વચ્ચે ચીન અને ભારત દુનિયાના બે સૌથી વધુ વસતીવાળા દેશ અને ગ્લોબલ સાઉથના મહત્વના સભ્ય હોવાના પગલે મોટી જવાબદારી નીભાવે છે. તેમણે બંને પક્ષોને બ્રિક્સના વ્યાપક ફ્રેમવર્કની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળા સહયોગને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી.
ચીનના પ્રમુખ જિનપિંગે કહ્યું, ચીન પશ્ચિમ એશિયા અને ગલ્ફ રિજનમાં શાંતિ માટે બ્રિક્સ સાથે મળીને કામ કરવા તૈયાર છે. બ્રિક્સ સંગઠન છેલ્લા બે દાયકામાં સતત સહકાર સાધીને વિકસ્યું છે અને તેનું વિસ્તરણ થયું છે. તેમણે બ્રિક્સ દેશોને ઈતિહાસના સાચા પક્ષ સાથે મજબૂતીથી ઊભા રહેવા હાકલ કરી હતી. પશ્ચિમ એશિયાનો ઉલ્લેખ કરતા જિનપિંગે કહ્યું કે, આ યુદ્ધથી બધા જ ખાડી દેશોને નુકસાન થયું છે. આ આંતરરાષ્ટ્રીય સમુદાયના સંયુક્ત હિતો વિરુદ્ધ છે.