World

ભારત પર નજર રાખવા ચીને 5,000 કિ.મી. રેન્જવાળુ રડાર એક્ટિવ કર્યું

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ચીને યુનાન પ્રાંતમાં મ્યાંમાર સરહદ નજીક LPAR રડાર એક્ટિવ કરતા ભારતની મુશ્કેલીઓ વધી છે. 5,000 કિ.મી.થી વધુ રેન્જ ધરાવતું આ રડાર ભારતના પૂર્વીય ભાગ, બંગાળની ખાડી, અને હિન્દ મહાસાગરના મોટા વિસ્તાર પર નજર રાખશે. તે ઓડિશામાં થતા મિસાઈલ પરીક્ષણોને પણ ટ્રેક કરી શકશે, જે ભારત માટે નવો રણનીતિક પડકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત પર નજર રાખવા ચીને 5,000 કિ.મી. રેન્જવાળુ રડાર એક્ટિવ કર્યું

બેઈજિંગ: પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી ભારત અને ચીન વચ્ચે ખરાબ થયેલા સંબંધો ફરી એક વખત સુધરી રહ્યા છે. આવા સમયે ચીન અરૂણાચલ પ્રદેશમાં ભારતની જમીન પર તેના ગામ અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું હોવાના અહેવાલોથી બંને દેશ વચ્ચે ફરી તણાવ સર્જાયો છે ત્યારે ચીને મ્યાંમાર સરહદ નજીક યુનાન પ્રાંતમાં લાર્જ ફેઝ્ડ એરે રડાર (એલપીએઆર) એક્ટિવ કર્યું છે, જેનાથી ભારતની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ચીન યુનાન પ્રાંતથી ઓડિશામાં મિસાઈલ પરિક્ષણોના ટેસ્ટિંગ અને હિન્દ મહાસાગરના વ્યાપક વિસ્તાર પર નજર રાખશે
ચીન છેલ્લા કેટલાક વર્ષોથી ભારત પર તેની ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીનની આ નિરીક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવાના ભાગરૂપે યુનાન પ્રાંતમાં લગાવાયેલું નવું એલપીએઆર રડાર મહત્વનું મનાય છે. આ રડાર મારફત ચીન ભારતના મિસાઈલ પરીક્ષણોને ટ્રેક કરવા અને હિન્દ મહાસાગરના મોટાભાગના વિસ્તાર પર નજર રાખવા સક્ષમ બનશે.
ચીનનું એલપીએઆર રડાર દૂરથી જ બેલિસ્ટિક મિસાઈલને શોધી શકે છે, તેના ઉડ્ડયન પર નજર રાખી શકે છે અને તેની માહિતી એકત્ર કરી શકે છે. આ રડારની રેન્જ ૫,૦૦૦ કિ.મી.થી વધુ છે. ચીન આ રડારની મદદથી ભારતના પૂર્વીય ભાગ, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના મોટા વિસ્તાર પર નજર રાખી શકે છે. આ રડાર ઓડિશામાં ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુથી થતા મિસાઈલ પરિક્ષણોને પણ ટ્રેક કરી શકે છે. ભારત અહીંથી અગ્નિ-૫, કે-૪ અને અન્ય આધુનિક મિસાઈલોનું પરિક્ષણ કરે છે. કોઈ દેશને આ મિસાઈલોની ઉડ્ડયન અને અન્ય ટેકનિકલ માહિતી મળી જાય તો તે પોતાની સુરક્ષા તૈયારીઓને મજબૂત કરી શકે છે.
સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે ચીનનું આ નવું રડાર ભારત માટે નવો રણનીતિક પડકાર છે. યુનાનમાં આ રડારનું લોકેશન એવું છે કે ચીન બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના મોટાભાગના વિસ્તાર પર નિરીક્ષણ રાખી શકશે. હિન્દ મહાસાગર ભારત માટે ખૂબ જ મહત્વનું છે. હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીનું પ્રભુત્વ છે. દુનિયાના અનેક મોટા સમુદ્રી વેપાર માર્ગ અહીંથી પસાર થાય છે ત્યારે હિન્દ મહાસાગરમાં ચીનનું વધતું નિરીક્ષણ ભારતને મુશ્કેલીમાં મુકી શકે છે.
ચીને લાંબા સમયથી શિનજિયાંગ અને કોરલામાં લાંબા અંતરના રડાર ગોઠવેલા છે. હવે યૂનાનમાં નવું એલપીએર રડાર ચાલુ થવાથી તેની નિરીક્ષણ ક્ષમતા વધી જશે. જોકે, સત્તાવાર રીતે ભારત અને ચીન બંને તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં ભારતે પોતાની એન્ટી-સર્વેલન્સ ટેકનિક અને સંરક્ષણ તૈયારીઓને વધુ મજબૂત કરવી પડશે તેમ સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે.