સીઝફાયર પર સસ્પેન્સ વધ્યું! બંને પક્ષ વચ્ચે હવે આ મુદ્દે પેચ ફસાયો, ઈરાનના રાજદૂતે પોસ્ટ ડિલીટ કરતાં અટકળો તેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| તસવીરમાં પ્રથમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ, લેબેનૉનના વડાપ્રધાન નવાફ સલામ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી |
Middle East Ceasefire Crisis : અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખ મોહમ્મદ ઈસ્લામીએ આજે (9 એપ્રિલ) સ્પષ્ટ કહ્યું છે કે, ‘ઈરાન અમેરિકા સાથે કોઈ પણ સમજૂતી કે કરાર કરે, પરંતુ તેમાં પોતાના પરમાણુ કાર્યક્રમ હેઠળ યુરેનિયમ સંવર્ધનનો અધિકાર જાળવી રાખવો એ તેના માટે અનિવાર્ય શરત છે અને તેમાં તે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં.’
યુદ્ધવિરામ પર સંકટ !
અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલાઓ શરૂ કર્યા બાદ હવે યુદ્ધવિરામની જાહેરાત કરી દેવાઈ હતી, જોકે હવે યુદ્ધવિરામ પર સંકટના વાદળો ઘેરાતા દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં ઈરાની રાજદૂત રજા અમીરી મુગાદ્દમેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે યોજાનાર યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે પ્રતિનિધિમંડળનું આગમન’... જોકે હવે ઈરાની રાજદૂતે આ પોસ્ટ હટાવી દીધી છે, જેના કારણે યુદ્ધવિરામ પર સંકટ આવી ચઢ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ હટાવ્યા બાદ યુદ્ધવિરામની ચર્ચા કરવા માટેના આયોજન પર આશંકા અને સસ્પેન્સ ઘેરાયું છે. એટલું જ નહીં પાકિસ્તાનની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
4 દેશોના દાવામાં લેબેનૉન ફસાયું
જોકે યુદ્ધવિરામ પર સંકટ પાછળ માત્ર ઈરાની રાજદૂતની પોસ્ટ કારણ નથી, ઈઝરાયલના લેબેનૉન પર હુમલા પણ કારણોમાં સામેલ છે. વાસ્તવમાં યુદ્ધવિરામ થયાના થોડી જ કલાકોમાં ઈઝરાયલે લેબેનૉન પર ભયામક હુમલા કર્યા હતા. આ લોહિયાળ હુમલો બુધવારે થયો હતો, જેમાં 250થી વધુ લોકોના મોત અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે યુદ્ધવિરામમાં લેબેનૉન પણ સામેલ હતું, જોકે ઈઝરાયલ-અમેરિકાએ તેનો ઇન્કાર કરી દીધો છે. બીજીતરફ ઈરાન અને સમજૂતીમાં મધ્યસ્થી કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) કહ્યું છે કે, યુદ્ધવિરામની શરતોમાં લેબેનૉન પર હુમલા અટકાવવાનો મુદ્દો પણ સામેલ છે.
...તો હોર્મુઝ સંપૂર્ણ બંધ કરી દેવાશે
લેબેનૉન પર હુમલો થયા બાદ ઈરાન નારાજ થયું છે અને તેને હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ કરી દીધો છે. ઈરાનની એજન્સીએ સંકેત આપ્યા છે કે, જો લેબેનૉન પર હુમલા અટકશે નહીં તો હોર્મુઝને સંપૂર્ણ બંધ કરી દેવાશે. બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, જો ઈરાન સમજૂતીની શરતોનું પાલન નહીં કરે તો, તેના પર અગાઉ જે હુમલાઓ કર્યા હતા, તેનાથી પણ ભયંકર હુમલા કરવામાં આવશે. હોર્મુઝ જળમાર્ગમાંથી વિશ્વભરમાં 20 ટકા ઓઇલ સપ્લાય થાય છે, ત્યારે આના પર ઈરાનનું નિયંત્રણ યથાવત્ છે. જોકે ચિંતાની વાત એ છે કે, ઈરાને હોર્મુઝમાંથી પસાર થતાં તમામ જહાજો પાસેથી ટોલ વસૂલવાની ચેતવણી આપી છે, પરંતુ અમેરિકાએ તેનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો : ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ









