Get The App

'સીઝ ફાયર' કે ફરી ટક્કર ? અમેરિકા-ઈરાન મંત્રણા પર સૌની નજર

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
'સીઝ ફાયર' કે ફરી ટક્કર ? અમેરિકા-ઈરાન મંત્રણા પર સૌની નજર 1 - image

- બંને દેશોના પ્રતિનિધિઓ ઈસ્લામાબાદ પહોંચ્યા

- શનિવારે મંત્રણા શરૂ થવાની છે : તે પૂર્વે ઈસ્લામાબાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે : ગુરૂવારે જ હોટેલ સેરેના ખાલી કરાવવામાં આવી છે

ઈસ્લામાબાદ : આવતીકાલ શનિવારથી પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચે સંભવિત આખરી યુદ્ધવિરામ માટે મહત્વની મંત્રણા શરૂ થવાની છે. સમગ્ર ઈસ્લામાબાદ લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. અભૂતપૂર્વ સલામતી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પાકિસ્તાન આ મંત્રણાને પોતાની અગ્નિ પરીક્ષા સમાન માને છે. સ્કૂલોમાં રજા રખાઈ છે. રેડ ઝોન સીલ કરી દેવાયા છે. એર સ્પેસ ઉપર સતત નજર રખાઈ રહી છે.

આ મંત્રણા તેવા સમયે થઈ રહેવાની છે કે જ્યારે પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ નાજુક બની છે. લેબેનોન ઉપર ઈઝરાયલે કરેલા હુમલાએ પરિસ્થિતિ વધુ ગૂંચવી છે.

ઈરાની પ્રતિનિધિ મંડળ તો ગુરૂવારે જ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે. તેમાં 'સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલ'ના મંત્રી મોહમ્મદ બાકીર જોલધદ્ર, ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર કાલીબોફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સામેલ છે.

શુક્રવારે અમેરિકી પ્રતિનિધિ મંડળ પહોંચી ગયું છે. તેની આગેવાની ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ કરી રહ્યાં છે. તેમની સામે ટ્રમ્પના મધ્ય પૂર્વના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ છે.

ઈસ્લામાબાદ સ્થિત હોટેલ સેરેનામાં ઔપચારિક મંત્રણા થવાની છે તે હોટેલને ગુરૂવારે જ ખાલી કરાવી સેનેટાઇઝ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પહેલાં તો જે.ડી.વાન્સ મંત્રણામાં ઉપસ્થિત રહેવાના ન હતા, પરંતુ પછીથી વિચાર બદલ્યો હોય તેમ લાગે છે.

ઈસ્લામાબાદ અભૂતપૂર્વ લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. હોટેલ સેરેના આસપાસની સડકો પણ સીલ કરી દેવાઈ છે. રેસ્ક્યુ એજન્સીઓ અને હોસ્પિટલો હાઈ એલર્ટ પર મુકી દેવાયાં છે.

તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલા અને અફઘાન સીમા ઉપર કડક નજર રાખવામાં આવી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ અમેરિકાનાં ચાર્જ-દે-અફેર્સ નાતાલી બેકટને ખાત્રી આપી છે કે વિદેશી મહેમાનોને સંપૂર્ણ સલામતી આપવામાં આવી છે.

આ પરિસ્થિતિમાં ઈઝરાયલે લેબેનોન પર મિસાઇલ્સ અને યુદ્ધ વિમાનો દ્વારા હુમલા કરતાં સ્થિતિ ગૂંચવાઈ છે. ઈઝરાયલ કહે છે લેબેનોન ઈઝરાયલ સંઘર્ષ આ યુદ્ધ વિરામમાં આવરી લેવાયો નથી. જ્યારે ઈરાન કહે છે કે તે આવરી લેવાયો છે.

આ યુદ્ધ વિરામ મંત્રણામાંથી ખસી જવાની પણ ઈરાને આ કારણસર જ ભાગ લેવાની ઈરાને 'ના' કહી હતી છતાં હવે ઉપસ્થિત રહેવાનું છે.

ઈરાનનાં યુરેનિયમ સંવર્ધન અને હોર્મુઝ સ્ટ્રેઇટ આ મંત્રણાના કેન્દ્રમાં રહેશે તેમ નિશ્ચિત લાગે છે. પાકિસ્તાને શાળાઓમાં રજા જાહેર કરી છે. તેણે બે દિવસની રજા રાખી છે. દુકાનો પણ તે માર્ગો પરની બંધ રહેશે.