World

BRICS સમિટ 2026નો ઉપયોગ અંગત લાભ માટે કરવાની જિનપિંગની ચાલ: જાણો શું છે ચીનનો માસ્ટરપ્લાન

By GS Team
14 Sep 20265 mins read
TukuTouch Logo
BRICS સમિટ 2026માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 5 મુદ્દાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન દ્વારા ચીન SEZ, AI, ડિજિટલ ઈકોનોમી, મેન્યુફેક્ચરિંગ અને યુવાનો માટે તકોના નામે પોતાનું આર્થિક અને ડિજિટલ સામ્રાજ્ય વિસ્તારવા માંગે છે. ચીન સસ્તા માલ અને ટૅક્નોલૉજી દ્વારા વૈશ્વિક બજાર પર પ્રભુત્વ જમાવવા માંગે છે, જે ડેટા ચોરી અને દેવાની જાળનો ખતરો ઊભો કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BRICS સમિટ 2026નો ઉપયોગ અંગત લાભ માટે કરવાની જિનપિંગની ચાલ: જાણો શું છે ચીનનો માસ્ટરપ્લાન

China 5 Point Plan at BRICS Summit 2026: હાલમાં જ ભારતની અધ્યક્ષતામાં 18મી BRICS સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. ગલવાન ખીણની અથડામણ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત હતી. ભારતે પોતાની મજબૂત રાજદ્વારી નીતિઓથી તમામ દેશોને એકસાથે લાવીને 'નવી દિલ્હી ઘોષણાપત્ર' મંજૂર કરાવ્યું. પરંતુ, આ સમિટમાં ચીને પોતાનો જે નવો 5 મુદ્દાનો પ્લાન રજૂ કર્યો છે, તેણે ભારત સહિત સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે.

ચીનનો દબદબો જમાવવાનો પ્રયાસ
બ્રિક્સ કોઈ વેપારી સંગઠન નથી, છતાં ચીન તેનો ઉપયોગ પોતાના વેપારને ફેલાવવા માટે કરવા માંગે છે. આગામી બ્રિક્સ સમિટ 2027માં ચીનના બેઇજિંગમાં યોજાવાની છે. ચીન રોકાણ સુરક્ષાના નિયમો અને ટૅરિફમાં ઘટાડો કરાવીને વૈશ્વિક બજારમાં પોતાનો સસ્તો માલ ઘુસાડવા માંગે છે. ચીને પહેલાથી જ ભારતમાં મોટું બજાર કબજે કર્યું છે અને હવે તે દુનિયાના અન્ય દેશો પર નજર રાખી રહ્યું છે.

શું છે ચીનનો 5-મુદ્દાનો પ્લાન?
પોતાના આર્થિક અને ડિજિટલ સામ્રાજ્યને વિસ્તારવા માટે શી જિનપિંગે બ્રિક્સમાં 5 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.

વેપાર અને રોકાણ: ખાસ આર્થિક ક્ષેત્ર(SEZ - Special Economic Zone)ની ભાગીદારી દ્વારા વેપાર અને રોકાણને સરળ બનાવવું.

  • ચીનનો હેતુઃ ચીન બ્રિક્સ દેશો સાથે મળીને આવા સહિયારા(જોઈન્ટ) SEZ બનાવવા માંગે છે, જેથી બે દેશો વચ્ચે માલસામાનની આયાત-નિકાસ અને કંપનીઓનું રોકાણ સરળ બને.
  • જોખમઃ આની પાછળ ચીનનો છુપો ઇરાદો એ છે કે તે ઊંચા ટેક્સ કે કડક નિયમોની અડચણ વિના પોતાનો સસ્તો અને જથ્થાબંધ માલ સભ્ય દેશોના બજારોમાં સહેલાઈથી ઠાલવી શકે અને ત્યાંના સ્થાનિક ઉદ્યોગોને કંટ્રોલમાં લઈ શકે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) વિકસાવવા અને ઓપન-સોર્સ સમુદાયો બનાવવા. લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) એટલે એવી અત્યાધુનિક AI સિસ્ટમ જે માણસની જેમ ભાષા વાંચી, સમજી અને લખી શકે છે. ઉદાહરણ - ChatGPT. 'ઓપન-સોર્સ' એટલે એવી ટૅક્નોલૉજી જેનો કોડ દુનિયાનો કોઈપણ એન્જિનિયર જોઈ શકે અને તેમાં સુધારા કરી શકે.

  • ચીનનો હેતુઃ બ્રિક્સ દેશોના સહયોગથી ચીન એક વિશાળ AI નેટવર્ક ઊભું કરવા માંગે છે. તે ઇચ્છે છે કે તમામ દેશો મળીને AI ટૅક્નોલૉજી ડેવલપ કરે.
  • જોખમઃ જો બ્રિક્સ દેશો ચીન સાથે AI ક્ષેત્રે જોડાશે તો ચીનને અન્ય દેશોના સંવેદનશીલ ડેટાની ઍક્સેસ મળી જશે, જે ભવિષ્યમાં સાયબર સિક્યોરિટી માટે મોટો ખતરો બની શકે છે.

ડિજિટલ ઇકોનોમી: ડિજિટલ અર્થતંત્રનો ઝડપી વિકાસ કરવો. ડિજિટલ ઇકોનોમી એટલે એવી અર્થવ્યવસ્થા જે સંપૂર્ણપણે ઇન્ટરનેટ, ઓનલાઇન પેમેન્ટ, ઈ-કોમર્સ, અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પર ચાલતી હોય.

  • ચીનનો હેતુ: ચીન બ્રિક્સ દેશોમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(જેમ કે 5G/6G નેટવર્ક)ના પ્રોજેક્ટ્સ લગાવવા માંગે છે.
  • જોખમઃ ચીન ઇચ્છે છે કે વિકાસશીલ દેશો તેમની ડિજિટલ જરૂરિયાતો માટે ચીનની ટૅક્નોલૉજી પર નિર્ભર થઈ જાય. એકવાર કોઈપણ દેશનું ડિજિટલ માળખું ચીનના હાથમાં આવી જાય, પછી ચીન ત્યાંની આખી અર્થવ્યવસ્થા પર આડકતરો કંટ્રોલ મેળવી શકે છે.

ઉત્પાદન (Manufacturing): મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધુ મજબૂત બનાવવું અને ઉત્પાદન વધારવું. કોઈપણ દેશના વિકાસ માટે મેન્યુફેક્ચરિંગ ખૂબ જરૂરી છે.

  • ચીનનો હેતુ: ચીન 'દુનિયાની ફેક્ટરી' ગણાય છે. તેની યોજના એવી છે કે બ્રિક્સ દેશો તેને કાચો માલ પૂરો પાડે. ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો (EV), બેટરી અને સોલાર પેનલ જેવી 'ગ્રીન એનર્જી'ના ઉત્પાદનમાં તે ભાગીદારી વધારવા માંગે છે.
  • જોખમઃ આ યોજના વડે ચીન કાયમ માટે દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બની રહેવા માંગે છે. કાચો માલ ભલે અન્ય દેશોમાંથી આવે, પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં અને નફો કમાવવામાં ચીન પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે.

યુવાનોને તક: યુવાનો માટે નવીનતા (Innovation) લાવવાની નવી તકો પૂરી પાડવી.

  • ચીનનો હેતુ: ચીન બ્રિક્સ દેશોના તેજસ્વી યુવાનો માટે રિસર્ચ સેન્ટર, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અને ટેક હબ (Tech Hubs) બનાવવાની વાત કરે છે.
  • જોખમઃ આ મુદ્દો ચીનની 'સોફ્ટ પાવર'(બળપ્રયોગ વિના પ્રભાવ પાડવાની નીતિ)નો હિસ્સો છે. ચીન અન્ય દેશોના બુદ્ધિશાળી યુવાનોને પોતાની તરફ આકર્ષીને, તેમને ચીની ટૅક્નોલૉજીથી ટેવાયેલા કરવા માંગે છે. ભવિષ્યમાં એ યુવાનો વૈશ્વિક લીડર્સ બનીને ઉદ્યોગપતિઓ પર પોતાનો પ્રભાવ જમાવે અને ચીનને ફાયદો કરાવે, એવી લાંબા ગાળાની આ ગણતરી છે.

