ચીને પોતાના બે સાથે પાકિસ્તાની ઉપગ્રહ પણ તરતા મૂક્યા

બૈજિંગ: બે કાયમના હમરાહી જેવા ચીન અને પાકિસ્તાનના અવકાશ-સહયોગને વધુ ગાઢ બનાવવાના કાર્યક્રમરૂપે ચીને રવિવારે પોતાના એક જ રોકેટમાંથી પોતાના બે ઉપગ્રહોની સાથે પાકિસ્તાનનો પણ એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ તરતો મૂક્યો છે.
અગ્નિ ચીનના કોમર્શિયલ એરોસ્પેસ ઈનોવેશન પાઈલોટ ઝોનમાંથી લિજિઅન-૧ વાયએટ કેરિઅર રોકેટમાં ત્રણ ઉપગ્રહો સમાવિષ્ટ હતા. આ રોકેટમાંથી પાકિસ્તાનનો રિમોટ સેન્સિંગ ઉપગ્રહ (પીઆરએસએસ-૨), એરસેટ-૦૩ અને ૦૪ ઉપગ્રહો તરતા મૂકવામાં આવ્યા.
ઉપગ્રહોને આયોજિત કક્ષામાં સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે.
ચીને આ વર્ષે તરતો મૂક્યો હોય એવો આ ત્રીજો પાકિસ્તાની ઉપગ્રહ છે. અગાઉ, એણે જુલાઈમાં પાકિસ્તાન રિમોટ સેન્સિંગ ઉપગ્રહ (પીઆરએસએસ-૧), જ્યારે જાન્યુઆરીમાં પીઆરએસએસસી-ઈઓવન ઉપગ્રહને તરતો મૂક્યો હતો.
ચીન, પાકિસ્તાનને તાજેતરના વર્ષોમાં ઉપગ્રહો તરતા મૂકવાના કામમાં મદદ કરતું રહ્યું છે, જેના પગલે અવકાશ ક્ષેત્રે બે દેશો વચ્ચેનું જોડાણ વ્યાપક બન્યું છે.
ચીને ગયા વર્ષે પાકિસ્તાનના મલ્ટિ-મિશન કોમ્યુનિકેશન ઉપગ્રહને તરતો મૂક્યો હતો.
ચીને ૨૦૧૮ માં બે પાકિસ્તાની ઉપગ્રહોને કક્ષામાં મોકલ્યા હતા, જે પૈકી પીઆરએસએસ-૧ પાકિસ્તાનનો પ્રથમ ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે, જ્યારે બીજો છે પાકટેસ-વનએ, કે જે સ્મોલર ઓબ્ઝર્વેશન ક્રાફટ છે.








