Get The App

ચીને સમુદ્રની અંદર 2,000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું, કરોડો યુનિટ વીજળી બચશે

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
ચીને સમુદ્રની અંદર 2,000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું, કરોડો યુનિટ વીજળી બચશે 1 - image


China Data Center News : ચીને આટફિશિયલ ઈન્ટેલિજન્સ માટે વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા દુનિયાનું પહેલું અંડરવોટર એઆઈ ડેટા સેન્ટર શરૂ કર્યું છે. શાંઘાઈના લિંગાંગ સ્પેશિયલ એરિયા નજીક સમુદ્રમાં બનાવવામાં આવેલું આ ડેટા સેન્ટર પવન ઉર્જા અને સમુદ્રના ઠંડા પાણીનો ઉપયોગ કરીને સર્વર્સ ચલાવે છે. 

આ પ્રોજેક્ટમાં લગભગ 2000 સર્વર્સ પ્રેશર-રેઝિસ્ટન્ટ અંડરવોટર મોડયુલ્સમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જેને એઆઈ મોડલ ટ્રેનિંગ, બિગ ડેટા પ્રોસેસિંગ અને ચીનના સ્થાનિક લાર્જ લેંગ્વેજ મોડલ્સ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની કુલ ક્ષમતા ૨૪ મેગાવોટ સુધી પહોંચશે. આ ડેટા સેન્ટરની સૌથી મોટી વિશેષતા તેનું કૂલિંગ સિસ્ટમ છે.

સામાન્ય રીતે પરંપરાગત ડેટા સેન્ટરમાં લગભગ 40 થી 50 ટકા વીજળી માત્ર સર્વર્સને ઠંડા રાખવા માટે વપરાય છે. પરંતુ અહીં સમુદ્રનું કુદરતી ઠંડુ પાણી સર્વર્સને ઠંડા રાખે છે, જેના કારણે કૂલિંગ માટેની ઊર્જા જરૂરિયાત 10 ટકા કરતાં પણ ઓછી થઈ જાય છે.  આ અંડરવોટર સિસ્ટમનો પાવર યુઝેજ ઈફેક્ટીવનેસ(પીયુઈ) લગભગ 1.15 છે. જે તેને વિશ્વના સૌથી ઊર્જા-કાર્યક્ષમ મોટા ડેટા સેન્ટર્સમાં સ્થાન આપે છે.

ઉલ્લેખનીય છે કે, જેટલો પીયુઈ ઓછો હોય તેટલી ઊર્જાનો વધુ ભાગ સીધો કમ્પ્યુટિંગ માટે વપરાય છે અને ઓછો ભાગ કૂલિંગ તથા અન્ય સપોર્ટ સિસ્ટમ્સ માટે જાય છે. આ સુવિધા સમુદ્ર સપાટીથી અંદાજે 10 થી 35 મીટર નીચે સ્થાપિત કરવામાં આવી છે. તેને નજીકના ઓફશોર પવન ઊર્જા પ્લાન્ટ સાથે સીધી રીતે જોડવામાં આવી છે.

આ પ્રોજેક્ટની 95 ટકા કરતાં વધુ વીજળી રિન્યૂએબલ એનર્જીમાંથી આવે છે. આ પ્રોજેક્ટ દર વર્ષે અંદાજે 6.1 કરોડ કિલોવોટ-કલાક વીજળી બચાવી શકે છે. જમીનનો ઓછો ઉપયોગ, પાણીની બચત અને ઓછી કાર્બન ઉત્સર્જનને કારણે તેને ભવિષ્યના ગ્રીન એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવી રહ્યું છે.