'વૈશ્વિક શાંતિ' અને 'આતંકવાદ'નો ઉલ્લેખ જ નહીં!
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ચીનની આ પાંચ મુદ્દાની યોજનામાં 'વૈશ્વિક શાંતિ' અને 'આતંકવાદ' જેવા ગંભીર મુદ્દાઓનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં નથી. તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર વેપાર અને ટૅક્નોલૉજી પર જ છે.

AI દ્વારા ડેટા ચોરીનું વધતું જોખમ
ચીનનું વિકાસ મોડેલ હંમેશા શંકાના ઘેરામાં રહ્યું છે. શી જિનપિંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) પર સૌથી વધુ ભાર મૂક્યો છે. જાસૂસી અને ડેટા ચોરી કરવા માટે ચીન સમગ્ર વિશ્વમાં બદનામ છે. ચાઈનીઝ ઍપ્લિકેશનો પહેલેથી જ સુરક્ષા માટે મોટો ખતરો બની છે. જો ચીન AI ક્ષેત્રે વધુ વર્ચસ્વ જમાવશે તો ભવિષ્યમાં દુનિયાભરના દેશોનો ડેટા ચોરાવવાનું અને જાસૂસીનું જોખમ અનેકગણું વધી જશે.

ચીનની 'દેવાની જાળ' (Debt Trap) બાબતે ભારત સતર્ક છે
ચીનની પાડોશી દેશોને લોન આપીને બરબાદ કરવાની નીતિ કોઈનાથી છુપી નથી. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશો ચીનની 'દેવાની જાળ'માં ફસાઈને પોતાની અર્થવ્યવસ્થા બરબાદ કરી ચૂક્યા છે. શ્રીલંકાના અર્થતંત્ર પર ચીનનો મોટો કબજો છે.
આ જ કારણ છે કે હવે અમેરિકા, જાપાન અને યુરોપના દેશો પણ ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત આ મામલે ખૂબ જ સતર્ક છે. ચીનના રોકાણો પર ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. RCEP(Regional Comprehensive Economic Partnership)માંથી બહાર નીકળ્યા પછી પણ ભારતે સાવચેતી રાખી છે અને અન્ય દેશો સાથે મુક્ત વેપાર કરારો (Free Trade Agreements) પર હસ્તાક્ષર કર્યા છે.

15મી પંચવર્ષીય યોજનાની આડમાં શી જિનપિંગનો માસ્ટરપ્લાન
બ્રિક્સ સમિટના બીજા દિવસે શી જિનપિંગે સ્પષ્ટ કર્યું કે આ વર્ષ ચીનની '15મી પંચવર્ષીય યોજના'(જે 2026ના સંસદીય સત્રમાં મંજૂર થઈ)ની શરૂઆતનું વર્ષ છે. આ યોજના 2030 સુધી દેશના વિકાસની દિશા નક્કી કરે છે અને 2035ના લાંબા ગાળાના લક્ષ્યોનો ભાગ છે.
આ યોજના દ્વારા ચીન ‘ગ્લોબલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ’ અને વિવાદિત ‘બેલ્ટ ઍન્ડ રોડ’ પ્રોજેક્ટને આગળ વધારવા માંગે છે. જિનપિંગે કહ્યું કે આત્મનિર્ભરતાનો અર્થ દુનિયાથી અલગ થવું નથી. ચીન આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલું રહેશે. તે બ્રિક્સ દેશો અને 'ગ્લોબલ સાઉથ'ના દેશોને પોતાના બજારમાં પ્રવેશ, વિદેશી રોકાણ, AI અને ગ્રીન એનર્જીની લાલચ આપીને વૈશ્વિક અર્થતંત્રનું મુખ્ય એન્જિન બનવા માંગે છે.

અગમચેતી જરૂરી છે
ટૂંકમાં કહીએ તો, ચીન બ્રિક્સનો ઉપયોગ પોતાના દેશના ફાયદા અને ટૅક્નોલૉજીકલ સામ્રાજ્યના વિસ્તરણ માટે કરવા માંગે છે. હવે સમય આવી ગયો છે કે ભારત અને અન્ય દેશો ચીનની મીઠી વાતો પાછળ છુપાયેલી ડેટા ચોરી અને દેવાની જાળની નીતિથી સાવચેત રહે.